(તંત્રીલેખ, 23 સપ્ટેમ્બર)
પત્રકારત્વ એટલે શું તેની વ્યાખ્યા તો હવે જાણીતી છે. પીળું પત્રકારત્વ એટલે સનસનાટીભર્યા, અતિશયોક્તિભર્યા સમાચારો છાપીને, બતાવીને દુકાન ચલાવવાનું કામ. આપણે ત્યાંની સ્થિતિના સંદર્ભમાં કહીએ તો કોઈ વ્યક્તિ, સંસ્થા કે સંગઠન વિરુદ્ધ નિંદાત્મક સમાચારો છાપીને તેમની બદનામી કરવાની ધાકધમકી આપીને થતી ઉઘરાણી. જેમ-જેમ સમય સાથે છાપાં, ચોપાનિયાં, ચેનલો વધ્યાં છે તેમ પત્રકારત્વ કરતાં પીળા પત્રકારત્વવાળાઓની સંખ્યા વધતી જાય છે.
હમણાં મુદ્દો ચર્ચામાં આવ્યો તેનું કારણ સાબરકાંઠાથી એન્ટી કરપ્શન બ્યુરોએ (ACB) કરેલી એક ધરપકડ છે. ACBએ એક સ્વઘોષિત પત્રકાર, RTI એક્ટિવિસ્ટની ધરપકડ કરી, જે ભાઈ આ જ રીતે ઉઘરાણી કરતા હતા. વિગતો એવી છે કે તેણે પહેલાં ACBમાં જ એક વ્યક્તિ વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચાર મામલે અરજી કરી હતી અને પછી પરત ખેંચવા માટે પાંચ લાખ માગ્યા હતા. પરંતુ જે-તે વ્યક્તિએ પછીથી ACBમાં જ ફરિયાદ કરી અને છટકું ગોઠવીને ‘પત્રકાર’ને પકડાવી દીધો.
આ ભાઈ એક મોટા અખબાર સાથે સંકળાયેલા હોવાનું પણ ACBએ પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું હતું પણ પછીથી અન્ય એક નિવેદનમાં આ ઉલ્લેખ હટાવી દેવામાં આવ્યો. ‘ઈન્ડિયન એક્સપ્રેસ’નું કહેવું છે કે અખબારના નિવાસી તંત્રીએ સ્પષ્ટતા કરી છે કે આરોપી સર્ક્યુલેશન એજન્ટ હતો પણ તેની સેવા પહેલેથી સમાપ્ત થઈ ચૂકી છે.
આ વાસ્તવમાં છીંડે પકડાયો ચોર જેવું થયું છે. કારણ કે ગુજરાતમાં શોધવા નીકળશો તો આવા અઢળક મળશે. નાનાં-નાનાં ચોપાનિયાંનું મૂળ કામ જ આ થઈ ગયું છે અને સમાચારો વહેંચવા એ સેકન્ડરી બાબત બની ગઈ છે. અમુક સાપ્તાહિકો રીતસર આ જ મોડસ ઓપરેન્ડી પર ચાલે છે. યુટ્યુબ પર ઠેરઠેર ખુલી ગયેલી ચેનલોનો મૂળ ધંધો જ આ થઈ ગયો છે.
સામાન્ય રીતે તેઓ એવા લોકોને પકડે છે જેઓ પોતે પણ વાંકમાં હોય. જાહેર કરી દેવાની, છાપી દેવાની ધમકીઓ આપવામાં આવે એટલે પેલો માણસ સ્વાભાવિક પાણીમાં બેસી જવાનો. પછીથી ‘ડીલિંગ’ થાય છે અને છેલ્લે ઘટના અને સમાચાર બાજુ પર રહી જાય અને બંને ‘સમાધાન’ કરી નાખે છે. બીજા દિવસના કે બીજા અઠવાડિયાના ચોપાનિયામાં, અખબારમાં સમાચારને સ્થાન હોતું નથી. કારણ કે તેનું હવે ‘ઔચિત્ય’ રહેતું નથી.
કહેવાની વાત એટલી છે કે ‘અમે સત્યનો અવાજ બનીએ છે’ અને ‘અમે જનતાનો અવાજ પહોંચાડીએ છીએ’ની ફાલતુ બકલોલી કરનારાઓમાંથી મોટાભાગના આવી બધી સુફિયાણી વાતો પાછળ કંઈક બીજું જ કરતા હોય છે. બાકી અવાજ બનનારો બનવાનો જ હોય તો ગમે તે ભોગે અવાજ બની રહે, એક કવર મળે એટલે ચૂપ ન થઈ જાય! સમસ્યાનું નિવારણ લાવવામાં રસ હોય તે કોઈ પણ ભોગે મુદ્દાને વળગી રહે છે. પણ અહીં આશય એ હોતો નથી એ મૂળ સમસ્યા છે.
મીડિયા લોકતંત્રનો સ્વઘોષિત ચતુર્થ સ્તંભ છે. આ ચતુર્થ સ્તંભ હોવાનો ફાયદો એ છે કે આવી ‘હિપોક્રસી’ છતાં અમે એવો દાવો કરી શકીએ છીએ કે અમે સમાજ સુધારકો છીએ. અમે સરકારો ઉથલાવી દઈએ છીએ. અમે સત્યવાદીઓ છીએ. મીડિયા શું છે એ મીડિયા પણ જાણે છે. સુજ્ઞ વાચક અનેકગણો સમજદાર છે, એ બધું જોતો રહે છે.


