સોનમ વાંગચુકનાં ઉશ્કેરણીજનક ભાષણોના કારણે ભડકી હિંસા, સ્થિતિ પર કાબૂ મેળવવાના સ્થાને ઘરે ચાલતી પકડી: લદ્દાખ હિંસા પર ગૃહ મંત્રાલય

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પૂર્ણ રાજ્યના દરજ્જા સાથે ચાલતી ભૂખ હડતાળ હિંસામાં ફેરવાઈ ગયા બાદ ચાર વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં અને સ્થિતિ અજંપાભરી બની હતી. આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને હકીકતો રજૂ કરી છે અને કથિત એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકનો પણ દોષ ઉજાગર કરવામાં આવ્યો છે. 

જાણકારી અનુસાર, સરકારે જે મુદ્દે પહેલેથી લદ્દાખના લોકો સાથે વાતચીતો કરી રહી હતી અને જેનાં સકારાત્મક પરિણામો મળવાનાં પણ શરૂ થયાં હતાં તે જ મુદ્દે વાંગચુકે ભૂખ હડતાળ જાહેર કરી અને પછી નેપાળના ઉલ્લેખ સાથે ઉશ્કેરણીજનક નિવેદનો કર્યાં હતાં. પછીથી હિંસા ફાટી નીકળી તો કાબૂ મેળવવાના સ્થાને ભાગી ગયા હતા. 

ગૃહ મંત્રાલયે જણાવ્યું કે સોનમ વાંગચુકે 10 સપ્ટેમ્બરના રોજથી લદ્દાખને પૂર્ણ રાજ્યના દરજ્જા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે ભૂખ હડતાળની શરૂઆત કરી હતી. એ હકીકતથી સૌ વાકેફ છે કે કેન્દ્ર સરકાર સક્રિયપણે એપેક્સ બોઈ લેહ અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે આ મુદ્દે સતત વાટાઘાટો કરી રહી છે અને તેનાં સકારાત્મક પરિણામો પણ મળવાનાં શરૂ થયાં છે. 

સરકારનું કહેવું છે કે અમુક રાજકીય ઇરાદાથી પ્રેરિત વ્યક્તિઓને આ કમિટી દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જે પરિણામો મળી રહ્યાં છે એ આંખમાં ખૂંચે છે અને આ વાટાઘાટોની પ્રક્રિયાને માઠી અસર પહોંચે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે. સરકાર અનુસાર, આગલી બેઠક 6 ઑક્ટોબરના રોજ યોજાનાર હતી અને 25 અને 26 સપ્ટેમ્બરના રોજ લદ્દાખના નેતાઓ સાથે પણ બેઠક હતી. 

જે મુદ્દે પહેલેથી વાતચીત થતી હતી, તે જ મુદ્દે વાંગચુકે શરૂ કરી ભૂખ હડતાળ

કેન્દ્ર જણાવે છે કે સોનમ વાંગચુક જે માંગ કરી રહ્યા છે તેની ઉપર પહેલેથી વાતચીતો ચાલી જ રહી છે, તેમ છતાં તેમણે ભૂખ હડતાળ ચાલુ રાખી અને નેપાળના જેન-ઝી પ્રદર્શનો અને આરબ સ્પ્રિંગનો ઉલ્લેખ કરીને લોકોને ભડકાવતા રહ્યા. 

સરકારે જણાવ્યું છે કે વાંગચુકનાં આ ઉશ્કેરણીજનક નિવેદનોના કારણે જ 24 સપ્ટેમ્બરે હિંસા ફાટી નીકળી હતી અને સરકારી કચેરીઓ, પાર્ટી ઑફિસને ટાર્ગેટ કરવામાં આવી. અમુક ઠેકાણે આગચંપી કરવામાં આવી, સુરક્ષાકર્મીઓ પર હુમલો થયો અને પોલીસ વાહનો પણ સળગાવાયાં. આ હુમલામાં 30થી વધુ પોલીસકર્મીઓ અને સીઆરપીએફ જવાનોને ઈજા પહોંચી હતી. ટોળું કાબૂ બહાર જતાં પછીથી પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. જોકે પછીથી સ્થિતિ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. 

સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે આ ઘટના વાંગચુકનાં ઉશ્કેરણીજનક, ભડકાઉ ભાષણોના કારણે બની છે. ઉપરાંત એ પણ જણાવવામાં આવ્યું કે આ હિંસા દરમિયાન તેમણે ઉપવાસ તોડી દીધો અને સ્થિતિ કાબૂમાં મેળવવાના સ્થાને એમ્બ્યુલન્સમાં બેસીને ઘરે જતા રહ્યા હતા. 

ગૃહ મંત્રાલયે જણાવ્યું કે સરકાર લદ્દાખના લોકોની સાથે ઊભી છે અને લોકો જૂના ભડકાઉ વિડીયો સોશિયલ મીડિયા પર શેર ન કરે તેવી અપીલ પણ કરવામાં આવી.