19 સપ્ટેમ્બર 2025ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘Restriction on Entry of Certain Non-immigrant Workers’ નામની એક જાહેરાત પર હસ્તાક્ષર કર્યા હતા. આ નવા નિયમ મુજબ અમેરિકા બહારના નાગરિકોએ H-1B વિઝા માટે અરજી કરતી વખતે 1,00,000 અમેરિકન ડોલરની ચુકવણી કરવી પડશે. ટ્રમ્પે તેમના MAGA સમર્થકોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજી તરફ ચીને વૈશ્વિક STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ) પ્રતિભાઓને આકર્ષવા માટે K વિઝા કાર્યક્રમ શરૂ કર્યો છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને તાજેતરની પત્રકાર પરિષદમાં વૈશ્વિકરણના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય પ્રતિભા આદાન-પ્રદાનનું મહત્વ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે ચીન વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓને આવકારે છે, જેથી તેઓ ચીનમાં કારકિર્દીની તકો અને માનવજાતની પ્રગતિ માટે યોગદાન આપી શકે.
K-વિઝા કાર્યક્રમ શું છે?
ઑગસ્ટ 2025માં ચીને એક નવી વિઝા શ્રેણી જાહેર કરી, જેનો ઉદ્દેશ STEM ક્ષેત્રના યુવા વ્યાવસાયિકો અને શિક્ષણ તેમજ સંશોધન સાથે સંકળાયેલા વિદેશી વ્યાવસાયિકોને આકર્ષવાનો છે. આ નિયમ 1 ઑક્ટોબર 2025થી અમલમાં આવ્યો છે. ચીનના પ્રીમિયર લી કિયાંગે આ નીતિ લાગુ કરવાં માટે ડિક્રી પર હસ્તાક્ષર કર્યા છે. K-વિઝા ચીનની સામાન્ય વિઝા શ્રેણીઓ હેઠળ રજૂ કરવામાં આવશે.
આ વિઝા માટે પાત્ર યુવા વૈજ્ઞાનિકો અને ટેકનોલોજી વ્યાવસાયિકો, જેઓ ચીની સત્તાવાળાઓ દ્વારા નિર્ધારિત માપદંડો અને જરૂરી દસ્તાવેજો પૂરા પાડે, તેઓ અરજી કરી શકશે. ચીનના હાલના 12 પ્રમાણભૂત વિઝા પ્રકારોની તુલનામાં, K-વિઝા વધુ સરળતા પ્રદાન કરશે, જેમાં બહુવિધ પ્રવેશ, લાંબી માન્યતા અવધિ અને લાંબા સમય સુધી રોકાણની મંજૂરી સામેલ છે.
K-વિઝાધારકો ચીનમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન, વૈજ્ઞાનિક સંશોધન, ટેકનોલોજી વિકાસ, ઉદ્યમશીલતા અને સંબંધિત વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. આ વિઝા માટે અરજદારોને ચીની નોકરીદાતા કે સંસ્થા તરફથી આમંત્રણની જરૂર નહીં હોય. જો અરજદાર ઉંમર, શિક્ષણ અને કાર્ય અનુભવના માપદંડો પૂરા કરે તો તે સરળ પ્રક્રિયા દ્વારા સ્વતંત્ર રીતે અરજી કરી શકશે.
ચીનનો ઉદ્દેશ એ છે કે તે આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ ટેકનોલોજી અને બાયો-ટેક જેવા ક્ષેત્રોમાં માત્ર સ્થાનિક પ્રતિભાઓ પર નિર્ભર રહેવા નથી માંગતુ, તેથી તે વૈશ્વિક ઉચ્ચ-સ્તરીય પ્રતિભાઓને આકર્ષવા માંગે છે. ચીનની સિંઘુઆ યુનિવર્સિટીના પ્રોફેસર યીન ચેંગઝીએ K-વિઝા કાર્યક્રમનું સ્વાગત કરતા કહ્યું છે કે, “આ કાર્યક્રમથી યુનિવર્સિટીઓ માટે આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી, સંશોધકો અને પોસ્ટ-ડોક્ટરલ ફેલોને આકર્ષવા સરળ બનશે. આ ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં AI અને બાયો-ટેક જેવા ક્ષેત્રોમાં નવીનતાને વેગ આપશે. લાંબાગાળે આ ચીનની સંશોધન અને વિકાસ ક્ષમતાઓને મજબૂત કરશે, નવા ઉદ્યોગોનું સર્જન કરશે અને ચીનના ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા વધારશે.”
આ પહેલાં ચીને 2013માં ઉચ્ચ-સ્તરીય પ્રતિભાઓ માટે R-વિઝા રજૂ કર્યો હતો. ચીનની વ્યૂહરચના અનુસાર, તે ટ્રમ્પની નીતિઓથી લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. ટ્રમ્પે તેમના MAGA સમર્થકોને ખુશ કરવા માટે વિઝા નીતિઓને કડક કરી, પરંતુ ચીન આ તકનો ઉપયોગ કરીને દક્ષિણ એશિયા અને અન્ય દેશોની પ્રતિભાઓને આકર્ષવા માંગે છે. ખાસ કરીને, અમેરિકામાં H-1B વિઝા ધારકોમાં 70% ભારતીયો છે અને ચીન આ ઉચ્ચ-કૌશલ્ય ધરાવતા લોકોને પોતાની તરફ ખેંચવા માંગે છે.
આ નીતિ વૈજ્ઞાનિક આદાન-પ્રદાન ઉપરાંત સૌમ્ય રાજદ્વારીને (soft diplomacy) પ્રોત્સાહન આપશે અને બેઇજિંગને ખુલ્લા કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. જોકે, તેનાથી ભારત જેવા દેશોમાં ટેકનોલોજી ક્ષેત્રમાં પ્રતિભાની અછત વધી શકે છે, જે ભૂ-રાજકીય તણાવ પેદા કરી શકે છે. ચીન પોતે આર્થિક મંદી, યુવા બેરોજગારી અને રિયલ એસ્ટેટ કટોકટી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. K-વિઝા કાર્યક્રમ કેટલો સફળ થશે તે આગામી સમયમાં જોવું રહ્યું.
ચીનનો K-વિઝા કાર્યક્રમ વૈશ્વિક STEM પ્રતિભાઓને આકર્ષવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે ટ્રમ્પની કડક વિઝા નીતિઓનો લાભ લઈને ચીનને નવીનતા અને સ્પર્ધાત્મકતામાં આગળ લઈ જવાનો પ્રયાસ કરે છે.
આ લેખ મૂળ અંગ્રેજીમાં લખાયેલો છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.


