અમેરિકન શોર્ટ-સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના કારણે 2023માં ગંભીર આરોપોમાં ફસાયેલા અદાણી ગ્રુપને હવે SEBIએ ક્લીનચિટ આપી છે, તપાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ તપાસમાં શેર મેનેજમેન્ટ, ઈન્સાઈડર ટ્રેડિંગ, નાણાકીય અનિયમિતતાઓ અને સંબંધિત પાર્ટી ટ્રાન્ઝેક્શન્સ (RPT) જેવા આરોપોની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ પુરાવા મળ્યા નહીં. આ નિર્ણયથી અદાણી ગ્રુપના શેરોમાં વધુ વિશ્વાસ વધવાની શક્યતા છે, જ્યારે રોકાણકારોના નુકસાન માટે જવાબદાર માનવામાં આવતા હિંડનબર્ગ પર પ્રશ્નો ઉભા થયા છે.
જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ વિરુદ્ધ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, જેમાં તેને ‘ઇતિહાસની સૌથી મોટી કોર્પોરેટ છેતરપિંડી’ કરનાર ગણાવ્યું હતું. રિપોર્ટમાં આરોપ લગાવાયા કે અદાણી ગ્રુપે શેર કિંમતો કૃત્રિમ રીતે વધારી, ઑફશોર શેલ કંપનીઓનો ઉપયોગ કરીને નાણાંનો દુરુપયોગ કર્યો, ઓડિટમાં છેતરપિંડી કરી અને જાહેર શેરહોલ્ડિંગના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
હિંડનબર્ગે તેના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે અદાણી ગ્રુપની કેટલીક કંપનીઓએ એડિકોર્પ એન્ટરપ્રાઇઝ દ્વારા ભંડોળ ટ્રાન્સફર કર્યું હતું. ત્યારબાદ એડિકોર્પે નિયમોનું ઉલ્લંઘન કરીને અદાણી પાવરને લોન આપી હતી. આરોપ લગાવ્યો હતો કે 2020માં અદાણી પોર્ટ્સ અને અદાણી પાવર જેવી કંપનીઓએ એડિકોર્પને આશરે ₹620 કરોડનું ધિરાણ આપ્યું હતું, જે ગેરકાયદેસર હતું. જોકે, SEBIની તપાસમાં આ બધા આરોપો ખોટા સાબિત થયા છે. SEBIએ જણાવ્યું હતું કે અદાણી ગ્રુપે કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી અને કોઈ નાણાકીય અનિયમિતતા કરી નથી.
હિંડનબર્ગના રિપોર્ટ પછી SEBIએ તુરંત તપાસ શરૂ કરી હતી, જેમાં અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઈઝિસ અને એડિકોર્પ જેવી કંપનીઓની ટ્રાન્ઝેક્શન્સની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં માઈલસ્ટોન ટ્રેડલિંક્સ (MTPL) અને રેહવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી સંસ્થાઓને પણ સામેલ કરવામાં આવી હતી, જેને હિંડનબર્ગે ‘કન્ડ્યુઈટ્સ’ તરીકે રજૂ કરી હતી.
SEBIની તપાસ
18 સપ્ટેમ્બર 2025ના રોજ SEBIના પૂર્ણકાલીન સભ્ય કમલેશ સી. વાર્ષ્ણેયે આ કેસમાં આદેશ જારી કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તપાસ બાદ જાણવા મળ્યું છે કે હિંડનબર્ગના આરોપોમાં કોઈ સત્ય નથી. બજારમાં હેરાફેરી કે આંતરિક વેપારના પુરાવા મળ્યા નથી. તેથી, SEBIએ અદાણી ગ્રુપ, ગૌતમ અદાણી, રાજેશ અદાણી અને અદાણી પોર્ટ્સ, અદાણી પાવર અને એડિકોર્પ એન્ટરપ્રાઇઝ જેવી કંપનીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી. આ નિર્ણય અદાણી ગ્રુપની આ કંપનીઓને નોંધપાત્ર રાહત આપે છે.
ગૌતમ અદાણીએ આ સમાચાર પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે પોસ્ટ કરીને લખ્યું છે કે SEBIની તપાસમાં સ્પષ્ટપણે સાબિત થયું છે કે હિંડનબર્ગના દાવા પાયાવિહોણાં છે. તેમણે કહ્યું કે પારદર્શિતા અને પ્રામાણિકતા હંમેશા તેમની ઓળખ રહી છે. તેમણે હિંડનબર્ગના અહેવાલ પછી નાણાં ગુમાવનારા રોકાણકારોના દુ:ખને પણ સ્વીકાર્યું. અદાણીએ કહ્યું કે ખોટા સમાચાર ફેલાવનારાઓએ રાષ્ટ્રની માફી માંગવી જોઈએ. તેમણે ભારત અને તેના નાગરિકો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરાવર્તિત કર્યો અને ‘સત્યમેવ જયતે’ અને ‘જય હિન્દ’ જેવા નારા પણ લખ્યા હતા.
After an exhaustive investigation, SEBI has reaffirmed what we have always maintained, that the Hindenburg claims were baseless. Transparency and integrity have always defined the Adani Group.
— Gautam Adani (@gautam_adani) September 18, 2025
We deeply feel the pain of the investors who lost money because of this fraudulent… pic.twitter.com/8YKeEYmmp5
SEBIના આદેશથી સ્પષ્ટ થાય છે કે આરોપો માત્ર વ્યાપારિક હિતોને કારણે ફેલાવવામાં આવ્યા હતા. SEBIનો આ નિર્ણય ભારતીય બજારની મજબૂતી અને નિયમનકારી સંસ્થાની વિશ્વસનીયતાનું પ્રતીક છે. અદાણી ગ્રુપે હંમેશા આરોપોને નકારી કાઢ્યા હતા અને આ ક્લીનચિટથી તેમની વાત સાબિત થઈ. હવે રોકાણકારો માટે આ એક મોટી રાહત છે, જ્યારે ખોટા આરોપો ફેલાવનારાઓને જવાબદાર ઠેરવવાની માંગ વધી રહી છે. ભારતીય અર્થતંત્રના આ વિશાળ કોંગ્લોમરેટને આગળ વધવા માટે આ નિર્ણય મહત્વનો સાબિત થશે.
નોંધનીય છે કે, હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો, જેના કારણે ઘણા રોકાણકારોને નુકસાન થયું હતું. જોકે, સેબીના નિર્ણયથી બજારનો વિશ્વાસ પાછો આવી શકે છે. સેબીએ કેસ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે અને કોઈ દંડ લાદ્યો નથી. આ નિર્ણયને અદાણી ગ્રુપ માટે મોટી જીત માનવામાં આવી રહી છે. બીજી બાજુ, કેટલાક લોકો હજુ પણ આ બાબત પર પ્રશ્ન ઉઠાવી શકે છે, પરંતુ સેબીનો નિર્ણય હવે અંતિમ છે.


