દિલ્હી હાઇકોર્ટે મંગળવારે (2 સપ્ટેમ્બર) એક ચુકાદો આપીને દિલ્હીનાં 2020નાં હિંદુવિરોધી રમખાણો મામલે જેલમાં બંધ ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્ય સાત વ્યક્તિઓની જામીન અરજી ફગાવી દીધી. ખાસ કરીને ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ વિશે કોર્ટે કહ્યું કે બંનેએ ટોળાં એકઠાં કરવામાં, કાવતરાં ઘડવામાં અને રમખાણો કરાવવામાં મોટી ભૂમિકા ભજવી હોવાના પ્રથમ દ્રષ્ટ્યા પુરાવાઓ ઉપલબ્ધ છે.
કોર્ટે બંનેની જામીન અરજી ફગાવતાં એ પણ સ્પષ્ટતા કરી કે હાલ તેઓ કેસનાં મેરિટ્સ પર જઈ રહ્યા નથી પરંતુ તેનો અર્થ એ પણ નથી કે આ બંનેને અન્ય આરોપીઓ સાથે સરખાવવામાં આવે, જેઓ આ કેસમાં અગાઉ જામીન લઈ ચૂક્યા છે. કારણ કે બંનેએ આ કેસમાં જે ભૂમિકા ભજવી હતી તેની ગંભીરતા અન્ય આરોપીઓ (જેઓ જામીન પર મુક્ત છે) કરતાં અનેકગણી વધારે છે.
હાઇકોર્ટે ચુકાદામાં નોંધ્યું કે ડિસેમ્બર 2019માં સંસદે સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલ પસાર કર્યા બાદ ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ જ હતા જેમણે વિરોધીમતનો પ્રચાર કરવાનો શરૂ કર્યો હતો. વોટ્સએપ ગ્રુપ બનાવ્યાં હતાં, મુસ્લિમ બહુલ વિસ્તારોમાં પેમ્ફલેટ વહેંચ્યાં હતાં અને ચક્કાજામ અને વિરોધ પ્રદર્શનો કરવા માટે મુસ્લિમોને ઉશ્કેરવાનું શરૂ કરી દીધું હતું. કોર્ટે એમ પણ કહ્યું કે, તેઓ સતત એવો અપપ્રચાર કરી રહ્યા હતા જેથી લોકોના મનમાં એવું ઠસાવી શકાય કે CAA મુસ્લિમવિરોધી કાયદો છે.
કોર્ટે કહ્યું– ભાષણોને સામાન્ય ભાષણ તરીકે જોવાં ન જોઈએ
કોર્ટે ખાલિદ અને ઇમામે જે ભાષાનો આપ્યાં હતાં તેનો પણ ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે જ્યારે અન્ય તથ્યો અને સામગ્રીને જોડવામાં આવે તો જાણવા મળે છે આ ભાષણો સામાન્ય રાજકીય ભાષણો ન હતાં. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે ઇમામ અને ખાલિદ આ આખા ષડ્યંત્ર પાછળ મુખ્ય મગજ તરીકે કામ કરતાં હતાં અને અન્ય આરોપીઓ સાથે મળીને સમગ્ર ષડ્યંત્ર પાર પાડવામાં આવ્યું હતું.
બંનેનાં ભાષણો જોઈને કોર્ટે નોંધ્યું કે પ્રથમ દૃષ્ટિએ તેનાથી એ સ્પષ્ટ જણાય છે કે બંનેની આ ષડ્યંત્રમાં પૂરેપૂરી ભૂમિકા રહી છે. કોર્ટને એ પણ જણાવવામાં આવ્યું હતું કે આ ભાષણોને અલગથી જોવા કરતાં એક મોટા પરિપેક્ષમાં જોવાનાં રહે છે.
શરજીલ ઈમામના બચાવમાં કોર્ટમાં દલીલો રજૂ કરવામાં આવી હતી કે તેને જાન્યુઆરી 2020માં જ પકડી લેવામાં આવ્યો હતો, જેથી ફેબ્રુઆરીમાં રમખાણો થયાં ત્યારે તે જેલમાં હતો અને તેને જવાબદાર ઠેરવી શકાય નહીં. ઉમર ખાલિદ વિશે કહેવામાં આવ્યું કે રમખાણો થયાં ત્યારે તે એક પણ સ્થળ પર હાજર ન હતો. પરંતુ કોર્ટે આ દલીલો ગ્રાહ્ય ન રાખી.
આરોપીઓ સ્થળ પર હાજર હોય કે ન હોય, પ્લાનિંગ પહેલાં થઈ ગયું હતું
કોર્ટે કહ્યું કે, આરોપીઓ સ્થળ પર હાજર હોય કે ન હોય એ મુદ્દો જ નથી, કારણ કે શરૂઆતનું પ્લાનિંગ, ગ્રુપો બનાવવાં, સમગ્ર ષડ્યંત્ર પર પાડવું, CAA-NRC વિશે ઉશ્કેરણી કરવી… આ બધું પહેલેથી જ પ્લાન થઈ ચૂક્યું હતું અને તેમાં આ બંનેની જ મૂળ ભૂમિકા રહી હતી.
જામીન ફગાવતાં કોર્ટે કહ્યું કે, તેઓ કેસના આરોપોના મેરિટ્સ પર કે પુરાવાઓના વિસ્તૃત વિશ્લેષણ પર જઈ રહ્યા નથી, પરંતુ જામીન સમાનતાના આધારે ન આપી શકાય. અન્ય અમુક આરોપીઓને જામીન મળ્યા છે, પરંતુ ખાલિદ અને ઇમામને ન મળી શકે, કારણ કે તેમની ભૂમિકા આ કેસમાં અલગ છે. પ્લાનિંગ અને લીડરશીપ લેનારને અન્ય આરોપીઓ સાથે ન સરખાવી શકાય તેવું કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.
ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ બંને પાંચ વર્ષથી જેલમાં બંધ છે. 2020નાં રમખાણોનું કાવતરું ઘડવા મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. બંનેએ ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ રદ થઈ હતી. હાઇકોર્ટે પણ જામીન ફગાવ્યા છે.


