હોમપેજરાજકારણજે ચુકાદાને કારણે અમિત શાહે વિપક્ષી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડી પર...

જે ચુકાદાને કારણે અમિત શાહે વિપક્ષી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડી પર કર્યા પ્રહાર, જાણો તે સલવા જુડુમ કેસ વિશે

ચુકાદાએ SPOsને નિશસ્ત્ર કરવાનો આદેશ આપ્યો, જેના કારણે ઘણા ભૂતપૂર્વ SPOs અને તેમના પરિવારો નક્સલીઓના નિશાન બન્યા. આ લોકો નક્સલીઓના પ્રતિશોધનો ભોગ બન્યા, કારણ કે તેમની પાસે હવે હથિયારો કે સરકારી રક્ષણ નહોતું.

- Advertisement -

દેશના ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બી. સુદર્શન રેડ્ડી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. શાહે દાવો કર્યો હતો કે રેડ્ડીએ 2011માં આપેલા સલવા જુડુમ ચુકાદાને લીધે નક્સલવાદને પ્રોત્સાહન મળ્અયુંને જો આ ચુકાદો ન આવ્યો હોત તો ભારતમાં નક્સલી આતંકવાદ 2020 પહેલાં ખતમ થઈ ગયો હોત.

અમિત શાહે કહ્યું હતું કે, “વિરોધ પક્ષના (કોંગ્રેસ) ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડી એ જ વ્યક્તિ છે જેમણે વામપંથી ઉગ્રવાદ અને નક્સલવાદના સમર્થનમાં સલવા જુડુમ ચુકાદો આપ્યો હતો. જો આ ન કરવામાં આવ્યું હોત, તો 2020 સુધીમાં ઉગ્રવાદ નાબૂદ થઈ ગયો હોત.”

તેમણે કેરળનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “કેરળ નક્સલવાદનો ભોગ બન્યું છે અને ઉગ્રવાદ પણ સહન કર્યો છે. કેરળના લોકો ચોક્કસપણે જોશે કે ડાબેરીઓના દબાણ હેઠળ, કોંગ્રેસે કેવી રીતે એવા ઉમેદવારને પસંદ કર્યા છે જેમણે વામપંથી ઉગ્રવાદ અને નક્સલવાદને ટેકો આપવા માટે સુપ્રીમ કોર્ટ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો.”

- Advertisement -

કેન્દ્રમાં NDA સરકાર સામે સંયુક્ત રીતે ચૂંટણી લડી રહેલા INDI ગઠબંધને રેડ્ડીને ન્યાયી, નિષ્પક્ષ અને બંધારણીય રીતે મૂલ્યવાન ચહેરા તરીકે રજૂ કર્યા છે. જોકે, જસ્ટિસ રેડ્ડીએ તેમના કાર્યકાળ દરમિયાન અને નિવૃત્તિ પછી પણ તેમના નિર્ણયો દ્વારા કોંગ્રેસ પ્રત્યેની તેમની વફાદારી સ્પષ્ટપણે દર્શાવી છે.

ન્યાયાધીશ તરીકે વિવાદાસ્પદ યાત્રા

જસ્ટિસ રેડ્ડીનો જન્મ 8 જુલાઈ 1946ના રોજ તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમની ન્યાયિક કારકિર્દી 1995માં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે શરૂ થઈ હતી. ત્યારબાદ તેઓ ગૌહાટી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. તેમણે 2007થી 2011 સુધી ભારતની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે પણ સેવા આપી હતી.

જસ્ટિસ રેડ્ડીના કાર્યકાળ દરમિયાન ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં માનવ અધિકારો, વહીવટી પારદર્શિતા અને સામાજિક ન્યાય સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થતો હતો. પરંતુ તેમના કેટલાક નિર્ણયો એવા હતા જે વિવાદાસ્પદ હતા અને આજે પણ તેમની ટીકા થઈ રહી છે. તેમાંનો એક ચુકાદો એટલે સલવા જુડુમ કેસ.

સલવા જુડુમ કેસ શું હતો?

સલવા જુડુમ એ છત્તીસગઢ રાજ્યમાં 2005માં શરૂ કરાયેલ એક નાગરિક મિલિશિયા હતું, જેનો હેતુ માઓવાદી નક્સલીઓ સામે લડવાનો હતો. ગોંડી ભાષામાં સલવા જુડુમનો અર્થ શાંતિ અભિયાન એવો થાય છે. આ મિલિશિયામાં મોટાભાગે આદિવાસી યુવાનોનો સમાવેશ હતો, જેમને રાજ્ય સરકાર દ્વારા ‘સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ’ (SPOs) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ યુવાનોને મૂળભૂત તાલીમ અને હથિયારો આપવામાં આવ્યા હતા, જેથી તેઓ માઓવાદીઓ અને નક્સલવાદીઓ સામે લડી શકે. 2011માં આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો જ્યારે નંદિની સુંદર અને અન્ય લોકોએ છત્તીસગઢ રાજ્ય સામે કેસ દાખલ કર્યો. આ કેસમાં સલવા જુડુમની રચના અને તેની પ્રવૃત્તિઓની બંધારણીય માન્યતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી અને જસ્ટિસ એસ.એસ. નિજ્જરની ખંડપીઠે કરી હતી.

સુદર્શન રેડ્ડીનો ચુકાદો

ડિસેમ્બર 2011માં સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો, જેમાં સલવા જુડુમને ગેરબંધારણીય અને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું. રેડ્ડીએ ભારપૂર્વક જણાવ્યું કે આદિવાસી યુવાનોને SPOs તરીકે નિયુક્ત કરવા અને તેમને હથિયારો આપવા એ ભારતીય બંધારણના અનુચ્છેદ 14 (સમાનતાનો અધિકાર) અને અનુચ્છેદ 21નું (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) ઉલ્લંઘન કરે છે. તેમણે દલીલ કરી કે રાજ્ય દ્વારા આદિવાસીઓને હથિયારબંધ મિલિશિયામાં સામેલ કરવાથી તેમના જીવનને જોખમમાં મૂકવામાં આવે છે.

ચુકાદામાં એવું પણ કહેવામાં આવ્યું કે નક્સલવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે રાજ્યે બંધારણીય રીતે કાયદેસર પોલીસદળોનો ઉપયોગ કરવો જોઈએ, નહીં કે અનિયમિત નાગરિક મિલિશિયા બનાવવું. રેડ્ડીએ રાજ્યને નક્સલવાદના કારણ તરીકે આર્થિક અસમાનતા અને સામાજિક અન્યાયને દૂર કરવા પર ધ્યાન આપવા જણાવ્યું. કોર્ટે આદેશ આપ્યો કે સલવા જુડુમ અને તેના SPOsને તાત્કાલિક નિશસ્ત્ર કરવામાં આવે અને આવા દળોનું વિસર્જન કરવામાં આવે.

ચુકાદાની અસરો

નક્સલવાદ વિરોધી લડાઈમાં અવરોધ

સલવા જુડુમમાં સામેલ સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ (SPOs) મોટાભાગે આદિવાસી યુવાનો હતા, જેમને સ્થાનિક ભૂપ્રદેશ અને નક્સલી ગતિવિધિઓની ઊંડી સમજ હતી. SPOsનું નિશસ્ત્રીકરણ અને સલવા જુડુમનું વિસર્જન થતાં સુરક્ષાદળોનું મનોબળ ઘટ્યું. ન્યૂઝ18ના અહેવાલ મુજબ, આ નિર્ણયે રાજ્યની સ્થાનિક સમર્થન આધારિત વ્યૂહરચનાને ખોરવી નાખી, જેના કારણે નક્સલીઓને પોતાની પ્રવૃત્તિઓ વધારવાની તક મળી.

આદિવાસી સમુદાયો પર જોખમ

ચુકાદાએ SPOsને નિશસ્ત્ર કરવાનો આદેશ આપ્યો, જેના કારણે ઘણા ભૂતપૂર્વ SPOs અને તેમના પરિવારો નક્સલીઓના નિશાન બન્યા. આ લોકો નક્સલીઓના પ્રતિશોધનો ભોગ બન્યા, કારણ કે તેમની પાસે હવે હથિયારો કે સરકારી રક્ષણ નહોતું. ચુકાદાએ આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવાનો દાવો કર્યો, પરંતુ વાસ્તવમાં તેનાથી આદિવાસી સમુદાયો નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચેના સંઘર્ષમાં વધુ ફસાયા.

રાજ્યની વ્યૂહરચનામાં વિલંબ

સલવા જુડુમનું વિસર્જન થતાં છત્તીસગઢ સરકારે નક્સલવાદ સામે લડવા માટે નવી વ્યૂહરચનાઓ ઘડવી પડી, જેમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) જેવા દળોની રચના સામેલ હતી. જોકે, આ નવા દળોને સ્થાપવામાં અને તેમને અસરકારક બનાવવામાં સમય લાગ્યો, જે દરમિયાન નક્સલીઓએ પોતાનો પ્રભાવ વધાર્યો.

સામાજિક અસરો

ચુકાદાનો હેતુ આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવાનો હતો, પરંતુ તેનાથી આદિવાસી સમુદાયોમાં રાજ્ય સરકાર અને ન્યાયપાલિકા પ્રત્યેનો વિશ્વાસ ઘટ્યો. નિશસ્ત્ર થયેલા SPOs અને તેમના સમુદાયોને પૂરતું રક્ષણ કે આજીવિકાના વિકલ્પો પૂરા પાડવામાં આવ્યા નહીં, જેના કારણે તેઓ આર્થિક અને સામાજિક રીતે વધુ નબળા બન્યા.

ન્યાયિક નિર્ણયો પર શંકા

આ ચુકાદાએ ન્યાયપાલિકાના નિર્ણયોની વ્યવહારિકતા પર પ્રશ્નો ઉભા કર્યા. ચુકાદાએ નક્સલવાદના મૂળ કારણોને ઉકેલવા માટે કોઈ નક્કર રોડમેપ આપ્યો નહોતો, જેના કારણે રાજ્ય સરકારો અને સુરક્ષાદળો અસમંજસમાં રહ્યા.

ભોપાલ ગેસ દુર્ઘટના કેસ

સલવા જુડુમ કેસ સિવાય પણ એવા અનેક કેસો છે, જેમાં રેડ્ડીના ચુકાદા કે નિર્ણય વિવાદિત રહ્યા હતા. 1984ની ભોપાલ દુર્ઘટનામાં હજારો લોકો માર્યા ગયા હતા. CBIએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરીને જૂના ચુકાદાને પડકાર્યો હતો. અરજદારોએ યુનિયન કાર્બાઇડ અને વોરેન એન્ડરસન સામે ગંભીર આરોપો લગાવવાની માંગ કરી હતી.

જસ્ટિસ રેડ્ડી અરજી ફગાવી દેનાર પાંચ સભ્યોની બેન્ચનો ભાગ હતા. તેનો ચુકાદો મે 2012માં આવ્યો હતો. આ નિર્ણયથી પીડિતોને ન્યાય મેળવવાની તક જ છીનવાઈ ગઈ, પરંતુ તે જ સમયે જસ્ટિસ રેડ્ડી અને બેન્ચે સ્પષ્ટપણે અમેરિકન કંપનીને બચાવવા માટે કામ કર્યું, જે કોંગ્રેસના આશ્રય હેઠળ વિકાસ પામી રહી હતી.

આર્મી કોલેજની સીટોમાં રિઝર્વેશન મામલો

દિલ્હીની આર્મી કોલેજ ઑફ મેડિકલ સાયન્સ (ACMS), જે ભારતીય સેના દ્વારા સ્થાપિત એક પ્રતિષ્ઠિત સંસ્થા છે. તે MBBSની સીટો પૂરી પાડે છે અને લાંબા સમયથી માત્ર સેનાના સક્રિય અથવા નિવૃત કર્મચારીઓના બાળકોને પ્રવેશ આપે છે.  અનુચ્છેદ 14નો (સમાનતા અધિકાર) હવાલો આપી કેટલાક અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં આ નીતિ સામે અરજી દાખલ કરી હતી, કારણ કે કોલેજ લોક સંસાધનો અને રક્ષા મંત્રાલય હેઠળ છે.

જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીની પીઠે નિર્ણય આપ્યો હતો કે બધી સીટો સેનાના બાળકો માટે જ રિઝર્વ રહેશે, કારણ કે સંસ્થા રક્ષા મંત્રાલય હેઠળ છે અને સેનાની જરૂરિયાતો માટે સંચાલિત થાય છે. તે સિવાય 4 જુલાઈ 2011ના રોજ રેડ્ડીએ કેન્દ્ર સરકારને કાળા ધન પર ઢીલી નીતિ માટે ફટકાર લગાવી અને ખાસ તપાસ ટીમ (SIT) ગઠનનો આદેશ આપ્યો. પરંતુ હવે કોંગ્રેસના નેતૃત્વવાળું INDI ગઠબંધન આ જ વ્યક્તિને ઉમેદવાર બનાવી રહ્યું છે, જેનાથી સવાલ ઉઠે છે કે આવા વ્યક્તિને શા માટે પસંદ કરાયા?

જસ્ટિસ રેડ્ડીની પસંદગી શા માટે કરવામાં આવી?

વિપક્ષે રેડ્ડીની ઉમેદવારીને ન્યાય અને બંધારણીય મૂલ્યો સાથે સંબંધિત ગણાવી છે. પરંતુ આ પસંદગી વૈચારિક ઓછી અને વ્યૂહાત્મક વધુ છે. INDIA ગઠબંધન હેઠળ, DMKએ માંગ કરી હતી કે ઉમેદવાર દક્ષિણ ભારતનો હોવો જોઈએ, જ્યારે TMCએ બિન-રાજકીય ચહેરાની માંગ કરી હતી અને કોંગ્રેસ એવી વ્યક્તિ ઇચ્છતી હતી જેની છબી નિષ્કલંક હોય. રેડ્ડી આ ત્રણેય શરતો પૂર્ણ કરે છે.

આ સાથે રાજકીય વર્તુળોમાં જસ્ટિસ બાલકૃષ્ણ સુદર્શન રેડ્ડીનું નામ ઉમેદવાર તરીકે લાવવાની અપેક્ષા નહોતી. દેખીતી રીતે, તેમના દ્વારા કોંગ્રેસ બંધારણના રક્ષણ, સંઘની વિચારધારા સામે વૈચારિક લડાઈ જેવા વિષયો પર વાત કરીને દક્ષિણ ભારતની વૉટબેંકને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.

સુદર્શન રેડ્ડીના સલવા જુડુમ ચુકાદાની વિપરીત અસરો બહુવિધ રહી છે, જેમાં નક્સલવાદ વિરોધી લડાઈમાં અવરોધ, આદિવાસી સમુદાયો પર વધતું જોખમ, રાજ્યની નીતિઓમાં વિલંબ અને રાજકીય-સામાજિક તણાવનો સમાવેશ થાય છે. જોકે, આ ચુકાદાએ બંધારણીય ન્યાય અને માનવાધિકારોની રક્ષા કરવાનો પ્રયાસ કર્યો, તેની વ્યવહારિક અમલદારી અને પરિણામો નક્સલવાદના જટિલ મુદ્દાને ઉકેલવામાં અપૂરતા રહ્યા. અમિત શાહના આરોપોએ આ ચુકાદાને રાજકીય રંગ આપીને તેની ચર્ચાને વધુ તીવ્ર બનાવી, જે 2025ની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અને આગામી રાજકીય ઘટનાઓમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં