જેના માથે હતું એક કરોડનું ઇનામ, તે નક્સલી ઝારખંડમાં એનકાઉન્ટરમાં ઠાર: અન્ય બે માઓવાદી પણ મરાયા

ઝારખંડમાં નક્સલવાદ વિરુદ્ધ ચાલતા ઑપરેશનમાં સુરક્ષાબળોએ તાજેતરમાં ટોચના માઓવાદી સહિત ત્રણને ઠાર કર્યા છે. જેમાંથી એકની ઉપર એક કરોડ રૂપિયાનું ઈનામ ઘોષિત કરવામાં આવ્યું હતું. એનકાઉન્ટર ઝારખંડના હજારીબાગ જિલ્લામાં સોમવારે વહેલી સવારે થયું હતું. 

માર્યા ગયેલા નક્સલીની ઓળખ સહદેવ સોરેન તરીકે થઈ છે. તે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાની (માઓવાદી) સેન્ટ્રલ કમિટીનો સભ્ય હતો. પૂર્વ ભારતના મોસ્ટ વૉન્ટેડ નક્સલીઓમાં તેનું નામ આવતું હતું. 

આ ઑપરેશન ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે હાથ ધરવામાં આવ્યું હતું, જે હજારીબાગ પોલીસ, ગિરિડીહ પોલીસ અને કોબ્રા બટાલિયને સંયુક્ત રીતે પાર પાડ્યું. 

અન્ય બે માઓવાદીઓ માર્યા ગયા છે, જેમની ઓળખ રઘુનાથ હેમ્બ્રામ અને બીરસેન ગંજુ તરીકે થઈ છે. રઘુનાથ બિહાર-ઝારખંડ સ્પેશિયલ એરિયા કમિટીનો સભ્ય હતો, જેની ઉપર 25 લાખનું ઇનામ ઘોષિત કરવામાં આવ્યું હતું. બીરસેન પર પણ 10 લાખનું ઇનામ હતું. ત્રણેયના મૃતદેહો પણ સુરક્ષાબળોએ કબજે કર્યા હતા. ઑપરેશન હાલ ચાલી રહ્યું છે.