ભારતમાં મજહબના પર્સનલ લૉ અને દેશના ફોજદારી કાયદાઓ વચ્ચેનો ટકરાવ એક મોટો મુદ્દો બની રહ્યો છે. દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં એક બાળલગ્નના કેસમાં આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. કોર્ટે પૂછ્યું, “શું હવે સમય નથી આવ્યો કે આપણે એક સમાન કાયદો લાવીએ, જે બધા ધર્મો માટે સરખો હોય?” આ કેસમાં એક યુવકને 11 મહિના જેલમાં રહેવું પડ્યું, કારણ કે તેના નિકાહ ઇસ્લામિક કાયદા હેઠળ કાયદેસર હતા, પરંતુ ભારતીય ફોજદારી કાયદા હેઠળ ગુનો ગણાયો.
કેસની પૃષ્ઠભૂમિ
આ કેસનું નામ છે હમીદ રઝા વિ. દિલ્લીના રાજ્ય નેક્ટ ઑફ સીએનટી. 24 વર્ષીય હમીદ રઝા પર એક સગીર વયની છોકરી સાથે નિકાહ કરવાનો આરોપ હતો. આ સગીરાની ઉંમર પોલીસના દસ્તાવેજો મુજબ 15-16 વર્ષની હતી, જ્યારે સગીરાએ દાવો કર્યો કે તે 20-23 વર્ષની છે. આ નિકાહ 4 જૂન, 2024ના રોજ થયા હતા. નિકાહ પછી છોકરીના સાવકા અબ્બાએ 15 જૂન, 2024ના રોજ એફઆઈઆર નોંધાવી કે સગીરા ગુમ થઈ ગઈ છે. પછી જાણવા મળ્યું કે તે હમીદ રઝા સાથે રહે છે.
નોંધનીય છે કે 14 વર્ષની ઉંમરે સગીરાના સાવકા અબ્બાએ તેની સાથે બળાત્કાર કર્યો, જેનાથી તેને એક બાળક જન્મ્યું, જેને દત્તક આપી દેવામાં આવ્યું હતું. સાવકો બાપ હાલ જેલમાં છે અને તેની સામે બળાત્કાર અને POCSO (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) એક્ટ હેઠળ કેસ ચાલી રહ્યો છે. રઝાની ધરપકડ ઑક્ટોબર 2024માં થઈ હતી અને તેના પર ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 363 (અપહરણ), 376 (બળાત્કાર) અને POCSO એક્ટની કલમ 6 હેઠળ આરોપ લગાવવામાં આવ્યા હતા. રઝા 11 મહિનાથી જેલમાં હતો.
સગીરાએ કોર્ટમાં એફિડેવિટ આપી કે નિકાહ તેની સંપૂર્ણ સંમતિથી થયા હતા અને તે રઝા સાથે રહેવા માંગે છે. તેણે એમ પણ કહ્યું કે તેના સાવકા અબ્બાએ પોતાના ગુનાઓ છુપાવવા માટે ખોટી FIR નોંધાવી છે.
આ મામલે સરકારી વકીલે દલીલ કરી હતી કે ભારતીય ફોજદારી કાયદા મુજબ, 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે નિકાહ કે શારીરિક સંબંધ ગુનો છે, ભલે તે સંમતિથી બંધાયા હોય. આ સિવાય પ્રોસિક્યુશને POCSO એક્ટ અને BNSમાં આવા લગ્નને બળાત્કાર અને અપહરણ ગણવામાં આવે છે. તેમણે કહ્યું કે વ્યક્તિગત કાયદા (જેમ કે ઇસ્લામિક લૉ) આ રાષ્ટ્રીય કાયદાઓને નકારી શકે નહીં.
રઝાના વકીલોએ દલીલ કરી કે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ છોકરીઓ માટે નિકાહની ન્યૂનતમ ઉંમર પબર્ટી (યૌવન) છે, જે સામાન્ય રીતે 15 વર્ષે માનવામાં આવે છે. આ સિવાય પર્સનલ લૉ બોર્ડના નિષ્ણાતો જેમ કે પ્રોફેસર ફૈઝાન મુસ્તફા, ડૉ. મોહમ્મદ ખાલિદ ખાને કહ્યું કે કુરાનમાં નિકાહ માટે ઉંમરની કોઈ ચોક્કસ મર્યાદા નથી, ફક્ત પબર્ટી, સમજણ, સંમતિ અને વાલીની મંજૂરી જરૂરી છે.
દિલ્હી હાઇકોર્ટની ટિપ્પણીઓ
આ મામલે જસ્ટિસ આરુણ મોંગાએ 24 સપ્ટેમ્બર, 2025ના રોજ આ કેસની સુનાવણી કરી હતી. તેમણે આ મુદ્દે ખૂબ સ્પષ્ટ અને મહત્વની ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું કે એક બાજુ ઇસ્લામી કાયદા કહે છે કે જો છોકરી પબર્ટી (યૌવન) સુધી પહોંચી હોય તો તેના નિકાહ કાયદેસર છે. બીજી બાજુ ભારતના ફોજદારી કાયદા (BNS, POCSO) કહે છે કે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે લગ્ન કે સંબંધ ગુનો છે, ભલે સંમતિ હોય. આ બે કાયદાઓ એકબીજાથી વિરોધાભાસી છે, જેના કારણે નિર્દોષ લોકો જેલમાં જાય છે.
જસ્ટિસે કહ્યું, “આવો વિરોધાભાસ દૂર કરવા માટે એક સમાન કાયદો લાવવો જોઈએ. UCC એવો કાયદો હશે જે બધા ધર્મો માટે સરખો હોય – લગ્ન, છૂટાછેડા, વારસો જેવા મુદ્દાઓ પર.” તેમણે પૂછ્યું, “શું આપણે લોકોને તેમના ધર્મના જૂના નિયમોને કારણે ગુનેગાર બનાવવા જોઈએ, જ્યારે દેશનો કાયદો કંઈક બીજું કહે છે?” નોંધનીય છે કે કેટલાક કથિત સેક્યુલર લોકોનું માનવું છે કે UCC ધાર્મિક સ્વતંત્રતાને (બંધારણનું આર્ટિકલ 25) નુકસાન કરશે. પરંતુ જસ્ટિસે સ્પષ્ટ કર્યું કે ધાર્મિક સ્વતંત્રતા એવી પ્રથાઓને બચાવી શકે નહીં, જે ગુનો ગણાય, જેમ કે બાળલગ્ન. કોર્ટે કહ્યું કે, “મજહબના નામે બાળલગ્ન જેવી પ્રથાઓને ચાલુ રાખવી યોગ્ય નથી.”
જસ્ટિસે એક ‘મધ્યમ માર્ગ’ સૂચવ્યો. તેમનું કહેવું હતું કે બાળલગ્ન જેવા મુદ્દાઓ પર બધા માટે સખત કાયદો હોવો જોઈએ, જે ધર્મ-મજહબથી ઉપર હોય. પરંતુ અન્ય વ્યક્તિગત મુદ્દાઓ (જેમ કે વારસો, લગ્નની રીતો) પર ધર્મોને તેમની પ્રથાઓ ચાલુ રાખવાની છૂટ હોય શકે. આ નિર્ણય સંસદ અને શાસનનો છે, પરંતુ કોર્ટે આ મુદ્દે ગંભીર વિચારણાની જરૂર દર્શાવી છે.
કોર્ટે હમીદ રઝાને 26 સપ્ટેમ્બર, 2025ના રોજ નિયમિત જામીન આપ્યા છે. જે મામલે કોર્ટે જણાવ્યું કે FIR લગ્નના દોઢ વર્ષ પછી નોંધાઈ, જે શંકાસ્પદ છે. આ સિવાય સગીરાએ સ્પષ્ટ કહ્યું કે તે રઝા સાથે રહેવા માંગે છે અને નિકાહ તેની મરજીથી થયા છે. કોર્ટે એ પણ નોંધ્યું કે રઝાનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. આ સિવાય જસ્ટિસ મોંગાનું કહેવું હતું કે રઝાની ધરપકડ અને 11 મહિનાની જેલ બંધારણના આર્ટિકલ 22(1) અને BNSSની કલમ 47નું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું કે જો નિકાહ અમાન્ય હોય તોપણ આ સંબંધ લિવ-ઇન જેવો ગણી શકાય અને સગીરાના દાવા મુજબ તે પુખ્ત છે. કોર્ટે રઝાને 19 સપ્ટેમ્બરે વચગાળાના જામીન અને 25 સપ્ટેમ્બરે નિયમિત જામીન આપ્યા હતા.
યુનિફોર્મ સિવિલ કોડ (UCC)
ભારતમાં હાલની સ્થિતિએ સમાન નાગરિક સંહિતા લાગુ નથી. UCC એટલે એક એવો કાયદો જે લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક જેવા વ્યક્તિગત મુદ્દાઓ પર બધા ધર્મો માટે સમાન નિયમો નિર્ધારિત કરે છે. નોંધનીય છે કે ફેબ્રુઆરી 2025માં ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું, જેણે UCC લાગુ કર્યો. આમાં હલાલા, ટ્રિપલ તલાક અને પોલીગેમી (બહુપત્નીત્વ) પર પ્રતિબંધ મૂકાયો છે.
આ કેસ બતાવે છે કે કેવી રીતે કાયદાઓનો વિરોધાભાસ લોકોના જીવન પર અસર કરે છે. જસ્ટિસ મોંગાએ કહ્યું, “આપણે એવો રસ્તો શોધવો પડશે જે ન્યાય અને સમાજની વિવિધતા બંનેને સાચવે.” UCC આ ટકરાવને દૂર કરી શકે, પરંતુ તેના માટે વ્યાપક ચર્ચા, સમાજની સહમતિ અને સંવેદનશીલ અમલીકરણ જરૂરી છે.


