આગામી ઉપરાષ્ટ્રપતિ (Vice President Election) ચૂંટવા માટે દિલ્હીમાં મતદાન થઈ રહ્યું છે. સંસદનાં બંને ગૃહના (લોકસભા અને રાજ્યસભા) સાંસદો આ ચૂંટણીમાં મતદાન કરશે. NDA તરફથી તમિલનાડુના ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન ઉમેદવાર છે તો વિપક્ષે સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને ઉતાર્યા છે.
મંગળવારે (9 સપ્ટેમ્બર) દિવસભરના મતદાન બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણના બાદ પરિણામો જાહેર કરી દેવાશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે તે વિસ્તૃત રીતે અગાઉ ઑપઇન્ડિયાના એક લેખમાં જાણ્યું (અહીં ક્લિક કરીને વાંચી શકાશે). હવે એ જાણીએ કે આ ચૂંટણીમાં કોની પાસે કેટલા આંકડા છે.
NDA પાસે સ્પષ્ટ બહુમતી
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈલેક્ટોરલ કોલેજની સ્ટ્રેન્થ હાલ 781 સાંસદોની છે. જેમાંથી 542 લોકસભાના સાંસદો છે અને 239 રાજ્યસભાના. લોકસભામાં એક બેઠક ખાલી પડેલી છે. રાજ્યસભામાં 6 બેઠકો ખાલી છે. બહુમતી માટે 391 મતની જરૂર છે. એટલે કે જે ઉમેદવારને 391 કે તેથી વધુ મત મળે તે વિજેતા ઘોષિત થશે.
આ ચૂંટણીમાં સંખ્યાબળ સ્પષ્ટ રીતે ભાજપ ગઠબંધન પાસે વધુ છે. NDA પાસે લગભગ 422 સાંસદોનું સમર્થન છે, જે બહુમતીના આંકડા કરતાં અનેક વધારે છે. આંધ્રપ્રદેશના પ્રાદેશિક પક્ષ YSRCPએ NDA ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. આ પાર્ટીના બંને ગૃહમાં થઈને કુલ 11 સાંસદો છે. જેથી તે પણ ઉમેરીએ તો આંકડો 430 પાર નીકળી જશે. જેથી NDAને હવે અન્ય પાર્ટીઓનું સમર્થન ન પણ મળે તોપણ સીપી રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત છે.
બીજી તરફ INDI ગઠબંધનની વાત કરવામાં આવે તો તેમની પાસે 300થી 324 સાંસદોનું સમર્થન છે. અપક્ષ અને અન્ય અમુક નાના પક્ષોનું સમર્થન મળી રહે તોપણ INDI ગઠબંધન ઉમેદવાર બહુમતી સુધી પહોંચી શકે તેમ નથી. બીજી તરફ NDA પાસે સ્પષ્ટ બહુમતી છે.
BJD, BRS, અકાલી દળ નહીં કરે મતદાન
આ ચૂંટણીમાં નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળે મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. જે એક રીતે NDA માટે લાભદાયી નીવડશે અને INDI ગઠબંધનને નુકસાન જશે. કારણ એ છે કે NDA પાસે પહેલેથી જ બહુમતી છે. તેમને વધુ સમર્થનની જરૂર નથી. આ જ રીતે તેલંગાણાની પાર્ટી BRSએ પણ મતદાન ન કરવાની ઘોષણા કરી છે. તેમની પાસે ચાર સાંસદો છે. અકાલી દળે પણ મતદાન ન કરવાનો નિર્ણય કર્યો છે.
આ સિવાય અપક્ષ ઉમેદવારો, ઉત્તર પૂર્વની અમુક પાર્ટીઓ મળીને દસેક મત થાય છે. તેઓ ફાઇનલ ટેલીમાં આમતેમ કરી શકે, પરંતુ પરિણામ પર અસર થઈ શકશે નહીં. કુલ મળીને NDA ઉમેદવાર 435થી 440 મતોથી વિજેતા બની શકે તેમ છે. INDI ગઠબંધનના ઉમેદવારને 320 આસપાસ મત મળી શકે.
2022માં જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી ત્યારે NDA તરફથી જગદીપ ધનખડ ઐતિહાસિક 528 મતથી વિજેતા બન્યા હતા. જ્યારે વિપક્ષ ઉમેદવાર માર્ગરેટ આલ્વાને માત્ર 182 મત મળી શક્યા હતા. હવે જોકે વિપક્ષ પાસે સંખ્યાબળ થોડું વધુ છે, પરંતુ ચૂંટણી જીતી શકે તેટલું હાલ પણ નથી.


