બરેલી હિંસા મામલે મૌલાના તૌકીર રઝા સહિત 8 લોકો જેલહવાલે, 40ની ધરપકડ 2000 વિરુદ્ધ FIR

ઉત્તર પ્રદેશના બરેલી ખાતે જામા મસ્જિદ પાસે જુમ્માની નમાજ પછી ‘આઈ લવ મુહમ્મદ’ના નામે વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી હતી. આ ઘટનામાં પોલીસ પર પથ્થરમારો થયો હતો, જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી હતી. આ હિંસામાં મૌલાના તૌકીર રઝાની પણ ધરપકડ કરવામાં આવી હતી. મૌલાના તૌકીર રઝા ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના (આઈએમસી) અધ્યક્ષ છે. તેમણે આ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. હવે આ ઘટના પછી પોલીસે કડક પગલાં લીધાં છે, જેમાં 40થી વધુ લોકોની ધરપકડ અને 2000થી વધુ વિરુદ્ધ FIR નોંધાઈ છે.

બરેલીની આલ હઝરત દરગાહ પાસે નમાજ પછી મુસ્લિમોનું ટોળું ‘આઈ લવ મુહમ્મદ’ પોસ્ટર લઈને બહાર આવ્યું, જેના કારણે વાતાવરણ તણાવભર્યું બન્યું હતું. ટોળાંએ પોલીસ પર પથ્થર ફેંક્યા, જેના જવાબમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ અધિકારીઓ, જેમ કે SSP અનુરાગ આર્ય અને DIG અજય કુમાર સાહનીએ સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

મૌલાના તૌકીર રઝા સહિત 8 લોકોને જેલમાં મોકલવામાં આવ્યા છે અને 40થી વધુ લોકોની ધરપકડ થઈ છે. કુલ 11 FIR નોંધાઈ છે, જેમાંથી 4 મુખ્ય FIR બારાદરી, કોટવાલી, પ્રેમનગર અને કિલ્લા પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ છે. આમાં 2000થી વધુ અજ્ઞાત વ્યક્તિઓ સહિત 46થી વધુ નામી વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ FIR  છે.

બારાદરી પોલીસ સ્ટેશનમાં 2 FIR નોંધાઈ છે, જેમાં પહેલીમાં 28 સામે નામજોગ અને 250 અજ્ઞાત, બીજીમાં 18 સામે નામજોગ અને 150 અજ્ઞાત લોકો સામેલ છે. તૌકીર રઝાનું નામ 4 FIRમાં સામેલ છે. અન્ય વ્યક્તિઓમાં નદીમ, અનીસ સકલૈની, સાજિદ સકલૈની, વસીમ તહસીની, કલીમ ખાન જેવા નામોનો સમાવેશ થાય છે. તપાસ માટે પોલીસ પાસે 200થી વધુ CCTV ફૂટેજ છે, જેની મદદથી વધુ ગુનેગારોને ઓળખીને પકડવામાં આવશે.

આ ઘટના પછી બરેલીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસે વિસ્તારને શાંત કરવા માટે ભારે વધુ કાફલો ખડકી દીધો છે. આ હિંસા પાછળનું કારણ ‘આઈ લવ મુહમ્મદ’ના પોસ્ટર્સ છે.