હોમપેજદેશ‘અમારા માટે કોઈ પક્ષ-વિપક્ષ નહીં’: ચૂંટણી પંચે સમજાવ્યું કેમ SIR જરૂરી, વિપક્ષી...

‘અમારા માટે કોઈ પક્ષ-વિપક્ષ નહીં’: ચૂંટણી પંચે સમજાવ્યું કેમ SIR જરૂરી, વિપક્ષી આરોપો પર કહ્યું– વૉટચોરી જેવા શબ્દો બંધારણનું અપમાન, કમિશન ડરતું નથી

મુખ્ય ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી પંચ કે મતદાતાઓ ખોટા અને બિનઆધારભૂત આક્ષેપોથી ડરતા નથી. તેમણે કહ્યું કે, "કેટલાક લોકોએ ડબલ વોટિંગનો આરોપ લગાવ્યો. જ્યારે પુરાવા માગ્યા તો કોઈ જવાબ આપ્યો નહીં.

- Advertisement -

બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Elections) પહેલાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાનનો વિરોધ કરીને ‘વૉટચોરી’ના (Vote theft) આરોપો લગાવી રહેલી વિપક્ષી ટોળકીને ફરી એક વખત ચૂંટણી પંચે (Election Commission) સખત શબ્દોમાં ફટકાર લગાવી દીધી છે. ચૂંટણી પંચે રવિવારે (17 ઑગસ્ટ) સાંજના 3 કલાકે પ્રેસ કૉન્ફરન્સ કરીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, વૉટચોરીના આ આરોપો લગાવીને જે ઉત્પાત મચાવવામાં આવી રહ્યો છે, તે બંધારણનું સ્પષ્ટ અપમાન છે. વધુમાં ફરીથી ચૂંટણી પંચે કોંગ્રેસ સહિતની વિપક્ષી ટોળકીને પડકાર ફેંક્યો છે અને પુરાવા રજૂ કરવાનું જણાવ્યું છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, ચૂંટણી પંચ અને મતદાઓ આવા રાજકારણથી સહેજ પણ ડરવાના નથી. આ પહેલાં રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચ પર ભાજપ સાથે મળીને વૉટચોરી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો અને વારંવાર તેઓ આ આરોપ લગાવી રહ્યા હતા. આ વિપક્ષી ગેંગ એવી હવા બનાવી રહી છે કે, ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને SIR દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિ કરવાના પ્રયાસો કરી રહ્યો છે. 

મુખ્ય ચૂંટણી કમિશનરે આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે, લગભગ તમામ રાજકીય પક્ષો મતદાતા યાદીમાં સુધારો કરવાની માંગણી કરી રહ્યા હતા અને તેથી જ ચૂંટણી પંચે SIRની પ્રક્રિયા શરૂ કરી હતી. તેમણે કહ્યું કે વિવિધ રાજકીય પક્ષો દ્વારા નોમિનેટ કરાયેલા 1.6 લાખ બુથ લેવલ એજન્ટ્સે (BLAs) સંયુક્ત રીતે ડ્રાફ્ટ લિસ્ટ તૈયાર કરી છે. 

- Advertisement -

કુમારે કહ્યું કે, “એ ગંભીર ચિંતાનો વિષય છે કે, રાજકીય પક્ષોના જિલ્લા અધ્યક્ષો અને તેમના નોમિનેટ કરેલા બુથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા ચકાસાયેલા દસ્તાવેજો અને પ્રમાણપત્રો કાં તો તેમના રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુધી પહોંચતા નથી, અથવા જમીની હકીકતોને અવગણીને જાણીજોઈને ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.” તેમણે ઉમેર્યું કે, “સત્ય એ છે કે, દરેક પગલે તમામ હિતધારકો બિહારમાં SIRને સંપૂર્ણપણે સફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને પ્રયાસો કરી રહ્યા છે.

‘મતદાતાઓને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ’- ચૂંટણી પંચ

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર કોઈ સવાલ ઉભો કરી શકાય નહીં, જેને બિહારના 7 કરોડથી વધુ વોટરોનું સમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, “કાયદા મુજબ જો વોટર લિસ્ટમાં ભૂલો સમયસર સુધારવામાં ન આવે, જો વોટરે પોતાનો ઉમેદવાર પસંદ કર્યા બાદ 45 દિવસમાં હાઇકોર્ટમાં ચૂંટણી અરજી દાખલ ન કરવામાં આવે અને તેના બદલે ‘વૉટચોરી’ જેવા ભ્રામક શબ્દોનો ઉપયોગ કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવે તો આ ભારતના બંધારણનું અપમાન નથી તો બીજું શું છે?”

જ્ઞાનેશ કુમારે એ પણ ઉલ્લેખ કર્યો છે કે, તાજેતરમાં અનેક વોટરોના ફોટો તેમની સંમતિ વિના મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમણે આ બાબતનો ઉલ્લેખ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કૉન્ફરન્સના આધારે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “શું ચૂંટણી પંચે કોઈ વોટરના CCTV વિડીયો શેર કરવા જોઈએ? ફક્ત તે જ લોકો મત આપે છે જેમના નામ વોટર લિસ્ટમાં હોય અને તેઓ પોતાના ઉમેદવારને ચૂંટે છે.”

‘ચૂંટણી પંચ ડરતું નથી’- જ્ઞાનેશ કુમાર

મુખ્ય ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી પંચ કે મતદાતાઓ ખોટા અને બિનઆધારભૂત આક્ષેપોથી ડરતા નથી. તેમણે કહ્યું કે, “કેટલાક લોકોએ ડબલ વોટિંગનો આરોપ લગાવ્યો. જ્યારે પુરાવા માગ્યા તો કોઈ જવાબ આપ્યો નહીં. આવા ખોટા આક્ષેપો ન તો ચૂંટણી પંચને ડરાવી શકે છે અને ન તો કોઈ વોટરને.”

કુમારે ભારપૂર્વક જણાવ્યું કે, ચૂંટણી પંચ ગરીબ, શ્રીમંત, વૃદ્ધ, મહિલાઓ, યુવાનો સહિત તમામ વર્ગો અને ધર્મોના વોટરોની સાથે નિષ્પક્ષ રીતે ખડેપગે ઊભું રહેશે. તેમણે ઉમેર્યું કે, ચૂંટણી પંચ માટે કોઈ વિપક્ષ કે સત્તાધારી પક્ષ નથી. ચૂંટણી પંચે વિપક્ષી ટોળકીના તમામ આરોપોને ફગાવી દીધા છે અને રાહુલ ગાંધીને તેમના આક્ષેપોના પુરાવા રજૂ કરવા અથવા ખોટા આક્ષેપો માટે દેશની માફી માગવા માટે એફિડેવિટ પર હસ્તાક્ષર કરવાની માંગ કરી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં