હોમપેજદેશ'કમાણી માટે કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચાડી શકાય':સમય રૈના સહિત 5 ઈન્ફ્લુઅન્સર્સને...

‘કમાણી માટે કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચાડી શકાય’:સમય રૈના સહિત 5 ઈન્ફ્લુઅન્સર્સને દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ માફી માંગવાનો સુપ્રીમ આદેશ

જસ્ટિસ બાગચીએ કહ્યું હતું કે, "હાસ્યને સારી રીતે લેવામાં આવે છે અને તે જીવનનો એક ભાગ છે. આપણે આપણી જાત પર હસીએ છીએ. પરંતુ જ્યારે આપણે બીજાઓ પર હસવાનું શરૂ કરીએ છીએ અને સંવેદનશીલતાનું ઉલ્લંઘન કરીએ છીએ... કોઈ સમુદાય પર રમૂજ કરીએ છીએ ત્યારે તે સમસ્યારૂપ બની જાય છે."

- Advertisement -

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કોમેડિયન સમય રૈના અને અન્ય ચાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સને જાહેરમાં માફી માંગવાનો આદેશ આપ્યો છે. આ મામલો રૈનાના યુટ્યુબ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ના એક એપિસોડને લગતો છે, જેમાં તેણે અને અન્ય કોમેડિયન્સે દિવ્યાંગો, ખાસ કરીને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) અને દૃષ્ટિહીનતાથી પીડાતા લોકોની મજાક ઉડાવી હતી. જેની વિરુદ્ધમાં NGO ‘ક્યોર એસએમએ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા’એ અરજી દાખલ કરી હતી.

કોર્ટેની બેન્ચે ત્રણ બાબતો પર સુનાવણી કરી હતી. જેમાં યુટ્યુબર્સ રણવીર અલ્હાબાદિયા અને આશિષ ચંચલાની દ્વારા ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદના સંદર્ભમાં તેમની સામે નોંધાયેલી FIRને એક સાથે જોડવાની માંગ કરતી બે અરજીઓ હતી. આ સિવાય ત્રીજી અરજી SMA ક્યોર ફાઉન્ડેશન (વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંઘ દ્વારા રજૂ કરાયેલ) દ્વારા દાખલ કરાયેલી  હતી.

જાહેરમાં બિનશરતી માફી માંગવાનો આદેશ

આ મામલે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સુનાવણી કરી હતી. બેન્ચે આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે સમય રૈના, વિપુલ ગોયલ, બલરાજ પરમજીત સિંઘ ઘાઈ, સોનાલી ઠક્કર (ઉર્ફે સોનાલી આદિત્ય દેસાઈ) અને નિશાંત જગદીશ તનવરને તેમના યુટ્યુબ ચેનલો અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બિનશરતી જાહેર માફી મૂકવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, કોર્ટે આદેશ આપ્યો કે આ માફી તેમના પોડકાસ્ટ અથવા શોમાં પણ પ્રસારિત થવી જોઈએ.

- Advertisement -

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ ઈન્ફ્લુઅન્સર્સે એફિડેવિટ દ્વારા આ આદેશનું પાલન કર્યું હોવાની પુષ્ટિ કરવી પડશે. બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે આગામી સુનાવણીની તારીખે, તે કોમેડિયનોને શું દંડ કરવો તે અંગે નિણર્ય લેવામાં આવશે. નોંધનીય છે કે આ સુનાવણી દરમિયાન કોમેડિયન્સ કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર હતા. પરંતુ કોર્ટે તેમને આગળની સુનાવણીમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી, જોકે સોનાલી ઠક્કરને ઓનલાઈન હાજરીની છૂટ પહેલાંથી જ આપવામાં આવી હતી.

નોંધનીય છે કે, ગત સુનાવણી દરમિયાન કોર્ટે એટર્ની જનરલ આર. વેંકટરમણીને આ મામલે મદદ કરવા જણાવ્યું હતું અને સોશિયલ મીડિયા કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકા ઘડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ત્યારે આજે એટર્ની જનરલ આર. વેંકટરમણીએ આજે ​​પ્રસ્તાવિત માર્ગદર્શિકાના ડ્રાફ્ટને રેકોર્ડ પર મૂકવા સંમતિ આપી હતી. જોકે, એટર્ની જનરલે એમ પણ કહ્યું હતું કે આવા કન્ટેન્ટને ‘સંપૂર્ણપણે પ્રતિબંધિત’ કરવું અસંભવ છે.

આ અંગે જસ્ટિસ બાગચીએ કહ્યું હતું કે, “હાસ્યને સારી રીતે લેવામાં આવે છે અને તે જીવનનો એક ભાગ છે. આપણે આપણી જાત પર હસીએ છીએ. પરંતુ જ્યારે આપણે બીજાઓ પર હસવાનું શરૂ કરીએ છીએ અને સંવેદનશીલતાનું ઉલ્લંઘન કરીએ છીએ… કોઈ સમુદાય પર રમૂજ કરીએ છીએ ત્યારે તે સમસ્યારૂપ બની જાય છે. આજના કહેવાતા ઇન્ફ્લુએન્સર્સએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. તેઓ વાણીનું વ્યાપારીકરણ કરી રહ્યા છે. તેમની કમ્યુનિટીનો ઉપયોગ કોઈ ચોક્કસ વર્ગની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે ન થવો જોઈએ. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા નથી પરંતુ, વ્યવસાયિક વાણી છે.”  

શું છે સમગ્ર મામલો?

આ મામલો ‘ક્યોર એસએમએ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા’ નામક એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો છે. આ એનજીઓએ આરોપ લગાવ્યો હતો કે સમય રૈના અને અન્ય કોમેડિયન્સે તેમના શોમાં દિવ્યાંગોની મજાક ઉડાવી, ખાસ કરીને SMAની સારવારની ઊંચી કિંમતની (લગભગ 16 કરોડ રૂપિયા) મજાક ઉડાવી હતી. NGOના વકીલ અપરજિતા સિંઘે કોર્ટમાં દલીલ કરી હતી કે, “આવા ઈન્ફ્લુઅન્સર્સના શબ્દોનું ખૂબ વજન હોય છે. તેમની ટિપ્પણીઓ આખી પેઢીના વલણને અસર કરે છે, જે વિકલાંગોના ગૌરવને નુકસાન પહોંચાડે છે.”

આ મામલે 5 મેના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે મુંબઈ પોલીસ કમિશનરને સમય રૈના અને અન્ય કોમેડિયન્સને નોટિસ જારી કરવા અને આગામી સુનાવણીમાં તેમની હાજરી સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો. ગેરહાજરીના કિસ્સામાં કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી હતી. ત્યારપછી 15 જુલાઈના રોજ થયેલી સુનાવણીમાં પાંચેય કોમેડિયન્સ કોર્ટમાં હાજર થયા હતા.

નોંધનીય છે કે, 25 ઑગસ્ટની સુનાવણીએ સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિની સ્વતંત્રતા અને દિવ્યાંગોના ગૌરવના અધિકાર વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની જરૂરિયાતને રેખાંકિત કરી છે. સમય રૈના અને અન્ય કોમેડિયન્સને બિનશરતી માફી માંગવાનો આદેશ આપવામાં આવ્યો અને આગામી સુનાવણીમાં દંડનો નિર્ણય લેવામાં આવશે. આ કેસ ભવિષ્યમાં સોશિયલ મીડિયા કન્ટેન્ટ નિયમન માટે એક મહત્વપૂર્ણ દાખલો બની શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં