‘નક્સલવાદનું સમર્થન કરવા સુપ્રીમ કોર્ટનો કર્યો ઉપયોગ’: વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર સુદર્શન રેડ્ડી પર ગૃહમંત્રી શાહના પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર સુદર્શન રેડ્ડી પર ગંભીર આરોપ લગાવ્યા છે. શાહે જણાવ્યું કે રેડ્ડીએ વકીલ તરીકે સુપ્રીમ કોર્ટમાં નક્સલવાદીઓ અને આતંકવાદીઓનું સમર્થન કર્યું હતું. આ નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યું છે કારણ કે આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રેડ્ડી વિપક્ષના ઉમેદવાર છે.

અમિત શાહે કહ્યું હતું કે, “વિરોધ પક્ષના (કોંગ્રેસ) ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુદર્શન રેડ્ડી એ જ વ્યક્તિ છે જેમણે વામપંથી ઉગ્રવાદ અને નક્સલવાદના સમર્થનમાં સલવા જુડુમ ચુકાદો આપ્યો હતો. જો આ ન કરવામાં આવ્યું હોત, તો 2020 સુધીમાં ઉગ્રવાદ નાબૂદ થઈ ગયો હોત.”

તેમણે કેરળનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “કેરળ નક્સલવાદનો ભોગ બન્યું છે અને ઉગ્રવાદ પણ સહન કર્યો છે. કેરળના લોકો ચોક્કસપણે જોશે કે ડાબેરીઓના દબાણ હેઠળ, કોંગ્રેસે કેવી રીતે એવા ઉમેદવારને પસંદ કર્યા છે જેમણે વામપંથી ઉગ્રવાદ અને નક્સલવાદને ટેકો આપવા માટે સુપ્રીમ કોર્ટ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો.”

નોંધનીય છે કે અમિત શાહે વર્ષ 2011ના એક ચુકાદાનો ઉલ્લેખ કરીને આ વાત કરી હતી. તત્કાલીન સમયમાં ન્યાયાધીશ સુદર્શન રેડ્ડી અને એસએસ નિજ્જરની બે જજોની બેન્ચે સલવા જુડુમ નામના સંગઠનનું વિસર્જન કર્યું હતું.

આ સંગઠનમાં છત્તીસગઢ સરકારે માઓવાદી બળવાખોરોનો સામનો કરવા માટે આદિવાસી યુવાનોને સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) તરીકે ભરતી કર્યા હતા. બેન્ચે આ લશ્કરી સંગઠનને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવ્યું હતું.