ચૂંટણી પંચે ગુજરાત, પશ્ચિમ બંગાળ સહિત દેશનાં કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હાથ ધરવા માટે સત્તાવાર ઘોષણા કરી છે. સોમવારે (27 ઑક્ટોબર) એક પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ અંગે સમગ્ર માહિતી આપી.
જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR હાથ ધરવામાં આવનાર છે તેમાં ગુજરાત, ગોવા, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, અંદમાન નિકોબાર, પુડુચેરી અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
#SIR 12 States & UTs#ECI #SIRPhase2 pic.twitter.com/JA2CnyWulz
— Election Commission of India (@ECISVEEP) October 27, 2025
સમગ્ર પ્રક્રિયા એક સમયસીમા હેઠળ થશે. જેમાં 28 ઑક્ટોબરથી 3 નવેમ્બર સુધી કર્મચારીઓની તાલીમ અને જરૂરી સામગ્રીનું પ્રિન્ટિંગ ચાલશે. ત્યારબાદ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 9 ડિસેમ્બરના રોજ મતદાર યાદીનો પ્રથમ ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવશે. તેની ઉપર વાંધો હોય તેમને વાંધાઅરજી કરવા માટે 8 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવશે. ત્યારબાદ ખરાઈ કર્યા બાદ 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે.
ચૂંટણી પંચે તમામ રાજ્યોમાં કેટલા મતદારો છે, કેટલાં મતદાન મથક અને BLO છે તેમજ કેટલા ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ છે તેની પણ વિગતો સાર્વજનિક કરી છે. જે અનુસાર ગુજરાતમાં 5.8 કરોડ મતદારો માટે 50,963 BLO કામ કરી રહ્યા છે. 28,524 રાજકીય પાર્ટીના એજન્ટો છે. કર્મચારીઓમાં 1037 ERO અને AERO અને 33 DEOનો સમાવેશ થાય છે.
શું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને તેની જરૂર કેમ પડી?
સામાન્ય રીતે ચૂંટણીઓ પહેલાં ચૂંટણી પંચ મતદાર યાદી સુધારણા કરતું હોય છે, પરંતુ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયામાં સમગ્ર મતદાર યાદી ફ્રીઝ કર્યા બાદ તેમાં નવેસરથી ખરાઈ કરીને તમામ નોંધાયેલા મતદારોની વિગતો ચકાસવામાં આવે છે. જેથી ડુપ્લિકેટ, સ્થળાંતર કરી ગયેલા, મૃત્યુ પામેલા મતદારોનાં નામ યાદીમાંથી દૂર કરી શકાય તેમજ ગેરકાયદેસર ઘૂસણખોરો હોય તો તેમનાં નામ પણ કમી કરી શકાય.
આ પ્રક્રિયા હેઠળ બૂથ લેવલ ઑફિસર (BLO) ડોર ટૂ ડોર જઈને વેરિફિકેશન કરે છે. મતદાર યાદીમાં તમામ મતદારોની વિગતોની ચકાસણી અને ખરાઈ કરવામાં આવે છે. જેન્યુઇન નામોને યાદીમાં યથાવત રાખવામાં આવે છે, જ્યારે ડુપ્લીકેટ, વાંધાજનક નામો દૂર કરવામાં આવે છે. ત્યારબાદ મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રકાશિત થાય છે. તેમાં જેમનાં નામ ન હોય અને વાંધો હોય તો ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરી શકાય છે. જો યોગ્ય પુરાવા આપવામાં આવે, કેસ સાબિત કરવામાં આવે તો ખરાઈ બાદ નામ ઉમેરાય અન્યથા દૂર કરવામાં આવે છે.
ચૂંટણી પંચે આ પહેલાં બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં SIR પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રક્રિયા જ્યારે ચાલી રહી હતી ત્યારે રાજકીય પાર્ટીઓએ બહુ ધમપછાડા કર્યા અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાના પણ પ્રયાસ કર્યા. આ જ સમય દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘વૉટ ચોરી’નું તૂત ચલાવ્યું અને ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનરને પણ ટાર્ગેટ કરવાના પ્રયાસ કર્યા, પરંતુ આ બધા છતાં પણ એક હકીકત એ છે કે બિહારમાં પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને એક પણ અપીલ દાખલ કરવામાં ન આવી.
1951થી 2004 સુધીમાં 8 વખત SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચૂકી છે. અંતિમ વખત 21 વર્ષ પહેલાં 2004માં હાથ ધરવામાં આવી હતી, જેથી ઘણા સમયથી મતદાર યાદીની સંપૂર્ણ સુધારણા અને પુનરાવર્તનની માગ ઉઠી રહી હતી. બિહારમાં સફળતાપૂર્વક આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યા બાદ હવે અન્ય રાજ્યોમાં પણ આ જ પદ્ધતિથી કામગીરી પાર પાડવામાં આવશે.
કયા-કયા અધિકારીઓ હાથ ધરશે SIR?
SIR પ્રક્રિયામાં જેઓ ભૂમિકા નિભાવે છે તેમાં BLOથી માંડીને, ERO, AERO અને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તેમજ CEOનો સમાવેશ થાય છે.
BLO એ દરેક મતદાન મથક માટે બૂથ લેવલ ઑફિસર કહેવાય છે. ત્યારબાદ દરેક વિધાનસભા મતક્ષેત્ર માટે એક ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર (ERO) આવે છે. જેઓ મોટેભાગે SDM કક્ષાના અધિકારી હોય છે, જેમનું કામ ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કરવાનું અને જે વાંધાઅરજીઓ આવે તેની ઉપર નિર્ણય લેવાનું હોય છે. ત્યારબાદ અંતિમ યાદી પણ તેઓ જ તૈયાર કરે છે. તેમને મદદ પૂરી પાડવા માટે દરેક તાલુકામાં એક આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર (AERO) હોય છે.
EROના નિર્ણય સામે વાંધો હોય તો ઉપરના અધિકારીનો સંપર્ક કરી શકાય છે, જેઓ હોય છે ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ. તેમના નિર્ણયથી પણ સંતોષ ન હોય તો વ્યક્તિ રાજ્ય ચૂંટણી અધિકારી (CEO) સમક્ષ અપીલ દાખલ કરી શકે છે.
શું હશે પ્રક્રિયા?
આ પ્રક્રિયા હેઠળ દરેક મતદાર માટે યુનિક ઇન્યુમરેશન ફોર્મ આપવામાં આવશે, જેમાં મતદાર યાદીમાં સમાવિષ્ટ તમામ જરૂરી વિગતો હશે. BLO આ ફોર્મ તમામ મતદારને પહોંચાડશે. ત્યારબાદ મતદારનું અથવા તેના સંબધીનું નામ અંતિમ SIR સાથે મેચ કે લિન્ક કરવામાં આવશે. જેના માટે ડેટાબેઝ ઇલેક્શન કમિશનની વેબસાઈટ પર ઉપલબ્ધ હશે. આ ફોર્મ પછીથી BLO ERO અને AEROને પહોંચાડશે. ફોર્મ ઓનલાઇન પણ ભરી શકાય છે.
Key Processes of #SIR#ECI pic.twitter.com/47OgdJWhXa
— Election Commission of India (@ECISVEEP) October 27, 2025
BLO મૃત્યુ પામ્યા હોય તેવા, સ્થળાંતર કરી ગયા હોય એવા કે એક કરતાં વધુ સ્થળે નોંધાયેલા હોય તેવા મતદારો અલગ કરશે. ત્યારબાદ જે ફોર્મ આવ્યાં હોય તેમની પ્રથમ મતદાર યાદી (ડ્રાફ્ટ) તૈયાર કરવામાં આવશે. જેમનાં નામ મેચ કે લિંક ન થયાં હોય તેમને ERO દ્વારા નોટિસ મોકલવામાં આવશે. તેમને પછી સાંભળવામાં આવશે અને ERO રેકર્ડ પર ઉપલબ્ધ સામગ્રી અને તથ્યોના આધારે નિર્ણય લેશે કે નામ સામેલ કરવું કે નહીં. ERO અને AEROને સૂચના આપવામાં આવી છે કે એક પણ પાત્રતા ધરાવતો નાગરિક રહી ન જાય અને એક પણ અયોગ્ય વ્યક્તિ યાદીમાં સામેલ ન થાય તે જોવાની જવાબદારી તેમની રહેશે.
તમામ રાજ્યોમાં આ પ્રક્રિયા ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આમાંથી મોટાભાગનાં રાજ્યો એવાં છે જ્યાં 2026માં અથવા 2027માં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ પર નજર રહેશે, જ્યાં SIR પ્રક્રિયા પૂર્ણ થયાના તરત પછી ચૂંટણી યોજાશે. ગેરકાયદેસર ઘૂસણખોરી અને અયોગ્ય મતદારો માટે કાયમ ચર્ચામાં રહેતા TMC શાસન હેઠળના બંગાળમાં SIR પ્રક્રિયાની માગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી, હવે ઘોષણા થઈ ગઈ છે ત્યારે તેની રાજકીય પ્રતિક્રિયા કેવી આવે એ પણ જોવું રહ્યું. જોકે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે SIR યોજવી એ તેમનો બંધારણીય અધિકાર અને ફરજ છે અને તેના માટે સહકાર આપવો અને સુરક્ષા પૂરી પાડવી એ દરેક રાજ્ય સરકારની ફરજમાં આવે છે.


