હોમપેજઇન્ડોલોજીલોથલમાં ઊભું થઈ રહ્યું છે મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ: સિંધુ ખીણના સમુદ્રી વારસાને...

લોથલમાં ઊભું થઈ રહ્યું છે મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ: સિંધુ ખીણના સમુદ્રી વારસાને અમર બનાવવાનો સરકારનો પ્રયાસ, પીએમ મોદીએ કરી સમીક્ષા

લોથલે અનેક તબક્કાઓમાં વસાહતો અને પુનર્વસાહતો જોઈ. આ વિસ્તારનો ધીમે ધીમે પતન થવાનું મુખ્ય કારણ સાબરમતી નદી પર આવેલા વિનાશક પૂર અને નદીના માર્ગમાં થયેલો ફેરફાર હતો, જેના કારણે ડોકયાર્ડ સૂકું થઈ ગયું. રાવે લખ્યું હતું કે, ઈ.સ. પૂર્વે 2000ની આસપાસ એક મોટા પૂર પછી ખીલેલું શહેર ધ્વસ્ત થયું હતું.

- Advertisement -

20 સપ્ટેમ્બર 2025ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ભાવનગરમાં ભવ્ય રોડ શૉ કર્યો હતો અને ગુજરાતની જનતાના અભિવાદન ઝીલ્યા હતા. આ મુલાકાત દરમિયાન PM મોદીએ ભાવનગર સહિત રાજ્યના અને દેશના કુલ ₹1 લાખ કરોડનાં વિકાસકામોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.

ત્યારપછી તેમણે જવાહર મેદાનમાં સભાને સંબોધિત પણ કરી હતી. જ્યાં PMએ આત્મનિર્ભરતા પર ભાર મૂકતાં કહ્યું કે, “આપણો સૌથી મોટો દુશ્મન બીજા પરની નિર્ભરતા છે…ચિપ હોય કે શિપ આપણે ભારતમાં જ બનાવવાં પડશે.” આ સભા પૂર્ણ કર્યા બાદ PM મોદી અમદાવાદ જિલ્લાના લોથલમાં રાષ્ટ્રીય સમુદ્રી વારસા સંકુલના (નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, NMHC) નિર્માણનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને સમીક્ષા બેઠક યોજી હતી.

લોથલ NMHC પ્રોજેક્ટ શું છે?

ગુજરાતના વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલ લોથલમાં આવેલું NMHC, મોદી સરકારની એક મહત્વાકાંક્ષી પહેલ છે, જે સિંધુ સરસ્વતી સંસ્કૃતિની (ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન) સમુદ્રી અને એન્જિનિયરિંગ સિદ્ધિઓને સમ્માન આપવાનું કામ કરે છે. આ પ્રોજેક્ટ લગભગ ₹4500 કરોડના ખર્ચે 400એકર જમીન પર વિસ્તરેલો છે, તે જમીન ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે.

- Advertisement -

લોથલ ઈ.પૂર્વે 2400ની આસપાસ હડપ્પન સભ્યતાનું એક મહત્વનું બંદર હતું. ગુજરાત સરકાર દ્વારા 400 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા ₹4,500 કરોડના નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટનો હેતુ આ પ્રાચીન સ્થળના ઐતિહાસિક મહત્વને જાળવવા, પ્રદર્શિત કરવા અને ભાવિ પેઢીઓ માટે પ્રવાસન તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

આ સંકુલનો મુખ્ય ઉદ્દેશ આ પ્રાચીન સ્થળનું ઐતિહાસિક મહત્વ જાળવી રાખવાનો અને તેને પર્યટન તથા શિક્ષણ માટેના કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે, જેથી ભવિષ્યની પેઢીઓને આ વારસાની જાણકારી મળે. ઑક્ટોબર 2024માં કેન્દ્રીય મંત્રીમંડળે આ પ્રોજેક્ટને સાગરમાળા કાર્યક્રમ હેઠળ મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ ભારતના પ્રાચીન સમુદ્રી વેપારને પ્રકાશિત કરે છે.

આ પ્રોજેક્ટ વિકાસ અને વારસાના સંરક્ષણ વચ્ચેનું સંતુલન જાળવીને ભારતના સમુદ્રી ઇતિહાસને આધુનિક રીતે રજૂ કરે છે. બે તબક્કામાં વિકસિત થઈ રહેલ આ સંકુલમાં નેશનલ મેરીમેટ હેરિટેજ મ્યુઝિયમનો સમાવેશ થાય છે, જેમાં 14 ગેલેરીઓ છે જે ઇન્ડસ વેલીથી લઈને આધુનિક કાળ સુધીના ભારતના સમુદ્રી ઇતિહાસને આવરી લે છે.

પ્રોજેક્ટના તબક્કાઓ અને વિશેષતાઓ

પ્રોજેક્ટ બે મુખ્ય તબક્કામાં વહેંચાયેલો છે:

ફેઝ 1A: આ તબક્કો 60%થી વધુ પૂર્ણ થઈ ગયો છે અને વર્ષના અંત સુધીમાં શરૂ થવાની યોજના છે. તેમાં 6 ગેલેરીઓ છે, જેમાં ભારતીય નૌસેના અને કોસ્ટ ગાર્ડનું પ્રદર્શન પણ છે. અહીં આર્ટિફેક્ટ્સ જેમ કે INS નિશાંક મિસાઇલ બોટ, સી હેરિયર અને યુએચ-૩ હેલિકોપ્ટર જેવા સાધનો રજૂ થશે. વધુમાં લોથલના ટાઉનશિપનું પુનઃનિર્માણ અને જેટી વોકવે પણ સામેલ છે.

ફેઝ 1B: આ તબક્કામાં 8 વધારાની ગેલેરીઓ, 77 મીટર ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ (જે વિશ્વનું સૌથી ઊંચું હશે, 65 મીટર ઓપન ગેલેરી સાથે), 5D ડોમ થિયેટર અને બગીચા કોમ્પ્લેક્સ છે. આ કોમ્પ્લેક્સમાં 1,500 વાહનો માટે પાર્કિંગ, ફૂડ કોર્ટ અને તબીબી સુવિધાઓ છે. વધુમાં, 500 ઇલેક્ટ્રિક કારો માટે પાર્કિંગ અને 66 કેવી સબસ્ટેશન પણ પૂર્ણ થઈ ગયું છે.

ફેઝ 2: પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) દ્વારા નાણાકીય સહાયથી વિકસિત થશે, જેમાં કોસ્ટલ સ્ટેટ્સ પેવિલિયન, ઇકો-રિસોર્ટ્સ, લોથલ શહેરનું પૂર્ણ પુનઃનિર્માણ, મેરિટાઇમ ઇન્સ્ટિટ્યૂટ અને ચાર થીમ પાર્ક્સ છે. આ પાર્ક્સમાં સમુદ્રી ઇતિહાસ, આબોહવા પરિવર્તન, સ્મારકો અને એડવેન્ચર પર ધ્યાન કેન્દ્રિત થશે. વિશ્વની સૌથી મોટી અંડરવોટર થીમિંગ ઓપન ગેલેરી, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, 100 રૂમનું ટેન્ટ સિટી અને રિસોર્ટ, ઇ-કાર સુવિધાઓ પણ સામેલ છે.

વધુમાં, મેરિટાઇમ યુનિવર્સિટીની સ્થાપના થશે, જે વિશેષ ડિગ્રી કોર્સ અને વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમો પૂરા પાડશે, તેમજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ બનશે.

નાણાકીય સહાય અને સમર્થન

આ પ્રોજેક્ટને પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ તથા સંસ્કૃતિ મંત્રાલયોનું સમર્થન છે. નાણાકીય સ્ત્રોતોમાં મુખ્ય પોર્ટ્સ, ડિફેન્સ મિનિસ્ટરી, નેશનલ કલ્ચર ફંડ અને ₹3000 કરોડનું ખાનગી રોકાણ સામેલ છે. લાઇટહાઉસ મ્યુઝિયમને ડાયરેક્ટોરેટ જનરલ ઑફ લાઇટહાઉસ અને લાઇટશિપ્સ (DGLL) દ્વારા નાણાકીય સહાય મળશે.

આર્થિક અસર અને રોજગાર

આર્થિક દૃષ્ટિએ NMHC રોજના 25,000 પ્રવાસીઓને આકર્ષિત કરશે, જે 22,000 સીધી અને આડકતરી રોજગારીની તકો ઉભી કરશે. તે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે અને ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે. આ પ્રોજેક્ટ લોથલને ભારતના ટોપ હેરિટેજ સ્થળો જેવું પર્યટન કેન્દ્ર બનાવશે, જે ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સમર્થન આપશે.

લોથલનું મહત્વ: ભારતના સમુદ્રી ઇતિહાસનું પ્રતીક

લોથલ સિંધુ સરસ્વતી સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર છે, જે સિંધુ નદીથી શરૂ થઈને સરસ્વતી નદી સુધી અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફેલાયેલી ભારતની સમૃદ્ધ સંસ્કૃતિના વેપાર, હસ્તકલા, શહેર આયોજન અને સંસ્કૃતિના ચિહ્નોને દર્શાવે છે. ખંભાતઆ અખાત નજીક ભાલ વિસ્તારમાં આવેલું લોથલ, ઈ.સ. પૂ. 2400 આસપાસનું મુખ્ય બંદરગાહ હતું. તેમાં વિશ્વનું સૌથી જૂનું માનવ-નિર્મિત ડોકયાર્ડ છે, જે વર્ટિકલ ઇંટની દિવાલોથી બનેલું છે અને 214 મીટર લાંબું અને 36 મીટર પહોળું ટ્રેપિઝોઇડલ બેસિન છે. આ ડોકયાર્ડ સાબરમતી નદી સાથે જોડાયેલું છે.

નોંધનીય છે કે સિંધુ સરસ્વતીના લોકો પાણી વ્યવસ્થાપન અને આયોજનનું ઉમદા જ્ઞાન ધરાવતા હતા. લોથલનું ડોકયાર્ડ આ વિસ્તારની ઊંચી ભરતીને નિયંત્રિત કરવા માટે ચોકસાઇથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જેમાં કાંપ એકઠો થતો અટકાવવા માટે સ્પિલ ચેનલની રચના કરવામાં આવી હતી. 1955થી 1962 વચ્ચે થયેલા પ્રારંભિક ખોદકામોમાં એસઆર રાવે નેતૃત્વ આપ્યું હતું, તેમણે હડપ્પન સંસ્કૃતિ સાથે જોડાયેલ 30 સ્થળોની શોધ કરી હતી. પેન મ્યુઝિયમના એક્સપેડિશન મેગેઝિનમાં રાવે લખ્યું હતું:

“હડપ્પનો દ્વારા બનાવવામાં આવેલી સૌથી મોટી શેકેલી ઈંટોની રચના લોથલ ખાતે ખુલ્લી મૂકવામાં છે, જે જહાજોને બાંધવા અને માલસામાનની હેરફેર માટે બર્થ તરીકે ઉપયોગમાં લેવાતી હતી… મૂળરૂપે ડોકની રચના 18થી 20 મીટર લંબાઈ અને 4થી 6 મીટર પહોળાઈવાળા જહાજોને પાણીમાંથી પસાર કરવા માટે કરવામાં આવી હતી… ઓછામાં ઓછા બે જહાજો એકસાથે પ્રવેશદ્વારમાંથી પસાર થઈ શકતા હતા…”

કેટલાક પશ્ચિમી નિષ્ણાતો લોથલ એક ડોકયાર્ડ હોવાના વિચાર સાથે અસહમત હતા. જોકે, IIT ગાંધીનગર દ્વારા તાજેતરના અભ્યાસમાં સેટેલાઇટ છબીઓનો ઉપયોગ કરીને સમજાવવામાં આવ્યું હતું કે ડોકયાર્ડ અને બંદર સિદ્ધાંતો શા માટે વધુ સચોટ છે. ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, સેટેલાઇટ ઇમેજરીએ સાબરમતીની જૂની નદીની ચેનલો દર્શાવી, જે લોથલની બાજુમાંથી વહેતી હતી. નદીનો માર્ગ ધીમે ધીમે બદલાતાં તે સ્થળથી દૂર ખસી ગયો, જેના કારણે લોથલનું ડોકયાર્ડ વિચિત્ર દિશામાં રહી ગયું. જ્યારે આ જૂની ચેનલો વહેતી હતી ત્યારે નૌકાઓ લોથલ થઈને કચ્છના રણમાં આવેલા અન્ય મહત્વના હડપ્પન સ્થળ ધોળાવીરા સુધી સરળતાથી જઈ શકતી હતી.

IIT ગાંધીનગર ખાતે પ્રોફેસર વી.એન. પ્રભાકર, પ્રોફેસર વિક્રાંત જૈન અને એકતા ગુપ્તા દ્વારા કરવામાં આવેલ અભ્યાસ રાવના નિવેદન સાથે સહમત છે. સાબરમતી નદીના પહેલાંના પ્રવાહે લોથલને અનુકૂળ ભૌગોલિક સ્થાન આપ્યું હતું, જે અરબી સમુદ્રના ભારતીય બંદરો, ખાસ કરીને ખંભાતના અખાતથી પ્રાચીન મેસોપોટેમિયા સુધી ફેલાયેલા સમૃદ્ધ વેપાર નેટવર્કના કેન્દ્રમાં હતું.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સૌરાષ્ટ્રના અન્ય કોઈપણ સ્થળ કરતાં આ વિસ્તારમાં ખોદકામ કરાયેલી પ્રાચીન મુદ્રાઓની સંખ્યા આ બાબતને વધુ સમર્થન આપે છે. આ મુદ્રાઓનો ઉપયોગ કાર્ગો પેકેજો, વેપાર દસ્તાવેજો અને પત્રોને ચિહ્નિત કરવા થયો હશે.

લોથલે અનેક તબક્કાઓમાં વસાહતો અને પુનર્વસાહતો જોઈ. આ વિસ્તારનો ધીમે ધીમે પતન થવાનું મુખ્ય કારણ સાબરમતી નદી પર આવેલા વિનાશક પૂર અને નદીના માર્ગમાં થયેલો ફેરફાર હતો, જેના કારણે ડોકયાર્ડ સૂકું થઈ ગયું. રાવે લખ્યું હતું કે, ઈ.સ. પૂર્વે 2000ની આસપાસ એક મોટા પૂર પછી ખીલેલું શહેર ધ્વસ્ત થયું હતું. ત્યારબાદ ત્યાં માત્ર કેટલાક લોકો રહેતા હતા અને તે પણ કોઈ આયોજન વગર. પછી ઈ.સ. પૂર્વે 1900માં બીજા મોટા પૂરે આ વસાહતને પૂર્ણપણે નષ્ટ કરી દીધી.

NMHC સિંધુ ખીણ સંસ્કૃતિના દરિયાઈ અને ઇજનેરી કૌશલ્યના વારસાને જાળવી રાખશે, સાથે સાથે આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક જાગૃતિને પણ પ્રોત્સાહન આપશે. દરિયાઈ ભૂતકાળથી મોટાભાગે દૂર રહેલી વસ્તી માટે NMHC જહાજ નિર્માણ અને દરિયાઈ વેપારના આપણા સમૃદ્ધ વારસાનો પ્રવેશદ્વાર બનશે. અત્યાધુનિક ટેકનોલોજી અને સુવિચારિત ડિઝાઇન દ્વાર NMHC ખાતરી કરશે કે લોથલનું ઐતિહાસિક મહત્વ ભારતીયોની ભાવિ પેઢીઓ, સિંધુ સરસ્વતી લોકોના વંશજો માટે સુલભ રહે.

આ લેખ મૂળ અંગ્રેજી ભાષામાં લખાયેલો છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં