હોમપેજગુજરાતશંકરસિંહ વાઘેલાની સરદાર પટેલ-રજવાડા પરની તુલનાત્મક ટિપ્પણી કેમ ગુજરાત માટે ચિંતાજનક?

શંકરસિંહ વાઘેલાની સરદાર પટેલ-રજવાડા પરની તુલનાત્મક ટિપ્પણી કેમ ગુજરાત માટે ચિંતાજનક?

જરૂરી છે કે, ગુજરાતનો પાટીદાર અને રાજપૂત સમુદાય એ વાતને સમજે કે આવા ભાગલા પાડવા પાછળ કોણ છુપાયેલું છે. કોઈ એક નેતાનું નિવેદન તો માત્ર બહાનું છે, પણ મોટું જોખમ એ છે કે, પાછળ આખી ઇકોસિસ્ટમ ભયાનક રમત રમી છે.

- Advertisement -

બાળપણમાં પંચતંત્રની વાર્તાઓ ખૂબ સાંભળી. શિક્ષક અભ્યાસ શરૂ કરાવતા પહેલાં આવી બધી વાર્તાઓ કહેતા રહેતા, જેથી બાળકોમાં વ્યવહારુ જ્ઞાનનું પણ સિંચન થાય. તેમાં એક શિયાળની વાર્તા બાળકોને ખૂબ ગમતી. વાર્તા એવી હતી કે, એક ચાલાક શિયાળ પોતાના હિતો સાધવા માટે જંગલના અન્ય પ્રાણીઓ અને પશુપક્ષીઓ વચ્ચે વિખવાદ ઊભો કરે. વિખવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે અને અંતે તે શિયાળ પોતાના હિતો સાધવામાં સફળ રહે. વાર્તા પૂરી થયા બાદ શિક્ષક બોધપાઠ આપતા. તેઓ કહેતા કે, કોઈ બીજાની વાતમાં આવી જઈને અંદરોઅંદર બખાળા લેવા કરતાં એક વખત સત્યની તપાસ કરી લેવી સારી. 

પંચતંત્રની આ નાનકડી, બાળકો માટેની વાર્તાને જો વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો સમાજ માટે તે ઘાતક બની શકે છે. માનવ સમાજ એકબીજા સાથે ગૂંથાયેલો છે. હજારો સમુદાયો એકબીજા પર નિર્ભર છે અને સમાજમાં સાથે રહીને કામ કરે છે. પરંતુ, ચાલાક શિયાળ જેવા કેટલાક પાત્રો સમાજમાં તકરાર ઊભી કરીને પોતાના અંગત હિતો સાધતાં રહે છે. તાજેતરના ઇતિહાસમાં આ ચાલાક શિયાળને અંગ્રેજો સાથે સરખાવી શકાય. તે એક સમુદાયને બીજા સમુદાય સાથે લડાવીને પોતાની સત્તા ભોગવતા રહ્યા. 

આવું જ કઈક હવે ગુજરાતમાં પણ થવા લાગ્યું છે. ગુજરાતમાં એક આખી ઇકોસિસ્ટમ આ કામ પાર પાડવા માટે મેદાનમાં ઉતરી આવી છે. આ ઇકોસિસ્ટમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇકોસિસ્ટમનો એક ભાગ છે. તે કોઈપણ ભોગે બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ઊભું કરીને પોતાના અંગત હિતો સાધવાના પ્રયાસોમાં લાગી રહી છે. જોકે, તેને સફળતા નથી મળી રહી છે એ અલગ વાત છે. 

- Advertisement -

શંકરસિંહ વાઘેલાનું નિવેદન

હમણાં ગુજરાતના એક જાણીતા નેતા શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું. જેમાં તેઓ કહી રહ્યા હતા કે, દેશનાં લગભગ 50% રજવાડા ગુજરાતમાં હતા. આગળ તેમણે દાવો કરતા કહ્યું કે, જો રજવાડાએ પોતાના રાજ્ય ન આપ્યા હોત તો સરદાર પટેલ મહાન ન બન્યા હોત. તેમણે એવું પણ કહ્યું કે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જો પ્રથમ રાજ્ય અર્પણ ન કર્યું હોત તો સરદાર પટેલ મહાન ન બન્યા હોત. 

તેમણે આ નિવેદન SOUના (સ્ટેચ્યૂ ઑફ યુનિટી) પરિસરમાં રજવાડા માટેના મ્યુઝિમની માંગણીને લઈને આપ્યું હતું. તેમણે ક્ષત્રિય સમાજને સંબોધીને કહ્યું હતું કે, હવે સમાજે આ બાબતે વિચારવું જોઈએ. તેમણે દલીલ કરી કે, જેમણે રજવાડા આપ્યા અને દેશને બધુ અર્પણ કરી દીધું એમની 10-12 ફૂટની પ્રતિમાઓ તો મ્યુઝિમમાં મૂકવી જોઈએ. 

શંકરસિંહ વાઘેલાનું આ નિવેદન એક રીતે ઐતિહાસિક વિશ્લેષણ લાગી શકે, પરંતુ તેનાથી ગુજરાતના મુખ્ય બે સમુદાયો- પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે તકરાર પણ ઊભી થઈ શકે છે. સરદાર પટેલ કેમ મહાન હતા અને કૃષ્ણકુમારસિંહજી કેમ મહાન હતા, એ અલગ ચર્ચાનો વિષય છે. ઇતિહાસમાં બંનેના યોગદાનનું સ્થાન અનન્ય અને બેજોડ છે. પરંતુ, આવા તુલનાત્મક નિવેદનો સમાજમાં ભાગલા પાડવાનું કામ કરે છે. 

સમજવાની વાત એ છે કે, સરદાર પટેલ અને રજવાડાના રાજવીઓ બંને મહાન હતા. સાચો ઇતિહાસ કોઈ એકના કારણે અન્ય મહાન હોવાનો દાવો નથી કરતો. દેશ માટે સરદાર પટેલનું યોગદાન પણ અદ્વિતીય છે અને કૃષ્ણકુમારસિંહજી જેવા મહાન રાજવીઓની ભૂમિકા પણ ઐતિહાસિક છે. બંનેનું સ્થાન પોતપોતાના પ્રાસંગિક સંદર્ભમાં યોગ્ય છે. 

સરદાર પટેલે કુનેહથી દેશના વિભિન્ન ખંડોને જોડીને અખંડ ભારત બનાવવામાં ઉમદા યોગદાન આપ્યું છે. રાજાઓ-રજવાડાઓ સાથે વાટાઘાટો કર્યા છે અને કેટલાક રજવાડા સામે આક્રમક પણ બન્યા છે. આ તમામ પ્રયાસો તેમણે માત્ર ભારતની અખંડિતતાને શક્તિશાળી બનાવવા માટે કર્યા છે, તેથી બેશક સરદાર પટેલ મહાન છે. પણ એનો અર્થ એ નથી થતો કે, પોતાનું સર્વસ્વ દેશને અર્પણ કરનારા રાજવીઓ મહાન નહોતા. 

દેશને અખંડ બનાવી લોકતાંત્રિક શાસન સ્થાપિત કરવા માટે પળવારનો વિચાર કર્યા વગર તુલસીપત્ર પર પોતાના 1,800 પાદર દેશને અર્પણ કરનારા કૃષ્ણકુમારસિંહજી અને તેમની જેવા અન્ય રજવાડાના રાજવીઓ પણ મહાન હતા. કારણ કે, તેમણે રજવાડા ન આપ્યા હોત તો આ શક્ય ન બન્યું હોત. દેશને એક કરવામાં સરદાર પટેલ અને રાજવીઓ બંનેનું યોગદાન છે અને બંને મહાન છે. જો બંને પાત્રોમાંથી કોઈ એકે કાર્ય ન કર્યું હોત તો આજે સ્થિતિ આવી ન હોત. 

કહેવાનું માત્ર એટલું કે, તાળી હંમેશા બે હાથે પડે છે. દેશને એક કરવામાં પણ ઘણી વ્યક્તિઓના યોગદાન છે. જેમાં સરદાર પટેલ અને રજવાડા મુખ્ય છે. તેથી તુલનાત્મક નિવેદનો આપીને રાજ્યના બે સમુદાયો વચ્ચે તકરાર ઊભી કરવી ક્યારેય યોગ્ય ગણી શકાય નહીં. 

ઇકોસિસ્ટમના ટાર્ગેટ પર ગુજરાત

છેલ્લા કેટલાક સમયથી એક આખી ઇકોસિસ્ટમ ગુજરાતને ડામાડોળ કરવાના મલિન ઈરાદા સાથે ઉતરી આવી છે. આ ઇકોસિસ્ટમ અંગ્રેજોના ‘ભાગલા પાડો અને રાજ કરો’ના સિદ્ધાંત પર ચાલતી જોવા મળી રહી છે. દેશમાં પણ આવી જ સ્થિતિ છે. હિંદુઓના વિવિધ સમુદાયો વચ્ચે તકરાર ઊભી કરવામાં આવે છે અને તેનાથી અંગત સ્વાર્થ સાધવામાં આવે છે. દલિતોને બ્રાહ્મણોની વિરુદ્ધ ભડકાવવામાં આવે છે અને યાદવોને રાજપૂતોની વિરુદ્ધ. 

કોઈક જગ્યાએ તો વળી ભાષાના આધારે વિભાજન ઊભું કરવાના સ્પષ્ટ પ્રયાસો કરવામાં આવે છે. આવા જ પ્રયાસો ગુજરાતમાં પણ ઘણા સમયથી શરૂ થયા છે. જોકે, ગુજરાતમાં ભાષાના આધારે વિભાજન કરવું શક્ય નથી. તેથી ગુજરાતના બે અગ્રણી સમુદાયો – પાટીદારો અને રાજપૂતોને અંદરોઅંદર લડાવવાના કાવતરા ઘડવામાં આવી રહ્યા છે. આવું ઘણા વર્ષોથી થતું આવ્યું છે, પણ તેમાં ઇકોસિસ્ટમને ધારી સફળતા નથી મળી શકી. 

મોદીના ગયા બાદ તક ઝડપીને ઇકોસિસ્ટમે ગુજરાતને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. તેનો મુખ્ય ‘ધંધો’ બે અગ્રણી સમુદાયોને અંદરોઅંદર લડાવીને પોતાના હિતો સાધવાનો છે. આજે સૌ કોઈ જાણે છે કે, વર્ષોથી ગુજરાતમાં પાટીદાર સમુદાય અને રાજપૂત સમુદાયનું વર્ચસ્વ રહ્યું છે. આ બંને સમુદાયોને આંતરિક વિગ્રહમાં ધકેલી દઈને સરકાર સામે ઊભા કરવાના સ્પષ્ટ પ્રયાસો ઇકોસિસ્ટમ કરી રહી છે. 

તેના ઉદાહરણ જોવા હોય તો 2015નું પાટીદાર આંદોલન અને 2024નું ક્ષત્રિય આંદોલન સામે છે. ઇકોસિસ્ટમમાં ભાગ ભજવતા લોકો કોઈ એક સમુદાયને ઊતરતો દર્શાવીને બીજા વિરુદ્ધ ઉશ્કેરવાનું કામ કરે છે અને પરિણામે બંને સમુદાયો સામસામે આવી જાય છે. જેની સીધી અસર રાજ્યની શાંતિ અને સુરક્ષા પર પડે છે. રાજ્ય અરાજકતાનો ભોગ બને છે અને અંતે સરકાર બેકફૂટ પર જાય છે. પણ આખરે નુકસાન માત્ર હિંદુ સમાજની એકતાને થાય છે. 

આમ પણ ગુજરાતમાં રાજપૂત અને પાટીદારો વચ્ચેનો સંબંધ કાયમ સંવેદનશીલ રહ્યો છે, તેમ છતાં બંને સમુદાયોએ સાથે રહીને રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ગુજરાતનો ઇતિહાસ એકતા અને સહકારનો છે. પાટીદારોએ ખેતી, વેપાર અને ઉદ્યોગમાં તો ક્ષત્રિયોએ શાસન અને નેતૃત્વમાં પોતાનું યોગદાન આપ્યું છે. આ બંને અગ્રણી સમુદાયો અન્ય સમાજોની જેમ ગુજરાતની પ્રગતિના આધારસ્તંભ રહ્યા છે. પણ હવે તે બંને વચ્ચે વિવાદ ઊભો કરીને પોતાના મનસૂબા પાર પાડવાનો ખેલ ચાલી રહ્યો છે. 

આજે જરૂરી છે કે, ગુજરાતનો પાટીદાર અને રાજપૂત સમુદાય એ વાતને સમજે કે આવા ભાગલા પાડવા પાછળ કોણ છુપાયેલું છે. આ ઇકોસિસ્ટમના મલિન ઈરાદા સામે સમુદાયો એક રહીને જ જવાબ આપી શકે છે. કારણ કે ગુજરાતની સાચી શક્તિ હંમેશા એકતામાં રહી છે, વિભાજનમાં નહીં.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં