સુપ્રીમ કોર્ટે 17 સપ્ટેમ્બર 2025ના રોજ રોમન કેથોલિક ચર્ચના પાદરી ફ્ર. એડ્વિન પિગારેઝની સગીરા પર બળાત્કારના કેસમાં આપવામાં આવેલી 20 વર્ષની કઠોર કેદની સજાને અસ્થાયી રીતે સ્થગિત કરી દીધી છે. આ નિર્ણય પાદરીના અપીલ દરમિયાન આપવામાં આવ્યો છે, જેમાં તેણે કેરળ હાઇકોર્ટના ફેબ્રુઆરી 2024ના નિર્ણયને પડકાર્યો હતો. કોર્ટે જણાવ્યું કે પિગારેઝ પહેલાંથી જ લગભગ 10 વર્ષની કેદ ભોગવી ચૂક્યો છે, જે 20 વર્ષની સજાના અડધા ભાગ જેટલી છે, તેથી સજા સ્થગિત કરીને જામીન આપવામાં આવે છે.
એડ્વિન પિગારેઝ કોચીની એક રોમન કાથોલિક ચર્ચનો પૂર્વ પાદરી હતો. તેણે વર્ષ 2014-15 દરમિયાન પેરિશના પ્રેસ્બિટરીમાં (પાદરીઓનું નિવાસસ્થાન) 14 વર્ષની સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરા તેના ચર્ચની પેરિશિયનર (સભ્ય) હતી અને તેની માતાની ફરિયાદ પર 2016માં કેસ નોંધાયો હતો. તપાસમાં જાહેર થયું કે પાદરીએ સગીરાના વિશ્વાસનો દુરુપયોગ કરીને આ અપરાધો કર્યા, જે ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 176(2)(i) અને (n) હેઠળ તથા POCSO એક્ટ (સગીરા વિરુદ્ધ લૈંગિક અપરાધો સંબંધિત કાયદો) હેઠળ આવે છે.
હાઇકોર્ટે ઓછી કરી હતી સજા
પ્રારંભિક તપાસ પછી એર્નાકુલમની એડિશનલ સેશન્સ કોર્ટે 2016માં પિગારેઝને આજીવન કારાવાસ (જીવે ત્યાં સુધી) અને 2.5 લાખના દંડની સજા ફટકારી હતી. કોર્ટે તેને ‘ડબલ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ’ જેવી કઠોર સજા આપી, કારણ કે તેણે તેના પદનો દુરુપયોગ કર્યો હતો. આ ઉપરાંત, તેના ભાઈ સિલ્વેસ્ટર પિગારેઝને પાદરીને છુપાવવા માટે 1 વર્ષની કેદની સજા થઈ હતી, પરંતુ પાછળથી તેને છોડી દેવામાં આવ્યો હતો.
ત્યારપછી આ મામલે કેરળ હાઇકોર્ટમાં અપીલ થઈ હતી. કેરળ હાઇકોર્ટના જસ્ટિસ પી.બી. સુરેશ કુમાર અને જ્ઞાન જોન્સન જ્હોનની બેન્ચે 2 ફેબ્રુઆરી 2024ના રોજ પિગારેઝને દોષી માન્યો પરંતુ ટ્રાયલ કોર્ટની આજીવન કેદને ઘટાડીને 20 વર્ષની કઠોર કેદ (રીમિશન વિના) કરી દીધી. કોર્ટે કહ્યું કે બળાત્કાર એ માત્ર શારીરિક અપરાધ નથી, પરંતુ માનસિક આઘાત પણ છે, જે પીડિતાના જીવનને બરબાદ કરી દે છે. તેમ છતાં સજા અપરાધની તીવ્રતા, યોગ્યતા અને પ્રમાણિકતા અનુસાર હોવી જોઈએ. હાઇકોર્ટે સિલ્વેસ્ટરને પુરાવાના અભાવે છોડી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
આ નિર્ણયમાં કોર્ટે જણાવ્યું કે આ કેસ POCSO એક્ટ હેઠળ આવે છે, જ્યાં ન્યૂનતમ સજા 10 વર્ષની છે અને મહત્તમ આજીવન કેદ. ત્યારપછી પાદરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે કેસ નંબર: CRL.A NO. 1321 OF 2016 અને 160 OF 2017માં સુનાવણી કરી હતી.
વરિષ્ઠ વકીલ આર. બસંતે પિગારેઝ તરફથી દલીલો કરી હતી, જ્યારે રાજ્ય તરફથી પી.વી. સુરેન્દ્રનાથે દલીલ કરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે IPCની કલમ 376(2)(i) અને (n) હેઠળ ન્યૂનતમ સજા 10 વર્ષ છે અને પિગારેઝે 10 વર્ષથી વધુ કેદ ભોગવી છે, તેથી અપીલ પેન્ડિંગ દરમિયાન સજા સ્થગિત કરીને જામીન આપવામાં આવે છે.
જોકે, કોર્ટે પાદરીને શરતી જામીન આપ્યા હતા. જામીનની શરતો ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી થશે, જેમાં પિગારેઝને સેશન્સ કેસ નં. 203/2016માંથી મુક્ત કરવામાં આવશે. આ નિર્ણયથી પાદરીને તાત્કાલિક જામીન મળશે, પરંતુ અપીલનો નિર્ણય પછી સજા પુનઃલાગુ થઈ શકે છે.


