હોમપેજદેશપીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જે નિઓ મિડલ ક્લાસનો કર્યો ઉલ્લેખ, તે શું...

પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જે નિઓ મિડલ ક્લાસનો કર્યો ઉલ્લેખ, તે શું છે? GST રિફોર્મથી કઈ રીતે બદલાશે જીવનધોરણ?

GST રિફોર્મથી MSME અને વેપારીઓને પણ લાભ થશે, જે નવા મધ્યમવર્ગને રોજગાર આપે છે. વડા પ્રધાને કહ્યું છે કે, "આ રિફોર્મ માત્ર ટેક્સ ઘટાડો નથી, પરંતુ નવી તકો ઊભી કરવાનો એક વિશાળ પ્રયાસ છે – મિડલ ક્લાસની બચત વધશે, યુવાનોને લાભ થશે અને અર્થતંત્રને ગતિ મળશે."

- Advertisement -

રવિવારે (21 સપ્ટેમ્બર) રાષ્ટ્રજોગ સંદેશમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી છે. ખાસ કરીને તેમણે GST રિફોર્મ અને આત્મનિર્ભર ભારતની વાત પર ભાર મૂક્યો હતો. સાથે તેમણે મધ્યમવર્ગ અને ગરીબોના જીવનમાં આવેલા પરિવર્તનની વાત પણ કરી હતી. આ સંદેશ દરમિયાન તેમણે એવું પણ કહ્યું હતું કે નિઓ મિડલ ક્લાસનું પણ જીવનધોરણ સુધરી રહ્યું છે અને આ GST રિફોર્મથી તેમને સૌથી વધુ લાભ થશે. 

વડા પ્રધાને કહ્યું છે કે છેલ્લા 11 વર્ષમાં લગભગ 25 કરોડ લોકોએ ગરીબીને હરાવી છે. ગરીબીમાંથી હટીને 25 કરોડ લોકોનો એક મોટો સમૂહ દેશમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યો છે. આ સમૂહને નિઓ મિડલ ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, “આ સમૂહની પોતાની આકાંક્ષા અને સપનાં છે. આ GST રિફોર્મથી તેમને સૌથી વધુ લાભ મળી શકશે અને તેઓ પોતાના જીવનધોરણ સુધારી શકશે.” 

શું છે નિઓ મિડલ ક્લાસ? 

નિઓ મિડલ ક્લાસ (નવ મધ્યમવર્ગ કે નવો મધ્યમવર્ગ) એક એવો સમૂહ છે, જે ગરીબીમાંથી હટીને મધ્યમવર્ગ તરફ આગળ વધી રહ્યો છે. આ સમૂહ મધ્યમવર્ગ જેટલી આવક નથી ધરાવતો, પણ તે ગરીબી રેખા નીચે પણ નથી. એટલે કે એક એવો સમૂહ જે પહેલાં ગરીબી રેખા નીચે જીવતો હતો, તે હવે ગરીબીમાંથી હટીને પોતાનું જીવનધોરણ સુધારી રહ્યો છે. આ લોકોની જરૂરિયાતોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ, રોજગાર, આરોગ્ય સેવાઓ અને સસ્તી વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમાં ગામડાઓ, નાના શહેરો અને અર્ધ-શહેરી વિસ્તારોના લોકોનો સમાવેશ થાય છે. 

- Advertisement -

આ વર્ગમાં એ લોકો સામેલ છે, જે તાજેતરના વર્ષોમાં જ આર્થિક વિકાસના લાભાર્થી રહ્યા હોય અને આવકની સીડી ચડીને ઉપર જઈ રહ્યા હોય. આ તે લોકો છે, જેમણે ગરીબીને માત આપી છે અને હવે મધ્યમવર્ગમાં સામેલ થવા તરફ આગળ વધી રહ્યા છે. મોદી સરકારે આવા લોકો માટે અનેક યોજનાઓ અને સહાયો પણ જાહેર કરી છે, જેથી ગરીબી પણ હટી શકે અને મધ્યમવર્ગને પણ પૂરતા લાભ મળી શકે.

આ વર્ગની વાર્ષિક આવક 2.5 લાખથી 6 લાખ સુધીની હોય છે. NITI આયોગના રિપોર્ટ મુજબ, 2014થી 2024 સુધીમાં 24.8 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેમાંથી મોટાભાગના લોકો આ નવા મધ્યમવર્ગનો હિસ્સો બન્યા છે. આ લોકો હવે મોબાઈલ, બેન્ક એકાઉન્ટ, બાઇક કે ટીવી જેવી વસ્તુઓ ખરીદે છે, જે પહેલાં તેમના માટે માત્ર એક સ્વપ્ન હતું. 

મહત્વની વાત એ છે કે, આ ‘નિઓ મિડલ ક્લાસ’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ પણ પીએમ મોદીએ જ કર્યો હતો. વર્ષ 2012માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેઓ ભાજપના ઘોષણપત્રના અનાવરણ માટે મંચ પર આવ્યા હતા. ભાષણ શરૂ કરતા જ તેમણે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને આગળ જતાં આ શબ્દ ખૂબ પ્રચલિત બની ગયો હતો. તેમણે એ સમયે કહ્યું હતું કે, ‘આ ઘોષણપત્ર નિઓ મિડલ ક્લાસને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યું છે.’ 

કઈ રીતે નિઓ મિડલ ક્લાસનું જીવન સુધારી રહી છે મોદી સરકાર? 

છેલ્લા દાયકામાં મોદી સરકારે અનેક યોજનાઓ દ્વારા આ નવા મધ્યમવર્ગને આગળ લાવવા માટે અભૂતપૂર્વ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં પણ કહ્યું છે કે, “આ લોકો ગરીબીના શાપમાંથી મુક્ત થયા છે અને હવે તેમની આકાંક્ષાઓ ભારતની શક્તિ બની રહી છે.” મોદી સરકારના 11 વર્ષના કાર્યકાળમાં નિઓ મિડલ ક્લાસનો વિકાસ એક સંયુક્ત પ્રયાસનું પરિણામ છે. વડા પ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, “આ નવા મિડલ ક્લાસને ડબલ બોનસ મળી રહ્યું છે – એક તરફ આવકવેરા મુક્તિ અને બીજી તરફ GST રિફોર્મ.” પરંતુ આ વિકાસની શરૂઆત અનેક કલ્યાણકારી યોજનાઓથી થઈ હતી, જે નીચે મુજબ છે. 

જન ધન યોજના: 50 કરોડથી વધુ બેન્ક ખાતાઓ ખોલાયા, જેનાથી ગરીબોને બેંકિંગ અને લોનની સુવિધા મળી. તેનાથી નાના વ્યવસાયોને બળ મળ્યું.  

આયુષ્માન ભારત: 5 લાખ રૂપિયા સુધીનો મફત આરોગ્ય વીમો, જેનાથી ગરીબ પરિવારોનો તબીબી ખર્ચ ઘટ્યો. 

PM-KISAN: ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આવક, જેનાથી ગ્રામીણ પરિવારોનું જીવનધોરણ સુધર્યું.  

ઉજ્જવલા યોજના: 10 કરોડથી વધુ ગેસ કનેક્શન, જેનાથી મહિલાઓનું રસોડું સરળ અને સ્વસ્થ બન્યું.  

સ્કિલ ઇન્ડિયા: યુવાનોને કૌશલ્ય તાલીમ, જેનાથી લાખો લોકો નોકરી અને સ્વ-રોજગાર તરફ વળ્યા.

NITI આયોગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 2013-14થી 2022-23 સુધીમાં ગરીબી 29.17%થી ઘટીને 11.28% થઈ છે, જેમાં મોદી સરકારના પ્રયાસોની મુખ્ય ભૂમિકા રહી છે. સરકારની યોજનાઓથી નિઓ મિડલ ક્લાસના લોકોનું જીવનધોરણ સુધર્યું છે. તેઓ હવે મોબાઇલ, બાઇક અને બેંકિંગ જેવી સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યા છે, જે પહેલાં તેમની પહોંચની બહાર હતી. વડા પ્રધાને કહ્યું છે કે, “આ વર્ગ આપણા વિકાસને આગળ ધપાવી રહ્યો છે, કારણ કે તેમની આશાઓ જ ભારતની નવી શક્તિ છે.”

GST રિફોર્મ: નિઓ મિડલ ક્લાસ માટે ‘બચતનો ઉત્સવ’

22 સપ્ટેમ્બરથી અમલમાં આવતા નવા GST રિફોર્મમાં (GST 2.0) ચાર સ્લેબને (5%, 12%, 18%, 28%) બેમાં (5% અને 18%) ઘટાડી દેવામાં આવ્યા છે. વડા પ્રધાને કહ્યું છે કે, “99% વસ્તુઓ હવે 5% ટેક્સમાં આવી જશે, જેથી દરરોજની જરૂરિયાતો સસ્તી થશે.” વડા પ્રધાન અનુસાર, આ રિફોર્મથી દેશને 2 લાખ કરોડ રૂપિયાની બચત થશે, જેમાંથી મોટો હિસ્સો નિઓ મિડલ ક્લાસના ખિસ્સામાં જશે. આ રિફોર્મના મુખ્ય લાભ નીચે મુજબ છે. 

રોજિંદા વસ્તુઓ સસ્તી: માખણ, ઘી, સોસ, નામકીન, બિસ્કિટ, ચોકલેટ, ડ્રાય ફ્રુટ્સ જેવી વસ્તુઓ પર ટેક્સ 12-18%થી ઘટીને 5% થશે. ફ્રોઝન પરાઠા, ચપાતી અને પનીરને ટેક્સ મુક્ત કરાયા છે. તેનાથી નિઓ મિડલ ક્લાસ અને મધ્યમવર્ગના કુટુંબોનો માસિક ખર્ચ 10-15% ઘટશે.

આરોગ્ય અને વીમો: દવાઓ, હોસ્પિટલ સેવાઓ અને આરોગ્ય વીમા પર ટેક્સ ઘટશે, જેથી નવા મધ્યમવર્ગને તબીબી ખર્ચમાં રાહત મળશે.

પર્યટન અને મોબિલિટી: હોટેલ રૂમ્સ અને ટુ-વ્હીલર્સ (350cc સુધી) પર ટેક્સ 28%થી 18% થશે, જેથી પરિવારો માટે વેકેશન અને વાહન સસ્તા થશે.

ડબલ લાભ: આ વર્ષે 12 લાખ સુધીની આવકને ટેક્સમુક્ત કરવામાં આવી, જે GST બચત સાથે મળીને નિઓ મિડલ ક્લાસને વધુ પૈસા આપશે.

આ રિફોર્મથી MSME અને વેપારીઓને પણ લાભ થશે, જે નવા મધ્યમવર્ગને રોજગાર આપે છે. વડા પ્રધાને કહ્યું છે કે, “આ રિફોર્મ માત્ર ટેક્સ ઘટાડો નથી, પરંતુ નવી તકો ઊભી કરવાનો એક વિશાળ પ્રયાસ છે – મિડલ ક્લાસની બચત વધશે, યુવાનોને લાભ થશે અને અર્થતંત્રને ગતિ મળશે.”

અંતે વડા પ્રધાને એવું પણ કહ્યું છે કે, નિઓ મિડલ ક્લાસની આકાંક્ષાઓને પૂરી કરવી દેશની ફરજ છે. GST સુધારા આ દિશામાં મોટું પગલું છે. તેનાથી ન માત્ર બચત વધશે, પરંતુ નાના વ્યવસાયો અને રોજગારને પણ બળ મળશે. જો વેપારીઓ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે તો આવનારા તહેવારોમાં દરેક ઘરમાં ખુશીનો માહોલ હશે. નવો મધ્યમવર્ગ ભારતના ભવિષ્યની શક્તિ છે. મોદી સરકારની યોજનાઓ અને GST સુધારાથી આ વર્ગનું જીવનધોરણ સુધરશે અને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે ગતિભેર આગળ વધશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં