હોમપેજગુજરાતઅગાઉ ધર્મ પરિવર્તન વિરુદ્ધ નડિયાદ પોલીસને અપાઈ હતી અરજી, પણ ન થઈ...

અગાઉ ધર્મ પરિવર્તન વિરુદ્ધ નડિયાદ પોલીસને અપાઈ હતી અરજી, પણ ન થઈ કાર્યવાહી: હવે ફરી એ જ આરોપીઓ સામે ઈસાઈ ધર્માંતરણના આરોપ– એક્સક્લુઝિવ

હિંદુ સંગઠને કહ્યું કે, તે સમયે તો પોલીસ પ્રશાસન તરફથી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, પણ તે ઘટનાના 14 દિવસ બાદ બીજી વખત ધર્માંતરણના આરોપો સામે આવ્યા હતા અને આ વખતે પણ તે જ આરોપીઓ હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -

તાજેતરમાં નડિયાદમાં ખ્રિસ્તી ધર્માંતરણ થતું હોવાના આરોપ સાથે હિંદુ સંગઠનોએ પોલીસ ફરિયાદ કરી હતી, ફરિયાદના આધારે પોલીસે FIR પણ નોંધી હતી અને તપાસ પણ શરૂ કરી દીધી હતી. જોકે, આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ હજુ પણ એવું કહી રહી છે કે ધર્માંતરણ થતું હતું કે કેમ એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. તેવામાં હવે એવું જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનાના લગભગ 14 દિવસ પહેલાં આ જ આરોપીઓ વિરુદ્ધ હિંદુ સંગઠનોએ અરજી દાખલ કરી હતી, પણ પોલીસે 14 દિવસ સુધીમાં કોઈ કાર્યવાહી ન કરી અને આવી બીજી ઘટના બનવા પામી.

ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં નડિયાદ જિલ્લા બજરંગદળ સંયોજક કેયૂર પટેલે જણાવ્યું હતું કે તાજેતરના એક-બે દિવસ પહેલાં નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં એક મકાનમાં ખ્રિસ્તી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચમહાલ અને અન્ય રાજ્યોમાંથી લગભગ 50 જેટલા યુવાનોને બોલાવવામાં આવ્યા હતા. હિંદુ સંગઠનોનો આરોપ છે કે આ લોકોને આર્થિક પ્રલોભનો આપીને અહીં લાવવામાં આવ્યા હતા અને ધર્માંતરણના પ્રયાસો ચાલી રહ્યા હતા.

આ બધું સામે આવ્યા બાદ હિંદુ સંગઠને નડિયાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ મામલે સ્ટિવન મેકવાન અને સ્મિથ મેકવાન નામના બે શખ્સ વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ 4(1) અને 4(2) હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે, સતત પોલીસ એવું પણ કહી રહી હતી કે ધર્માંતરણ થતું હતું કે કેમ તે દિશામાં હજુ તપાસ ચાલી રહી છે. 

- Advertisement -

14 દિવસ અગાઉ આ જ આરોપીઓ સામે દાખલ કરાઈ હતી ફરિયાદ- હિંદુ સંગઠન

નડિયાદ જિલ્લા સંયોજક કેયૂર પટેલે જણાવ્યું હતું કે આ ઘટનામાં પોલીસે 24 કલાકમાં FIR નોંધીને સારી કાર્યવાહી કરી છે. પરંતુ આ પહેલાં 28 ઑગસ્ટના રોજ પણ પણ આ જ આરોપીઓએ હોટેલ અર્બુદાના એક હૉલમાં આવી ગતિવિધિઓ કરી હતી અને અંધશ્રદ્ધાને સમર્થન આપતાં કૃત્યો કર્યાં હતાં. પટેલે જણાવ્યું કે તેમની પાસે આ તમામ ઘટનાઓના વિડીયો ઉપલબ્ધ છે. સંગઠને પોલીસને અરજી પણ કરી હતી, તેમ છતાં તે આરોપીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. 

હવે 14 દિવસ પછી એ જ આરોપીઓએ ફરી નડિયાદમાં આવી ગતિવિધિઓ કરી હતી. સંગઠનનો આરોપ છે કે પોલીસે 28 ઑગસ્ટની ઘટના પર યોગ્ય કાર્યવાહી કરી હોત તો આ બીજી ઘટના બનવા જ ન પામી હોત. સંગઠને પોલીસ પર બેદરકારીનો આરોપ પણ લગાવ્યો છે. કેયૂર પટેલે જણાવ્યું હતું કે તેમણે પોલીસ અધિકારીઓ સમક્ષ લેખિત અરજી આપી હતી, પણ 14 દિવસ સુધી તેમણે કોઈ કાર્યવાહી ન કરી અને પરિણામે બીજી આવી ઘટના બનવા પામી. 

શું થયું હતું 28 ઑગસ્ટે? 

વાતચીતમાં હિંદુ સંગઠનના પદાધિકારીએ જણાવ્યું હતું કે 28 ઑગસ્ટના રોજ નડિયાદની અર્બુદા હોટેલના એક હૉલમાં લગભગ 150 માણસો એકઠા થયા હતા અને ખ્રિસ્તી ધર્માંતરણ ચાલી રહ્યું હોવાના વાવડ મળ્યા હતા. પટેલ અનુસાર, તેઓ સૂચના મળ્યા બાદ હોટેલ પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ હૉલમાં પ્રવેશ્યા તો એક 18-19 વર્ષનો યુવાન ધૂણી રહ્યો હતો અને ઈસાઈ ગીતો વાગી રહ્યાં હતાં. દરમિયાન તેમણે એવો પણ દાવો કર્યો કે સ્ટિવન મેકવાન નામનો એક આરોપી સ્ટેજ પર આગળ બેસેલી મહિલાઓના ખભા પર હાથ રાખીને બોલી રહ્યો હતો કે, “હવે તમારા શરીરમાં ઈસુ ખ્રિસ્તી પ્રવેશી ચૂક્યા છે અને તમારું શરીર પવિત્ર થઈ ગયું છે.” 

હિંદુ સંગઠનના પદાધિકારીએ જણાવ્યું કે તેમણે શરૂઆતના સમયમાં આ બધુ નિરીક્ષણ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે ત્યાં હાજર લોકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હતા અને સ્કૂલના યુનિફોર્મમાં જોવા મળી રહ્યા હતા. હિંદુ સંગઠન અનુસાર, તેમણે ત્યાં હાજર બાળકોને પ્રશ્ન કર્યા હતા કે તેમાંથી હિંદુ કેટલા છે, જે બાદ બે-ચાર લોકોએ હાથ પણ ઊંચા કર્યા હતા. પરંતુ આયોજક ટીમ તરફથી એક ઈશારો મળી જતાં તેમણે હાથ નીચે કરી દીધા હતા અને તે જ સમયે જાણીજોઇને હૉલની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. 

પટેલે વધુ માહિતી આપતાં જણાવ્યું કે આ દરમિયાન એક વિદ્યાર્થીથી એવું બોલાઈ ગયું કે તેમને ધોળકાથી અહીં ખાસ ‘પ્રેયર’ માટે લાવવામાં આવ્યા છે. જોકે ત્યારબાદ આયોજકોએ બાળકોને બોલતા અટકાવી દીધા હોવાનો આરોપ છે. સંગઠન અનુસાર, તેમણે આયોજકોને ધર્માંતરણની ગતિવિધિઓ થતી હોવાના પ્રશ્નો પૂછ્યા પણ તેમણે ‘આવું કશું નથી થતું’ કહીને ગોળગોળ જવાબ આપ્યા હતા.. 

આ ઘટના બાદ આયોજકોએ કાર્યક્રમ બંધ કરી દીધો હતો અને લાઇટો પણ બંધ કરાવી દીધી હતી. હિંદુ સંગઠનોએ મેઇન ગેટ પર પણ પોતાના માણસો બેસાડી રાખ્યા હતા, જેથી પોલીસના આવ્યા પહેલાં કોઈ ભાગી શકે નહીં. પરંતુ આયોજકોએ સંગઠનની જાણ બહાર પાછળના દરવાજેથી તમામ લોકોને ભગાડી દીધા હોવાનો આરોપ છે. 

કાર્યકર્તાઓ પર કાર ચડાવવાનો થયો પ્રયાસ- હિંદુ સંગઠન

પટેલે વધુમાં જણાવ્યું કે હોટેલની નીચે પણ સંગઠનના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા અને ભાગી રહેલા લોકોને અટકાવવામાં આવી રહ્યા હતા, પરંતુ કાર્યકર્તાઓને ધક્કા મારીને તેઓ ભાગી ગયા હતા. પટેલે આરોપ લગાવતા કહ્યું કે, આ દરમિયાન આરોપીઓએ કાર્યકર્તાઓ પર કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો. એક સ્કૂલના શિક્ષક પણ ત્યાં હાજર હતા અને તેઓ પણ આ ઘટના બાદ ભાગી ગયા હતા. હિંદુ સંગઠનોએ આરોપ લગાવ્યા કહ્યું છે કે જો તેઓ માત્ર ‘ખાસ પ્રેયર’ કરવા માટે જ એકઠા થયા તો ભાગવાની કોઈ જરૂર જ નહોતી. પટેલના જણાવ્યા અનુસાર, તેમણે આ તમામ ગતિવિધિઓ અને ઘટનાના વિડીયો રેકોર્ડ કર્યા છે. ઑપઇન્ડિયા પાસે પણ આ તમામ વિડીયો ઉપલબ્ધ છે.

કેયૂર પટેલે આગળ જણાવ્યું કે, 28 ઑગસ્ટની રાત્રે લગભગ 9:30ના સમય આસપાસ તેઓ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને PI-PSIની ઉપસ્થિતિમાં તેમણે આ ઘટનાની અરજી પણ આપી હતી. હિંદુ સંગઠનનો આરોપ છે કે, અરજી આપ્યાની ઘટનાને 14 દિવસ થઈ ચૂક્યા, તેમ છતાં પોલીસ પ્રશાસન તરફથી એકપણ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમણે તમામ પુરાવા, વિડીયો, સીસીટીવી અને રેકોર્ડીંગ પોલીસને આપ્યા હતા પણ તેઓ કહી રહ્યા હતા કે, “આમાં કોઈ ધર્માંતરણની ગતિવિધિ જેવું નથી દેખાઈ રહ્યું.” 

હિંદુ સંગઠને કહ્યું કે, તે સમયે તો પોલીસ પ્રશાસન તરફથી કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, પણ તે ઘટનાના 14 દિવસ બાદ બીજી વખત ધર્માંતરણના આરોપો સામે આવ્યા હતા અને આ વખતે પણ તે જ આરોપીઓ હોવાનું સામે આવ્યું હતું. હિંદુ સંગઠને કહ્યું કે, જો 14 દિવસ પહેલાં અરજીના આધારે પોલીસે કાર્યવાહી કરી હોત તો આ બીજી ઘટના સામે ન આવી શકી હોત.

સંગઠને કહ્યું કે, તેમણે પોલીસને આયોજનમાં સામેલ દરેક વ્યક્તિના નામ પણ કહ્યા હતા. જેમાં સ્ટિવન મેકવાન, કૃણાલ ભાનુભાઇ મકવાણા, કાળુભાઈ ઉપેન્દ્રભાઈ શ્રોફ (આયોજક) અને અર્ચિતાબેન મકવાણાનો સમાવેશ થતો હતો.

હિંદુ સંગઠનની આંદોલનની ચીમકી, પોલીસ પાસે નથી કોઈ જવાબ!

સંગઠનના માણસોનો આરોપ છે કે નડિયાદ પોલીસે પહેલી અરજી પર હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ નથી ધરી. પટેલે કહ્યું કે, જો તે અરજી પર કોઈ કાર્યવાહી કે તપાસ હાથ ધરવામાં નહીં આવે તો હિંદુ સંગઠનો કલેકટરને આવેદન આપીને ઉગ્ર આંદોલન કરશે. હિંદુ સંગઠનની માંગણી છે કે સરકાર આ દિશામાં વધુ ધ્યાન આપે અને કડકમાં કડક કાર્યવાહી કરે, જેથી આવી ગેરકાયદે ગતિવિધિઓ બંધ થાય. જોકે સંગઠનોએ પોલીસ સ્ટેશનમાં RTI અરજી આપીને જવાબ માંગ્યો છે કે 14 દિવસ વીતી ગયા બાદ પણ તે ઘટનાને લઈને કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી. 

હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ 14 દિવસ પહેલાં જે પોલીસ અધિકારી PI વાઘેલાને અરજી આપી હતી, તેમણે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ગોળગોળ વાત કરીને અંતે તેવો જવાબ આપી દીધો કે, કેસની તપાસ DySP કરી રહ્યા છે, તેથી તેમને કોઈ બાબતની જાણ નથી. જોકે, શરૂઆતમાં PI વાઘેલાએ હિંદુ સંગઠનોએ અરજી આપી હોવાની વાતનો જ ઇનકાર કરી દીધો હતો, પણ બાદમાં સ્વીકાર્યું હતું અને સ્વબચાવમાં કહેવા લાગ્યા હતા કે કાર્યવાહી ચાલુ જ છે.

બાદમાં PIએ એવી વાત કરી હતી કે અરજી બાદની તપાસમાં ધર્માંતરણની કોઈ હકીકત સામે આવી નહોતી એટલે FIR નહોતી નોંધી. જે બાદ અમે પૂછ્યું કે તો હાલની ઘટના પર FIR નોંધાઈ ચૂકી છે તો તેની હકીકત સામે આવી ગઈ હોવી જોઈએ. જેના જવાબમાં ફરી PI ગોળગોળ વાત કરવા લાગ્યા અને કહ્યું કે, એ તપાસ તેઓ કરી રહ્યા નથી, એટલે ખ્યાલ નથી. અંતે તો તેમણે એવું કહી દીધું કે, “અમારા પોલીસ સ્ટેશનમાં FIR નથી થઈ, FIR નડિયાદ પશ્ચિમમાં થઈ છે, એટલે ખ્યાલ નથી.” 

ત્યારબાદ નડિયાદ પશ્ચિમના PI ચૌધરી સાથે પણ આ ઘટનાને લઈને વાત કરવામાં આવી હતી. તેમણે પણ એવી જ વાત કરી હતી, જે વાત અગાઉ PI વાઘેલા કરી ચૂક્યા હતા. ટૂંકમાં પોલીસ પાસે એ બાબતનો કોઈ જવાબ નહોતો કે, 28 ઑગસ્ટના રોજ મળેલી અરજી પર પોલીસે કોઈ કાર્યવાહી કેમ નહોતી કરી. હાલ પણ પોલીસ આવી જ ગોળગોળ વાત કરી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં