લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત કરતા વડાપ્રધાન મોદી

સ્વાધીનતા દિવસની (Independence Day) ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજનાની શરૂઆતની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “મારા દેશના યુવાનો, આજે 15 ઑગસ્ટ છે અને આ દિવસે આપણે આપણા દેશના યુવાનો માટે 1 લાખ કરોડની યોજના શરૂ કરી રહ્યા છીએ. આજથી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના લાગુ કરવામાં આવી રહી છે…”

તેમણે કહ્યું હતું કે, “આ યોજના હેઠળ ખાનગી ક્ષેત્રમાં પહેલી નોકરી મેળવનારા યુવાનો અને મહિલાઓને સરકાર તરફથી 15,000 મળશે. વધુ રોજગારની તકો ઉભી કરતી કંપનીઓને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના યુવાનો માટે લગભગ 3.5 કરોડ નવી રોજગારની તકો ઉભી કરશે…”

આ સિવાય તેમણે નારી શક્તિ અંગે વાત કરતાં કહ્યું કે, “આજે વધતી અર્થવ્યવસ્થાની લાભાર્થી નારી છે પરંતુ અર્થવ્યસ્થાની ગતિમાં પણ નારીઓનું મોટું યોગદાન છે. આપણી સ્ત્રી શક્તિ, માતૃ શક્તિનું યોગદાન છે. સ્ટાર્ટઅપથી લઈને સ્પેસ સેન્ટર સુધી આપણી દીકરીઓ છવાયેલી છે.”

વધુમાં કહ્યું કે, “રમતના મેદાનમાં છવાયેલી છે, સેનામાં ચમકી રહી છે, આજે ખભાથી ખભો મેળવીને દેશના વિકાસમાં ભાગીદાર બની રહી છે. દેશ ગૌરવાન્વિત થઈ ઉઠ્યો જ્યારે NDAની પ્રથમ વુમન કેડેટ પાસાઉટ થઈ.”