
10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા પાસે હ્યુન્ડાઇ i-20 કારમાં વિસ્ફોટ થયો હતો. આ હુમલો આતંકીઓ દ્વારા પ્રેરિત હોવાનું કહેવાઈ રહ્યું છે. હુમલા બાદ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક તપાસમાં અમોનિયમ નાઈટ્રેટ ફ્યુઅલ ઓઈલનો (ANFO) ઉપયોગ થયો હોવાનું કહેવાય રહ્યું છે, જે IED (ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઈસ) બનાવવા માટે વપરાય છે.
મીડિયા અહેવાલો અનુસાર, પોલીસે મુખ્ય આરોપી અને આત્મઘાતી તરીકે ડૉ. મોહમ્મદ ઉમર નબીની ઓળખ કરી છે, જે જમ્મુ-કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે અને ફરીદાબાદની અલ-ફલાહ મેડિકલ કોલેજમાં ડૉક્ટર તરીકે કામ કરતો હતો. ઉમર ફરીદાબાદથી ઝડપાયેલ આતંકવાદી મોડ્યુલનો સભ્ય હોવાનું પણ કહેવાય રહ્યું છે. તેની સાથે સંકળાયેલા અન્ય લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.
નોંધનીય છે કે પુલવામામાં ઉમરનાં ભાઈઓ (આશિક અને ઝહુર), અમ્મી શમીમા બાનો, તારિક અહેમદ દાર, અમીર રશીદ સહિત 4થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સિવાય ફરીદાબાદમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. અહેવાલ મુજબ અત્યાર સુધી કુલ 100થી વધુ લોકોને અટકાયતમાં લેવાયા છે.
આ સિવાય દિલ્હી પોલીસે UAPA અને વિસ્ફોટક કાયદા હેઠળ કેસ નોંધ્યો છે. હાલ 100થી વધુ CCTV ફૂટેજની તપાસ ચાલુ છે, જેમાં સંદિગ્ધ શખ્સ માસ્ક પહેરેલો દેખાયો છે. આ ઉપરાંત મૂળ માલિક મોહમ્મદ સલમાન, તારિક અને અન્યની પૂછપરછ ચાલુ છે. કારની માલિકી ઘણી વખત બદલાઈ હોવાનું સામે આવી ચૂક્યું છે.
આ વિસ્ફોટ ફરિદાબાદમાં 2,900 કિલો વિસ્ફોટક સામગ્રી (અમોનિયમ નાઈટ્રેટ સહિત) જપ્ત કર્યા પછીના કલાકોમાં થયો હતો. ફરીદાબાદના કેસ મામલે 3 ડૉક્ટરો સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મોડ્યુલ જૈશ-એ-મોહમ્મદ અને અનસાર ગઝવત-ઉલ-હિંદ જેવા આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલું હતું.
હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે, જેમાં NIA, IB અને જમ્મુ-કાશ્મીર પોલીસ સામેલ થશે.

