લદ્દાખમાં પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ સાથે ચાલતાં પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતાં ચાર વ્યક્તિનાં મોત થયાં છે અને પચાસથી વધુને ઈજા પહોંચી છે. પરિસ્થિતિને જોતાં સ્થાનિક પ્રશાસને કર્ફ્યુ લાદ્યો છે.
કેન્દ્રશાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે તે માંગ સાથે ‘એક્ટિવિસ્ટ’ સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર બેઠા હતા. ત્યારબાદ લદ્દાખ એપેક્સ બોડીની યુવા પાંખ દ્વારા પણ તેમને સમર્થન ઘોષિત કરવામાં આવ્યું અને પ્રદર્શનો આયોજિત કરવામાં આવ્યાં.
પ્રદર્શનો બુધવારે (24 સપ્ટેમ્બર) હિંસામાં ફેરવાઈ ગયાં હતાં અને ઉશ્કેરાયેલા ટોળાએ ભાજપની ઑફિસને આગ ચાંપી દીધી તેમજ અમુક વાહનોમાં પણ તોડફોડ કરીને આગ લગાવી દેવામાં આવી. પોલીસ અને સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારાની પણ ઘટનાઓ બની હતી. પછીથી પોલીસે ટીયરગેસના સેલ છોડીને સ્થિતિ કાબૂમાં લીધી હતી. ઘટનામાં ચારનાં મોત અને પચાસથી વધુ ઘાયલ થયા હોવાનું કહેવાય રહ્યું છે.
સ્થિતિને જોતાં લેહ સ્થાનિક પ્રશાસને પાંચથી વધુ વ્યક્તિઓ એકઠા થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને કોઈ પણ રેલી, માર્ચ કાઢવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

