26 સપ્ટેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે સલમાન રશ્દીના પુસ્તક ‘ધ સેટાનિક વર્સીસ’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી (PIL) ફગાવી દીધી છે. આ અરજી મોહમ્મદ અરશદ, મોહમ્મદ જમાલ ખાન અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં દિલ્હી હાઇકોર્ટના તાજેતરના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. દિલ્હી હાઇકોર્ટે 1988ની ગુમ થયેલી નોટિફિકેશનના આધારે પુસ્તક પરનો 36 વર્ષ જૂનો આયાત પ્રતિબંધ હટાવી દીધો હતો.
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ અરજીને સ્વીકારવાનો ઇનકાર કર્યો, જેનાથી આ પુસ્તકનું ભારતમાં વેચાણ-વિતરણ કાયદેસર રીતે ચાલુ રહી શકે છે. જોકે, આ પુસ્તક છેલ્લા ઘણા દાયકાઓથી ચર્ચામાં રહ્યું છે. તત્કાલીન રાજીવ ગાંધી સરકારે પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત તો કરી, પણ બાદમાં કોર્ટમાં તેનું નોટિફિકેશન રજૂ ન થઈ શક્યું. આ લેખમાં આપણે તમામ વિવાદોને વિગતે સમજવા પ્રયાસ કરીશું.
ધ સેટાનિક વર્સીસ: નવલકથા અને તેનો વિવાદ
1988માં પ્રકાશિત ‘ધ સેટાનિક વર્સીસ’ સલમાન રશ્દીની ચોથી નવલકથા છે, જે વાસ્તવવાદ, મજહબી અને ઐતિહાસિક થીમ્સનું મિશ્રણ છે. આ પુસ્તક બે ભારતીય મુસ્લિમ પાત્રો ગિબ્રીલ ફરિશ્તા અને સલાદીન ચામચાની આસપાસ કેન્દ્રિત છે, જેઓ લંડનથી મુંબઈ જતી ફ્લાઈટના બૉમ્બ વિસ્ફોટમાં બચી જાય છે. નવલકથામાં સ્વપ્ન દ્રશ્યો દ્વારા ઇસ્લામના પ્રારંભિક ઇતિહાસ અને પ્રોફેટ મુહમ્મદના જીવનના કેટલાક વિવાદાસ્પદ પાસાઓની ચર્ચા કરવામાં આવી છે, જેમાં ‘સેટાનિક વર્સીસ’નો (શેતાની આયતો) ઉલ્લેખ સામેલ છે.
પુસ્તકમાં પ્રોફેટ મુહમ્મદનો ‘મહાઉન્ડ’ (ઐતિહાસિક શબ્દ) તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કથિત રીતે આ પુસ્તક ઇસ્લામના પયગંબર મુહમ્મદ વિશે હતું. આ પુસ્તક બહાર પડતાંની સાથે જ આખા વિશ્વના કટ્ટરપંથી મુસ્લિમો ભડકી ઉઠ્યા હતા અને સલમાન રશ્દીના લોહીના તરસ્યા બની ગયા હતા. આ પુસ્તકના પ્રકાશન પછી જામિયા મિલિયા ઇસ્લામિયા જેવી જગ્યાએ ઇસ્લામી ‘વિદ્યાર્થીઓ’એ વિરોધ કર્યો હતો અને પ્રોફેસર મુશીરુલ હસનનું પુતળું સળગાવ્યું હતું, મુશીરુલ હસને જ આ પુસ્તક પરથી પ્રતિબંધ હટાવવાની માંગણી કરી હતી.
1988માં પ્રતિબંધની જાહેરાત અને ઈરાનનો ફતવો
‘ધ સેટાનિક વર્સીસ’ના પ્રકાશન બાદ ભારતમાં વ્યાપક વિરોધ થયો. મુસ્લિમ કટ્ટરપંથીઓએ આ પુસ્તકને ઇસ્લામનું અપમાન ગણાવ્યું. દેશની સાથે દુનિયાના મુસ્લિમ દેશોમાં પણ વિરોધના પડઘા પડવા લાગ્યા. જે બાદ રાજીવ ગાંધીની સરકારે ઑક્ટોબર 1988માં કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ પુસ્તકની આયાત પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી દીધી હતી. આ જાહેરાત સાથે ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો જેણે આ પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો. શાહ બાનો કેસમાં કટ્ટરપંથી ઇસ્લામીઓ સામે ઝૂકવા જેવી આ બીજી ઘટના હતી.
નોંધવા જેવું છે કે રાજીવ ગાંધીની સરકારે કટ્ટરપંથી મુસ્લિમોના વિરોધ બાદ તેમને ‘ખુશ કરવા’ માટે 1986માં શાહબાનો કેસનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ પલટી નાખ્યો હતો. ‘ધ સેટાનિક વર્સીસ’ પર પ્રતિબંધ લગાવ્યાના વર્ષે જ રાજીવ ગાંધીએ પેલેસ્ટાઇનને એક દેશ તરીકેની માન્યતા પણ આપી દીધી હતી. ભારત વિશ્વના એ પ્રથમ દેશો પૈકી એક બન્યો હતો, જેણે પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપી હોય. આ બે-ચાર વર્ષમાં જ રાજીવ ગાંધીએ આવા બધા નિર્ણયો લઈને સમુદાય વિશેષને ખુશ કરવાના પ્રયાસો કર્યા હતા.
પુસ્તક પર પ્રતિબંધ લગાવ્યાની ઘટના પણ તેમાંની એક છે. જોકે, પ્રતિબંધ લાગી ગયા બાદ પણ વિરોધ બંધ નહોતો થયો. વૈશ્વિક સ્તરે આ વિવાદે વધુ ગંભીર સ્વરૂપ લીધું હતું. 14 ફેબ્રુઆરી, 1989ના રોજ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ રુહોલ્લાહ ખામેનીએ ‘ધ સેટાનિક વર્સીસ’ને ઇસ્લામનું અપમાન ગણાવી રશ્દીની હત્યા માટે ફતવો જાહેર કર્યો. ફતવામાં રશ્દીનું માથું વાઢનારને 3 મિલિયન ડોલરનું ઇનામ આપવાની વાત કહી હતી.
આ ફતવામાં રશ્દી અને તેમના પ્રકાશકોને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી, જેના કારણે વૈશ્વિક સ્તરે હિંસક વિરોધ, પ્રકાશકો અને અનુવાદકો પર હુમલા અને 1989માં ઈરાન-યુનાઇટેડ કિંગડમ વચ્ચે રાજદ્વારી સંબંધો તૂટવા જેવી ઘટનાઓ બની હતી. જોકે બાદમાં વિરોધના પગલે ઈરાનના સુપ્રીમ લીડરે ફતવો પરત લઈ લીધો હતો.
દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યો મામલો
‘ધ સેટાનિક વર્સીસ’ પરનો કાનૂની વિવાદ તાજેતરના વર્ષોમાં નવો વળાંક લઈને સામે આવ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું કે, 1988માં જે નોટિફિકેશન દ્વારા પુસ્તકની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે હવે શોધી શકાયું નથી. આ મુદ્દો ત્યારે ઉઠ્યો જ્યારે એક કેસમાં આ પ્રતિબંધની કાનૂની વૈધતાને પડકારવામાં આવી હતી. દિલ્હી હાઇકોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું હતું કે, જો સરકાર આ નોટિફિકેશન રજૂ ન કરી શકે તો એવું માનવું જોઈએ કે આવો કોઈ આદેશ ક્યારેય અમલમાં ન હતો.
હાઇકોર્ટમાં આ મામલો ગયા બાદ 36 વર્ષ જૂનો આયાત પ્રતિબંધ હટી ગયો અને પુસ્તક ભારતમાં કાયદેસર રીતે વેચાણ માટે મુક્ત થયું. જોકે, આ નિર્ણય પછી પુસ્તકની નકલો દિલ્હી-એનસીઆરની બહરીસન્સ બુકસેલર્સમાં ઉપલબ્ધ થઈ, જેના કારણે મુસ્લિમ સંસ્થાઓએ ફરી પ્રતિબંધની માંગ કરી. મુસ્લિમ સંસ્થાઓએ હાઇકોર્ટના આ નિર્ણયને પડકારવાનું વિચાર્યું અને સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી દર્શાવી.
સુપ્રીમ કોર્ટમાં અરજી, પુસ્તક પર પ્રતિબંધની માંગ
દિલ્હી હાઈકોર્ટના નિર્ણય બાદ ત્રણ અરજદારોએ એડવોકેટ-ઓન-રેકોર્ડ ચાંદ કુરેશી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને પુસ્તક પર નવેસરથી પ્રતિબંધની માંગ કરી. અરજદારોએ દલીલ કરી કે પુસ્તકની સામગ્રી મુસ્લિમો માટે અપમાનજનક છે, જેમાં પ્રોફેટ મુહમ્મદ, તેમનાં પત્નીઓના ઉલ્લેખનો સમાવેશ થાય છે. તેમણે દાવો કર્યો કે આવા અપમાનજનક ચિત્રણથી ભારતના 20 કરોડથી વધુ મુસ્લિમોની લાગણીઓને ઠેસ પહોંચે છે અને સામાજિક અશાંતિ અને જાહેર રોષ ભડકી શકે છે.
અરજદારોએ ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, જેમાં પુસ્તકના વિતરણને કારણે ભારત અને વિદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો, પ્રકાશકો અને અનુવાદકો પર હુમલા અને 1989માં ઈરાન-યુકે વચ્ચે રાજદ્વારી સંબંધો તૂટવાની ઘટનાઓનો સમાવેશ થાય છે. તેમણે ભારતના ઈરાન સાથેના વ્યૂહાત્મક સંબંધો પર ભાર મૂક્યો અને દલીલ કરી કે પુસ્તકનું વિતરણ આ સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. વધુમાં, તેમણે તાજેતરના ઉદાહરણો આપ્યા, જેમ કે મુંબઈના ફ્લોરા ફાઉન્ટન માર્કેટમાં પુસ્તકની નકલો વેચાતી હોવાનું અને ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર તેની ઉપલબ્ધતા, જે દર્શાવે છે કે પ્રતિબંધ હવે અમલમાં નથી.
અરજીમાં ભારતીય બંધારણની કલમ 19(2)નો ઉલ્લેખ કરવામાં આવ્યો, જે જાહેર વ્યવસ્થા, શિષ્ટાચાર, નૈતિકતા અને વિદેશી સંબંધોના હિતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વાજબી પ્રતિબંધોની મંજૂરી આપે છે. અરજદારોએ દલીલ કરી કે ‘ધ સેટાનિક વર્સીસ’નો જાણીજોઈને મજહબનું અપમાન કરવાનો દુર્ભાવનાપૂર્ણ ઇરાદો જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાની સીધી સંભાવના ધરાવે છે.
26 સપ્ટેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ PILને ફગાવી દીધી, જેનાથી પુસ્તક પર કોઈ નવો પ્રતિબંધ નથી મુકાયો. આ નિર્ણય દિલ્હી હાઇકોર્ટના નિર્ણય અને પુરાવાના અભાવને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
કોણ છે સલામન રશ્દી?
સલમાન રશ્દી હાલ પોતાના જીવનનાં 77 વર્ષ વટાવી ચૂક્યા છે. તેમનો જન્મ બ્રિટીશકાળ દરમિયાન 19 જૂન, 1947માં મુંબઈમાં થયો હતો. તેમના પિતા અનીસ અહમદ એક મોટા વેપારી હતા. તેમણે દક્ષિણ મુંબઈની કેથેડ્રલ જોન કોનન હાઈસ્કુલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. લગભગ 14 વર્ષની વયે જ તેમને ઈંગ્લેન્ડ મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાં તેમણે રગ્બી ખાતેની એક શાળામાં આગળનો અભ્યાસ કર્યો. બાદમાં કેમ્બ્રિજ વિશ્વવિધ્યાલયથી તેમણે ઇતિહાસમાં ડીગ્રી મેળવી. ત્યાં જ સ્થાયી થયા બાદ તેમને બ્રિટીશ નાગરિકતા પણ મળી ગઈ. આ બધા વચ્ચે તેમણે પોતાનો મુસ્લિમ મજહબ ત્યાગી દીધો હતો. તેમણે થોડો સમય અભિનેતા તો થોડો સમય કોપીરાઈટર તરીકે પણ કામ કર્યું. આ સમય દરમ્યાન તેમની લેખનમાં પણ રુચિ રહી.
સલમાન રશ્દીએ પોતાનું પ્રથમ પુસ્તક 1975માં લખ્યું હતું, જેનું નામ ગ્રિસમ હતું. ત્યારબાદ તેમણે એનચેંટ્રેસ ઑફ ફ્લોરેન્સ, ધ ગ્રાઉન્ડ બિનીથ હર ફીટ, શાલીમાર ધ ક્લાઉન, ક્વિક્સોટ અને અન્ય અનેક પ્રખ્યત નવલકથાઓ લખી. તેમને તેમના કાર્ય માટે વિવિધ પારિતોષિક પણ મળ્યાં. જોકે તેઓ સૌથી વધારે તેમના પુસ્તક ‘ધ સેટાનિક વર્સીસ’ માટે ચર્ચામાં આવ્યા. આ પુસ્તકને લઈને આખા વિશ્વમાં મુસ્લિમો તેમના દુશ્મનો બની ગયા. તેમની હત્યા કરવા માટે લાખો ડોલર્સના ઇનામો જાહેર કરવામાં આવ્યાં. ભારતમાં પણ તેમનો ખાસ્સો વિરોધ કરવામાં આવ્યો હતો.
ધ સેટાનિક વર્સીસના વિવાદની અસર માત્ર સાહિત્ય અને કાયદા સુધી મર્યાદિત નથી, તેની સીધી અસર રશ્દીના અંગત જીવન પર પણ પડી છે. 12 ઑગસ્ટ, 2022ના રોજ સલમાન રશ્દી અમેરિકાના ન્યૂયોર્ક ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સલમાન રશ્દીએ એક આંખ ગુમાવી દીધી હતી. તેમને ગળાંમાં ત્રણ ગંભીર ઘા વાગ્યા હતા. હાથની નસ પણ કપાઈ ગઈ હોવાના કારણે એક હાથ પણ કામ કરવાનો બંધ થઇ ગયો હતો. તેમની છાતી અને ધડમાં અલગ-અલગ 15 જેટલા ઘા વાગ્યા હતા. રશ્દી ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં સંબોધન કરવા ગયા ત્યારે હાદી માતર નામનો એક કટ્ટરપંથી સ્ટેજ પર ચડી ગયો હતો અને પાછળથી સલમાન રશ્દી પર છરા વડે હુમલો કરી દીધો હતો.


