ભારતીય સંસ્કૃતિમાં માતાને જગતમાતા તરીકે પૂજવામાં આવે છે અને તેમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે માતૃશ્રાદ્ધની વિધિ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ પરંપરા વૈદિકકાળથી ચાલી આવે છે અને આજે પણ તે અકબંધ છે. પિતૃશ્રાદ્ધ માટે સામાન્ય રીતે ગયા તીર્થ પ્રસિદ્ધ છે, પરંતુ માતૃશ્રાદ્ધ માટે દેશમાં એકમાત્ર સ્થળ ગુજરાતના પાટણમાં સ્થિત સિદ્ધપુર છે. આ સ્થળને ‘માતૃગયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં માતાના મોક્ષ માટે પિંડદાન અને તર્પણની વિધિ કરવામાં આવે છે.
ભાવનગરના જાણીતા જ્યોતિષશાસ્ત્રી વિશાલ રાજ્યગુરુએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે સિદ્ધપુરને પ્રાચીન સમયમાં ‘શ્રીસ્થળ’ અથવા ‘સિદ્ધ ક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવતું હતું. ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ ‘દાશુ ગ્રામ’ તરીકે થયો છે. મહાભારતના વનપર્વમાં પણ આ સ્થળનો ઉલ્લેખ આવે છે, જ્યાં પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આવ્યા હતા. તે સિવાય શ્રીમદ્ભાગવત પુરાણ (સ્કંધ 3, અધ્યાય- 21-26) અનુસાર, આ સ્થળ કપિલ મુનિના આશ્રમ માટે પણ જાણીતું હતું, જ્યાં પ્રજાપતિ કર્દમ ઋષિના પત્ની દેવહૂતીએ હજારો વર્ષની તપસ્યા કરીને ભગવાન વિષ્ણુના અંશાવતાર કપિલને તેમના પુત્ર તરીકે પ્રાપ્ત કર્યા હતા.
સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારે આવેલું છે, જેને વેદોમાં ‘પ્રાચી સરસ્વતી’ તરીકે વર્ણવવામાં આવી છે. પુરાણોમાં કહેવાયું છે કે સરસ્વતી નદી અહીં ગુપ્ત રીતે વહે છે. તેથી અહીં માતૃશ્રાદ્ધની પરંપરા સદીઓથી ચાલી આવે છે. માન્યતા એવી છે કે સરસ્વતી નદી કુંવારિકા નદી હોવાથી કન્યાઓને મોક્ષ આપનારી છે. સિદ્ધપુરમાંથી આ નદી ગુપ્ત રીતે વહેતી હોવાથી તેને માતૃશ્રાદ્ધ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જોકે, પહેલાં આ સ્થળ શ્રીસ્થળ અથવા તો ‘સિદ્ધ ક્ષેત્ર’ ગણાતું હતું, જે બાદ 10મી સદીમાં સોલંકીવંશના રાજા સિદ્ધરાજ જયસિંહે અહીં તેમની રાજધાની સ્થાપી હતી, જેના કારણે તેનું નામ બદલીને ‘સિદ્ધપુર’ કરવામાં આવ્યું હતું.
બિંદુ સરોવર: જ્યાં સ્નાન કરવા માત્રથી મળે છે મોક્ષ
સિદ્ધપુરનું મુખ્ય તીર્થસ્થાન બિંદુ સરોવર છે. હિંદુ ધર્મના પાંચ પવિત્ર સરોવરોમાં તેનો સમાવેશ થાય છે. બાકીના ચાર સરોવરોમાં માનસરોવર (તિબેટ), પુષ્કર સરોવર (રાજસ્થાન), નારાયણ સરોવર (કચ્છ) અને પંપા સરોવરનો (કર્ણાટક) સમાવેશ થાય છે. ગરુડ પુરાણના સ્કંધ 3માં કહેવાયું છે કે, બિંદુ સરોવરમાં સ્નાન કરવા માત્રથી પાપોનો નાશ થાય છે અને પિતૃઓને (માતૃપક્ષના) મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી અહીં માતાઓના શ્રાદ્ધ અને પિંડદાન કરવાની પરંપરા છે. બિંદુ સરોવરનું નામ ‘બિંદુ’ (ટીપાં) પરથી પડ્યું છે, કારણ કે પુરાણો અનુસાર ઋષિમાતા દેવહૂતીની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુના આંસુથી તેની રચના થઈ હતી. સરોવરની આસપાસનાં મંદિરોમાં એક મંદિર ભગવાન પરશુરામને સમર્પિત છે, જે સીધી રીતે માતૃશ્રાદ્ધ સાથે જોડાયેલું છે.
કેમ માત્ર સિદ્ધપુરમાં જ થાય છે માતૃશ્રાદ્ધ?
દેશમાં અન્ય કોઈપણ સ્થળે માતૃશ્રાદ્ધ ન થાય તેની પાછળનું મુખ્ય કારણ પુરાણોમાં વર્ણીત ઘટનાઓ છે. અહીં માત્ર માતાના મોક્ષ માટેની જ વિધિ કરવામાં આવે છે. દેવી ભાગવત પુરાણમાં કહેવાયું છે કે માતાઓ અશ્વિની માસની નવમી તિથીના રોજ પૃથ્વી પર પ્રગટ થયા હતા, તેથી આ દિવસે માતૃશ્રાદ્ધ કરવું ઉત્તમ છે. જોકે, અન્ય દિવસોમાં પણ શ્રાદ્ધ કરી શકાય છે. અથર્વવેદમાં પણ શ્રાદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે, શ્રીસ્થળ સિદ્ધ ક્ષેત્રમાં માતૃશ્રાદ્ધ કરવાથી માતૃપક્ષના પિતૃઓ તૃપ્ત થાય છે અને આવનારા કે હયાત વંશને કાયમ માટે આશીર્વાદ આપે છે.
ભગવાન પરશુરામે કર્યું હતું પિંડદાન
હવે વાત કરીએ પુરાણોમાં વર્ણિત ઘટનાઓની. આ વિસ્તાર સાથે જોડાયેલી બે ઘટનાઓનો પુરાણોમાં ઉલ્લેખ છે. ભાગવત પુરાણ અને અન્ય પુરાણોમાં વર્ણન છે કે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામે તેમના પિતા ઋષિ જમદગ્નિના આદેશ બાદ તેમની માતા રેણુકાનું શ્રાદ્ધ કર્યું હતું. ભગવાન પરશુરામ કપિલાશ્રમ (સિદ્ધપુર સ્થિત ઋષિ કપિલનો આશ્રમ) પહોંચ્યા હતા અને બિંદુ સરોવરમાં સ્નાન કર્યું હતું. અહીં તેમણે માતા રેણુકાનું શ્રાદ્ધ કર્યું હતું અને માતાને મોક્ષ મળ્યો હતો.

ભગવાન પરશુરામે સૌપ્રથમ વખત આ સિદ્ધ ક્ષેત્રમાં માતાનું પિંડદાન કર્યું હતું. ત્યારથી આ સ્થળને ‘માતૃગયા’ તરીકે ઓળખવામાં આવે છે અને એવું વિધાન બન્યું છે કે માતાના મોક્ષ માટે માત્ર અહીં જ પિંડદાન કરવું અનિવાર્ય છે. ગરુડ પુરાણમાં પણ આ કથાનો ઉલ્લેખ છે, જેમાં કહેવાયું છે કે આ સરોવરમાં તર્પણ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને માતૃપક્ષના પિતૃઓ અચળ મોક્ષની ગતિ પ્રાપ્ત કરે છે.
કપિલ મુનિ અને દેવહૂતીની કથા
શ્રીમદ્ભાગવત પુરાણ સ્કંધ 3 અનુસાર, કર્દમ ઋષિ અને દેવહૂતીના (સ્વયંભૂ મનુના પુત્રી) પુત્ર ઋષિ કપિલ મુનિનો જન્મ પણ બિંદુ સરોવરના કાંઠે થયો હતો. ઋષિ કર્દમ અને દેવહૂતીએ શ્રીહરિ નારાયણને પુત્ર માટે પ્રાર્થના કરી હતી, જે બાદ ધર્મકાર્યના અવિરત પ્રવાહને વહેતો રાખવા માટે શ્રીહરિ વિષ્ણુએ કપિલાવતાર ધારણ કરીને જન્મ લીધો હતો. એક સમયે ઋષિ કર્દમ ધર્મકાર્ય માટે ઘરેથી નીકળી ગયા હતા અને વર્ષો સુધી રાહ જોયા બાદ પણ તેઓ પરત ફર્યા નહોતા. તેમના વિરહના કારણે દેવહૂતી પણ દુઃખી થવા લાગ્યા હતા.
આ સમયગાળા દરમિયાન કપિલ મુનિએ પોતાની માતાને બ્રહ્મજ્ઞાન (મોક્ષનો માર્ગ) પ્રદાન કર્યું હતું અને સાંખ્યશાસ્ત્ર સંભળાવ્યું હતું. ત્યારબાદ ઋષિમાતા દેવહૂતીને પોતાના અસ્તિત્વનો હેતુ પૂર્ણ થયો હોવાનો અનુભવ થયો હતો અને તેમણે બિંદુ સરોવરમાં ઋષિ કપિલ સામે દેહત્યાગ કર્યો હતો. ઋષિ કપિલે તે સરોવરને ‘મોક્ષદાતા’ કહીને તેનો મહિમા વધાર્યો હતો, ત્યારથી સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ બન્યું હતું.
આ કથાઓના કારણે સિદ્ધપુરમાં માત્ર માતૃશ્રાદ્ધ જ થાય છે. દર વર્ષે કારતક મહિનામાં અહીં મોટો મેળો ભરાય છે અને ભારતભરમાંથી હજારો લોકો અહીં પોતાનો પુત્રધર્મ નિભાવવા માટે આવે છે. વિધિમાં પુત્રો માતાના નામો લઈને તર્પણ વિધિ સંપન્ન કરે છે. સિદ્ધપુર તે સ્થળ છે, જે પુત્રોને માતાના પ્રેમ-વ્હાલ, ઉપકાર અને કૃતજ્ઞતા સાથે જોડે છે. જોકે, આ સ્થળે અનેક ઇસ્લામી આક્રાંતાઓના હુમલા જોયા છે, છતાં આજે દ્રઢતાથી અણનમ ઊભું છે.

આજે બિંદુ સરોવરનો સારો એવો વિકાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સ્વચ્છતા, પૂજા હૉલ, ચેન્જિંગ રૂમ અને ઇલેક્ટ્રિફિકેશનની સુવિધાઓ પણ અહીં મળે રહે છે. ખાસ વાત એ છે કે આ સ્થળ પર બિનહિંદુઓનો પ્રવેશ સંપૂર્ણપણે નિષેધ છે, તેનું કારણ ભૂતકાળમાં થયેલા ઇસ્લામી હુમલા છે. હિંદુઓ માટે માતૃશ્રાદ્ધનું આ એકમાત્ર તીર્થસ્થળ હોવાથી તેનું મહત્વ ખૂબ વધુ છે.
સિદ્ધપુર માતૃશ્રાદ્ધની સાથે-સાથે પોતાના જીવંત વારસા માટે પણ ખૂબ પ્રસિદ્ધ છે. અહીં જ રુદ્રમહાલયનું વિશાળ મંદિર બાંધવામાં આવ્યું હતું, જે ઇસ્લામી આક્રાંતાઓએ તોડી નાખ્યા બાદ આજે ખંડેર જેવી સ્થિતિમાં છે. આ મંદિર કોસ્મિક એનર્જીનો સ્ત્રોત હોવાનું કહેવાય છે. તે સિવાય તે હિંદુ સોલંકીવંશના રાજાઓની અદભૂત ઈજનેરીનો પણ એક જીવતો પુરાવો છે.


