25-26 ઑગસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે હતા. બંને દિવસે જુદા-જુદા કાર્યક્રમોમાં તેમણે રાજ્યને ₹5 હજારથી વધુનાં વિકાસકામોની ભેટ આપી. 26 ઑગસ્ટના રોજ તેમણે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી કંપનીની મુલાકાત લીધી, એ કાર્યક્રમની દેશ અને દુનિયામાં નોંધ લેવાઈ. અહીં પીએમ મોદીએ ‘Maruti E-Vitara’ કારને લીલી ઝંડી બતાવી અને બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું. મારુતિ E-વિટારા મારુતિ કંપનીની પહેલી BEV કાર છે અને વડાપ્રધાન મોદીએ તેને વિદેશમાં ઇમ્પોર્ટ કરવા માટે ફ્લેગ ઑફ કરી છે. હવે મારુતિ તેનું ઉત્પાદન ચાલુ કરશે.
સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી સાથે ભારતમાં બનેલી આ કાર જાપાન સહિતના વિશ્વના લગભગ 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. ઑટોમોબાઇલ હબ બનવા તરફ આ ગુજરાતનું પ્રથમ પગલું ગણવામાં આવી રહ્યું છે.
આ લેખમાં BEV અને અન્ય ઇલેક્ટ્રિક વ્હીકલના પ્રકારો વિશે ચર્ચા કરીએ.
શું હોય છે EV?
EV એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ. જે વાહન ઇલેક્ટ્રિસિટીથી ચાલે એ EV. આજે દુનિયા ઝડપથી ગ્રીન મોબિલિટી તરફ આગળ વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા, પ્રદૂષણ ઓછું કરવા અને ઉર્જા સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલને ભવિષ્યના વિકલ્પ તરીકે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભારતમાં ટાટા, મહિન્દ્રા, MG, હ્યુન્ડાઇ અને હવે મારુતિ સુઝુકી જેવી કંપનીઓ EV પ્રોડક્શનના મેદાનમાં ઉતરી ચૂકી છે. પરંતુ EVનો અર્થ માત્ર એક પ્રકારની કાર તરીકે જ નથી થતો.
EVના પ્રકારો
ઇલેક્ટ્રિક વાહનોને તેની ટેકનોલોજી અને પાવર સોર્સના આધારે મુખ્ય ચાર પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. 1- બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV), 2- પ્લગ-ઇન હાઇબ્રીડ ઇલેક્ટ્રિક વાહન (PHEV), 3- હાઇબ્રીડ ઇલેક્ટ્રિક વાહન (HEV) અને 4- ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વાહન (FCEV). આ તમામ પ્રકારનાં વાહનોને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) કહેવામાં આવે છે, પરંતુ દરેક વાહનોની કામ કરવાની પદ્ધતિ અને ટેકનોલોજી અલગ છે. આપણે વિગતે સમજવા પ્રયાસ કરીએ.
BEV (Battery Electric Vehicle)
BEVને ઓલ-ઇલેક્ટ્રિક વ્હીકલ (AEV) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાહન સંપૂર્ણપણે બેટરીથી ચાલે છે. આ કારમાં કોઈ પેટ્રોલ-ડીઝલ એન્જિન હોતું જ નથી. એટલે આ કારને માત્ર બેટરી પર જ ચલાવી શકાય છે. આ વાહનો રિચાર્જેબલ લિથિયમ-આયન બેટરી પેકથી ચાલે છે, જેને ઘરેલુ ચાર્જર અથવા તો પબ્લિક ચાર્જિંગ સ્ટેશન પર જઈને ચાર્જ કરી શકાય છે. આવા વાહનોની વિશેષતા એ છે કે, તે શૂન્ય પ્રદૂષણ ધરાવે છે. એટલે કે, તેનાથી પ્રદૂષણ નથી થતું અને બીજી વિશેષતા એ છે કે, પેટ્રોલ-ડીઝલ જેવાં ઈંધણના પૈસા બચે છે.
વધુમાં આધુનિક BEV, જેમ કે Tesla Model S અથવા Ford Mustang Mach-E એક ચાર્જમાં 300 માઇલથી વધુની રેન્જ આપે છે. આ વાહનો લેવલ 1 (110/120V), લેવલ 2 (220/240V), અથવા લેવલ 3 (DC ફાસ્ટ ચાર્જર) દ્વારા ચાર્જ થાય છે. ફાસ્ટ ચાર્જર 30 મિનિટથી ઓછા સમયમાં 80% ચાર્જ કરી શકે છે.
PHEV (Plug-in Hybrid Electric Vehicle)
આ વાહન BEVથી અલગ પડે છે. કારણ કે, તેમાં ઈંધણ અને બેટરી બંનેનો વિકલ્પ આપવામાં આવે છે. જોકે, તેની બેટરીને પ્લગ-ઇન કરીને ચાર્જ કરવી પડે છે. આ કાર ટૂંકાગાળાના અંતર માટે બેટરી પર ચલાવી શકાય છે. 30-80 કિલોમીટર સુધી તે બેટરી પર ચાલી છે. પરંતુ, લાંબા અંતરની મુસાફરી દરમિયાન તેમાં ઈંધણ પૂરવું જરૂરી બની રહે છે. તેમાં એક સિસ્ટમ એવી પણ છે કે, જેવી બેટરી ખતમ થાય કે તરત જ તે ઈંધણ પર ચાલવાનું શરૂ કરી દે છે.
તેની વિશેષતા એ છે કે, શહેરમાં ડ્રાઈવ કરતી વખતે બેટરી દ્વારા તેનો ઉપયોગ થઈ શકે છે અને લાંબા અંતરની મુસાફરી માટે તેમાં ઈંધણ પુરાવી શકાય છે. જોકે, આ વાહનો એકંદરે મોંઘા હોય છે અને મેન્ટેનન્સમાં પણ વધુ ખર્ચો થાય છે.
HEV (Hybrid Electric Vehicle)
હાઇબ્રીડ ઇલેક્ટ્રિક વ્હીકલમાં પણ બેટરી અને એન્જિન બંનેનો વિકલ્પ હોય છે. આમાં ખાસ વાત એ છે કે, તેની બેટરી નાની હોય છે અને વાહન ચલાવતી વખતે તે એન્જિન દ્વારા જ ચાર્જ પણ થઈ જાય છે. તેના માટે કોઈ અલગથી પ્લગ-ઇન કરવાની જરૂર નથી. જોકે, તે બેટરી પર ખૂબ ઓછા અંતર સુધી જ ચાલી શકે છે અને તેના કારણે થોડું ઓછું પણ પ્રદૂષણ તો થાય જ છે.
FCEV (Fuel Cell Electric Vehicle)
આ પ્રકારનાં વાહનો હાઈડ્રોજન ફ્યુઅલ સેલનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરે છે અને તે વીજળી એન્જિનને પાવર આપે છે. આ વાહનની વિશેષતા એ છે કે હાઈડ્રોજનને ટેન્કમાં ભરવામાં આવે છે, જે ગેસ સ્ટેશનની જેમ ઝડપથી રિફિલ થઈ શકે છે. આ વાહનથી પણ પ્રદૂષણ નથી થતું અને રેન્જ પણ લાંબાગાળાની મળી શકે છે. જોકે, તેની એક મર્યાદા એ છે કે, ભારતમાં હાઈડ્રોજન ફ્યુઅલિંગ સ્ટેશન ખૂબ ઓછાં છે. તેથી ભારતમાં તેનો ઉપયોગ હાલ થઈ શકે તેમ નથી.
BEV અને EV વચ્ચે તફાવત શું છે?
BEV અને EV શબ્દ ઘણી વખત એકબીજાના સ્થાને વપરાય છે. તેનો માત્ર એક સૂક્ષ્મ તફાવત એ છે કે, EV એક વ્યાપક શબ્દ છે, જેમાં BEV, PHEV, HEV અને FCEVનો સમાવેશ થાય છે. EV એટલે એક એવું વાહન જે ઇલેક્ટ્રિક પાવરનો ઉપયોગ કરે છે, પછી ભલે તે સંપૂર્ણ ઇલેક્ટ્રિક હોય કે આંશિક. તેથી એ સમજવું જરૂરી છે કે, BEVને પણ EV જ કહેવાય છે. કારણ કે, BEV ઇલેક્ટ્રિક વ્હીકલનો (EV) જ એક પેટા-પ્રકાર છે, જે સંપૂર્ણપણે બેટરી પર ચાલે છે.

સરળ ભાષામાં સમજીએ તો દરેક BEV વાસ્તવમાં EV જ હોય છે. પરંતુ દરેક EV, BEV નથી હોતી. કારણ કે, EVમાં BEV સિવાયનાં હાઇબ્રીડ અને ફ્યુઅલ સેલ વાહનો પણ આવે છે. તેથી BEV પ્રકારનાં વાહનો પણ EVનો જ એક ભાગ છે.
નોંધનીય છે કે, ભારતનો ધ્યેય છે કે 2030 સુધીમાં 30% પેસેન્જર વાહનો અને 70% કોમર્શિયલ વાહનોને ઇલેક્ટ્રિક બનાવવાનો છે. BEV આ ધ્યેયને પૂર્ણ કરવા માટેનો સૌથી સીધો અને સરળ રસ્તો છે. કારણ કે તેમાં પ્રદૂષણ પણ નથી અને અન્ય સમસ્યાઓ પણ નથી. હાલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર પર મોદી સરકાર ઝડપથી કાર્ય કરી રહી છે અને હવે એ પણ સિદ્ધ છે કે આવનારું ભવિષ્ય EVનું હશે.


