ગુજરાતના ગાંધીનગરના દહેગામના બહિયલ ગામે 25 સપ્ટેમ્બરની રાત્રે મુસ્લિમોના ટોળાએ હિંદુઓના ઘરો પર અને ગરબા રમતા લોકો પર પથ્થરમારો કર્યો હતો. ત્યારપછી પોલીસે લગભગ 83 લોકો વિરુદ્ધ નામજોગ અને 200થી વધુના ટોળા વિરુદ્ધ FIR નોંધી હતી. હવે સામે આવ્યું છે કે પોલીસે આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
નોંધનીય છે કે સરકારી સંપત્તિને નુકસાન, પોલીસ ઉપર હુમલો કરવા મામલે સરકાર તરફથી દહેગામ પોલીસ મથકના PSI પ્રજાપતિની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ આરોપીઓને સાથે રાખીને ચુસ્ત બંદોબસ્ત સાથે 60થી વધુ આરોપીઓ સાથે ફરીવાર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ સિવાય તેમનું સરઘસ પણ કાઢ્યું હતું.
પોલીસે 83થી વધુ વ્યક્તિઓ ઉપર નામજોગ અને 200થી વધુના ટોળા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. નોંધનીય છે કે બહિયલમાં 500-600ના મુસ્લિમોના ટોળાએ હિંદુઓના ઘરો પર પથ્થરમારો કર્યો હતો. આ સિવાય પોલીસ વાહનો પર તથા ફાયર બ્રિગેડના વાહન સહિત સરકારી વાહનો પર હુમલો કર્યો હતો.
સ્થાનિક હિંદુઓની દુકાનો પણ સળગાવી દેવામાં આવી હતી. પાંચથી વધુ દુકાનોમાં તોડફોડ કરીને મંદિરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ હુમલો પૂર્વઆયોજિત હતો.

