ભારત વિશાળ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. તેનો ઇતિહાસ પણ એટલો જ લાંબો અને વિશાળ છે. ભલે પછી તે રાજકીય ઇતિહાસ હોય, સામાજિક ઇતિહાસ હોય કે સાંસ્કૃતિક. આ તમામ ઇતિહાસોમાં એક અલાયદો ઇતિહાસ રહ્યો છે નારાઓનો. પ્રાચીન સમયથી ભારતમાં નારા બોલાતા, લખાતા આવ્યા છે. સ્વતંત્રતા સમયના અને ત્યારબાદના કેટલાક નારાઓ ખૂબ પ્રસિદ્ધ અને જાણીતા પણ થયા છે. સ્વતંત્રતા મળ્યા પછીની સરકારોએ પણ આ કામ ચાલુ રાખ્યું હતું. અભ્યાસક્રમમાં પણ કયો નારો કોણે આપ્યો હતો તેના પાઠ ભણાવવામાં આવતા. આવો જ એક નારો રાહુલ ગાંધીના દાદી ઇન્દિરા ગાંધીએ સત્તામાં રહેતાં આપ્યો હતો- ગરીબી હટાવો.
સ્વતંત્રતા પછી દેશની સ્થિતિ કેવી હતી અને કેવી નહીં તેના વિશે ઇતિહાસમાં ઘણું લખાયું છે. ત્યારના વડા પ્રધાનોનાં સ્વતંત્રતા દિવસનાં ભાષણો ઉઠાવીને જોઈશું તોપણ ઘણુંખરું સમજાશે. તે સમયે દેશમાં ગરીબી ચરમસીમા પર હતી. ટેકનોલોજીથી લઈને આર્થિક, સંરક્ષણ વગેરે અનેક બાબતોમાં દેશે ઘણી પ્રગતિ કરવાની હજુ બાકી હતી. આવા સમય દરમિયાન ઇન્દિરા ગાંધીએ આ નારા આપ્યો હતો.
નારો આપવો અને તેનો અમલ કરવો બંને અલગ બાબતો
ઇન્દિરા ગાંધીએ નારો તો આપી દીધો પણ પછી શું કરવાનું છે તે તેમને પોતાને પણ ખબર નહોતી. નારા આપવા એક વાત થઈ અને તેનો અમલ કરવો બીજી. એક રીતે આ ફેશન જેવું થઈ ગયું છે. ઘણા નારા બોલવામાં સારા લાગે તેના કારણે ફેમસ થઈ જતાં હોય છે પણ તેનાથી જમીન પર લેશમાત્ર કશું થતું નથી. આવું જ આ નારાનું પણ થયું. જોકે, ઘણા નારા એવા પણ હોય છે જે બોલવામાં સારા લાગે અને જમીન પર તેના અમલની અસરો પણ જોવા મળતી હોય. જેમ કે- ‘રામલલ્લા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે’નો નારો. આ નારાએ હિંદુ સમાજમાં ચેતના ઊભી કરી અને તેનું પરિણામ અભૂતપૂર્વ ઇતિહાસનું સાક્ષી બન્યું.
પણ ઇન્દિરા ગાંધીના કેસમાં આવું ન થયું. ઇન્દિરા ગાંધી બે ટર્મ થઈને અગિયાર વર્ષ શાસન કરી ગયા, પણ નારો અકબંધ રહ્યો. પછી તેમના પુત્ર રાજીવ ગાંધી પણ આવીને હટી ગયા, તેમના પછી સોનિયા ગાંધીએ અપ્રત્યક્ષ રીતે શાસન કર્યું અને 2014માં તેઓ પણ હટી ગયા. ગાંધી પરિવારના સભ્યો શાસન કરીને હટી ગયા પણ ગરીબી ન હટી. અને હવે સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધી અને પ્રિયંકા સક્રિય રાજકારણમાં આવીને ‘મોદી હટાવો’નો નારો આપી રહ્યા છે!
કારણ એ છે કે નારાનો ઉપયોગ માત્ર ચૂંટણી માટે કરવાનો નથી હોતો. સભાઓમાં જઈને મોટેમોટેથી બોલવા માટે માત્ર નારાઓ બનતા હોતા નથી. તેના પર પછીથી કામ પણ કરવું પડે છે. કામ કરવાનું વિઝન હોવું પણ જરૂરી છે. ગાંધી પરિવારે નારા તો આપી દીધા પણ પછીથી આ બીજા તબક્કા માથું માર્યું નહીં. શાસન હતું ત્યારે ‘ગરીબી હટાવો, ગરીબી હટાવો’ કરતા રહ્યા પણ અમલમાં કશું ન આવ્યું. સંભવતઃ એવું પણ હોય કે લોકો ખરેખર ગરીબીમાંથી બહાર આવી ગયા તો નવો નારો શું લગાવીશું!
મોદીએ વગર નારાએ કરી બતાવ્યું કામ
ઇન્દિરા ગાંધીએ નારો આપી દીધો પણ પછી તેનો અમલ ન થયો. આ નારો પણ મોદીએ આવીને સાકાર કરવો પડ્યો. મોદીએ આવીને સૌથી પહેલાં તો શૌચાલયો બાંધવાં પડ્યાં હતાં. તેનાથી અગાઉની સરકારોએ શું પરાક્રમ કર્યાં હતાં તેનો ઘણોખરો ખ્યાલ આવી જાય. ત્યારબાદ તબક્કાવાર ગરીબીને નાબૂદ કરવા માટે કોઈપણ ઉહાપોહ કર્યા વગર કામ શરૂ કરવામાં આવ્યું અને હવે 11 વર્ષના મોદી સરકારના શાસન બાદ તેનું પરિણામ પણ જોવા મળ્યું છે. કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવી ચૂક્યા છે.
જોકે, મોદીએ આવીને કોઈ નારા ન લગાવ્યા, તેમણે નારા લગાવ્યા વગર પરિણામ લાવીને દેખાડી આપ્યું. તેમણે આ દિશામાં જે કંઈ કરવાનું હતું એ કામ પણ કર્યું. માત્ર સભાઓમાં જઈને વાયદા ન કર્યા. મોદી આવ્યા સુધી વાયદા અને નેતાઓને જુદી નજરથી જોવામાં આવતા હતા. મોદીએ આવીને એવું સાબિત કરી બતાવ્યું કે જે કહીએ છીએ એ થઈ પણ શકે છે. માત્ર નિયત સાચી હોવી જોઈએ. મોદીએ ગરીબી હટાવવા માટે અનેક કામો કર્યા, અનેક યોજનાઓ જાહેર કરી અને અનેક સહાયો પુરી પાડી. તેનું પરિણામ શું આવ્યું એ આજે સૌ કોઈ જાણે છે.
કરોડો લોકોને ગરીબી રેખામાંથી કાઢ્યા બહાર
સત્તામાં આવ્યા બાદ નારા આપીને 5 વર્ષ કાઢી નાખવાની જૂની સરકારોની પરંપરા પર મોદીએ આવતાની સાથે જ પ્રતિબંધ લગાવી દીધો. તેમણે આવીને કામ કરીને બતાવ્યું. તેમણે ‘આતમનિર્ભર’ ભારતનો સંકલ્પ રજૂ કર્યો. વિદેશો પરની નિર્ભરતા ઘટાડીને દેશને સશક્ત બનાવવો એ બે-પાંચ કે દસ વર્ષનું પણ કામ નથી, એ મોદી પણ સારી રીતે જાણે છે. પણ શરૂઆત તો ક્યાંકથી કરવી પડે છે, એ શરૂઆત મોદીએ કરી. તેઓ સૂત્ર આપીને છટકી નથી જતાં, સરકાર દ્વારા તેને જમીન સુધી પહોંચાડવાનું કામ પણ તેઓ સારી રીતે કરે છે અને એટલે જ આજે આટલી સફળતા મળી શકી છે.
વડા પ્રધાન મોદી દેશના કરોડો લોકોના જીવનને સમજ્યા છે, તેમને જીવ્યા છે અને અનુભવ્યાં છે. તેમને ACવાળા રૂમ અને વૈભવી જીવનશૈલીમાંથી સીધી ખુરશી નથી મળી. તેઓ ગરીબો વચ્ચે રહીને ઘસાયા છે. તેમને ખબર છે કે ગરીબી શું છે અને તેના કારણે શું સમસ્યાઓ ઊભી થાય છે. આનું જ એ પરિણામ આવ્યું છે કે તેઓ ગરીબીને સમજીને તેને ખતમ કરવા માટે મહેનત કરી રહ્યા છે. તેમણે એવી અનેક યોજનાઓ અને સહાયો પૂરી પાડીને કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે અને આ કામ વાયુવેગે ચાલી પણ રહ્યું છે.
NITI આયોગના રિપોર્ટ મુજબ, 2014થી 2024 સુધીમાં 24.8 કરોડ (હવે 25 કરોડ) લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેમાંથી મોટાભાગના લોકો નિઓ મિડલ ક્લાસનો હિસ્સો બન્યા છે. આ લોકો હવે મોબાઈલ, બેન્ક એકાઉન્ટ, બાઇક કે ટીવી જેવી વસ્તુઓ ખરીદે છે, જે પહેલાં તેમના માટે માત્ર એક સ્વપ્ન હતું. નિઓ મિડલ ક્લાસ (નવ મધ્યમવર્ગ કે નવો મધ્યમવર્ગ) એક એવો સમૂહ છે, જે ગરીબીમાંથી હટીને મધ્યમવર્ગ તરફ આગળ વધી રહ્યો છે. એટલે કે એક એવો સમૂહ જે પહેલાં ગરીબી રેખા નીચે જીવતો હતો, તે હવે ગરીબીમાંથી હટીને પોતાનું જીવનધોરણ સુધારી રહ્યો છે.
કેવી રીતે ગરીબી હટાવી રહી છે મોદી સરકાર?
છેલ્લા દાયકામાં મોદી સરકારે અનેક સરકારી યોજનાઓ દ્વારા ગરીબીને હટાવવા માટેના અભૂતપૂર્વ પ્રયાસો કર્યા છે. નવરાત્રિ પહેલાંના પીએમ મોદીના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, કરોડો લોકો ગરીબીના શાપમાંથી મુક્ત થયા છે અને હવે તેમની આકાંક્ષાઓ ભારતની શક્તિ બની રહી છે. મોદીએ શાસનમાં આવ્યાની સાથે જ ‘જન ધન યોજના’ શરૂ કરી દીધી અને 50 કરોડથી વધુ બેન્ક ખાતા ખોલાયાં, જેનાથી ગરીબોને બેન્કિંગ અને લોનની સુવિધા મળી અને નાના વ્યવસાયોને બળ મળ્યું.
ત્યારબાદ આયુષ્માન ભારત, PM-KISAN, ઉજ્જવલા, સ્કિલ ઇન્ડિયા જેવી યોજનાઓ શરૂ થઈ અને ગરીબ વર્ગે બચત કરવાની શરૂ કરી. આ તો માત્ર ગણતરીની યોજનાઓ છે, આ સિવાયની એવી અઢળક યોજનાઓ છે, જે મોદી સરકારે આવતાંવેંત શરૂ કરી હતી. ત્યારબાદ તો ગરીબોને મકાન મળ્યા, રાશન આજે પણ મળે છે અને આર્થિક સહાયો પણ મળી. અગાઉની સરકારો નારા લગાવીને સમય કાઢી રહી હતી અને અહીં એકલા એક માણસે પોતાના વિઝનથી કરોડો લોકોનું જીવન બદલી નાખ્યું.
મોદી સત્તામાં આવ્યા ત્યારે તેમને અર્થતંત્રની સમજ નથી અને આટલો મોટો દેશ ચલાવવો સરળ નથી એવી વાતો પણ કરવામાં આવતી હતી, બધા માટે ખાતા ખોલવાની વાત આવી ત્યારે કે ડિજિટલ ઇન્ડિયાની વાત વખતે પણ તેમની મજાક ઉડાવવામાં આવતી હતી, પણ પછી જે થયું એ ઇતિહાસ છે. ઇન્કમ ટેક્સમાં ધરખમ ફેરફાર થયા અને તેનો સીધો લાભ ગરીબો, મધ્યમવર્ગને થયો. દેશનું અર્થતંત્ર પણ મજબૂત બન્યું અને સર્વાંગી વિકાસ તરફ દેશ આગળ વધ્યો.
હમણાં થયેલા GST રિફોર્મથી પણ કરોડો લોકોની જિંદગી પર તેની સકારાત્મક અસરો થવાની શરૂ થઈ ગઈ છે. પીએમ મોદીએ તો આ GST રિફોર્મને ‘બચત ઉત્સવ’ ગણાવ્યો છે. કારણ કે અનેક જીવનજરૂરિયાત વસ્તુઓની કિંમતો ઘટી હોવાથી સામાન્ય લોકોને બચત પણ એટલી જ થશે. આ વર્ષે જ 12 લાખ સુધીની આવકને પણ ટેક્સમુક્ત કરવામાં આવી, જે GST ઉત્સવ સાથે મળીને સામાન્ય માણસોની બચતમાં વધારો કરશે. તે સિવાય પણ ઇનકમ ટેક્સમાં ઘણા સુધારા થયા છે, જેની સીધી અસર દેશના મધ્યમવર્ગ અને ગરીબ વર્ગ પર પડશે.
હજુ આવનારા વર્ષોમાં આ દિશામાં ઘણું થવાનું બાકી પણ છે. કારણ કે મોદીનું વિઝન 2047 સુધીમાં દેશને વિકસિત કરવાનું છે. મોદીના આ પ્રયાસોનું પરિણામ આજે આખા દેશ સામે છે. તેમણે માત્ર નારા આપીને, સભાઓ કરીને, બૂમબરાડા પાડીને પરિવર્તન નથી આણ્યું. તેમણે આ પરિણામ માટે કામ કર્યું છે. NITI આયોગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 2013-14થી 2022-23 સુધીમાં ગરીબી 29.17%થી ઘટીને 11.28% થઈ છે, જેમાં મોદી સરકારના પ્રયાસોની મુખ્ય ભૂમિકા રહી છે. સરકારની યોજનાઓથી તે લોકોનું જીવનધોરણ સુધર્યું છે.
એમ પણ મોદીની તાસીર છે કે તેઓ કોઈપણ સંકલ્પને જનઆંદોલનમાં ફેરવી શકે છે. સ્વચ્છ ભારત અભિયાનમાં પણ એ જ થયું હતું, આ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનમાં પણ એ જ થઈ રહ્યું છે. તેમાં લોકોને જોડવા, લોકોના સૂચનો લેવા, તેમનો ઉત્સાહ જળવાય રહે તે પ્રકારે કામ કરવું- આ બધુ મોદીને આવડે છે. ‘ગરીબી હટાવો’ને ત્રણ-ચાર દાયકા પછી પણ સફળતા મળી ન હતી, મોદીના ‘આત્મનિર્ભર ભારત’ને ધાર્યા કરતાં વહેલી સફળતા મળી રહી છે.


