અમેરિકાએ (America) ભારત (India) પર 25% ટેરિફ (Tariff) લગાવ્યા બાદ વ્યાપાર જગતમાં ઘણો ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ જ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે એવો દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા (Russia) પાસેથી તેલ આયાત નહીં કરે તે એક સારું પગલું છે. ત્યારે હવે ન્યૂઝ એજન્સી ANIએ સુત્રોના હવાલે એવો દાવો કર્યો છે કે, ભારતે આવો કોઈ નિર્ણય લીધો નથી અને ભારત રશિયા પાસેથી જ તેલ ખરીદશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 ઑગસ્ટે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “હું સમજું છું કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. મને ખબર નથી આ સાચું છે કે ખોટું પણ મેં આવું સાંભળ્યું છે. આ એક સારું પગલું છે. પણ જોઈએ હવે શું થાય છે.” નોંધનીય છે કે, તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયાની અર્થવ્યવસ્થાને ‘મૃતપાય’ ગણાવી હતી.
#WATCH | "I understand that India is no longer going to be buying oil from Russia. That's what I heard, I don't know if that's right or not. That is a good step. We will see what happens…" says, US President Donald Trump on a question by ANI, if he had a number in mind for the… pic.twitter.com/qAbGUkpE12
— ANI (@ANI) August 1, 2025
નોંધનીય છે કે, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરનાર દેશ છે અને તે દરિયાઈ રશિયન ક્રુડનો સૌથી મોટો ખરીદદાર પણ છે. તાજેતરમાં જ એવા અહેવાલ આવ્યા હતા કે ભારતની સરકારી તેલ રિફાઇનર્સે છેલ્લા અઠવાડિયાથી રશિયન તેલ ખરીદ્યું નથી. આ અહેવાલે ટ્રમ્પના દાવાને વધુ વેગ આપ્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી તેલ આયાત કરશે નહીં.
રશિયાથી જ આવી રહ્યું છે તેલ- સૂત્રોને ટાંકીને ANI
જોકે, હવે ન્યૂઝ એજન્સી ANIએ તેના સરકારી સૂત્રોના આધારે એવો દાવો કર્યો છે કે, ટ્રમ્પે આપેલ નિવેદન ખોટું છે. ANIએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ભારતીય તેલ રિફાઇનરીઓ રશિયન સપ્લાયર્સ પાસેથી તેલ મેળવી રહી છે. તેમના પુરવઠા સંબંધિત નિર્ણયો કિંમત, ક્રૂડ ઓઇલની ગુણવત્તા, સ્ટોક, લોજિસ્ટિક્સ અને અન્ય આર્થિક પરિબળો પર આધારિત હોય છે.”
સૂત્રોને ટાંકીને ANIએ એવું પણ કહ્યું છે કે, રશિયા દુનિયાનો બીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ બનાવનારો દેશ છે, જે લગભગ 9.5 મિલિયન બેરલ તેલ બનાવે છે. આ હિસ્સો દુનિયાની કુલ માંગનો 10% હોય છે. એટલું જ નહીં, પણ રશિયા ક્રૂડ અને રિફાઈન્ડ તેલ બંને મળીને દરેક દિવસે લગભગ 6.8 મિલિયન બેરલ તેલ બીજા દેશોને વેચે છે. 2022માં માર્ચમાં એવો ડર હતો કે, રશિયન ઓઇલ બજારમાંથી હટાવી દેવાશે, ત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતો વધીને 137 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી.
વધુમાં સૂત્રોને ટાંકીને એવું પણ કહેવાયું છે કે, રશિયન તેલ પર ક્યારેય સીધા પ્રતિબંધો નથી લગાવાયા. પરંતુ, તેના પર G7 અને યુરોપિયન યુનિયન દ્વારા એક ‘પ્રાઇઝ કેપ’ વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. જેનો હેતુ રશિયાની કમાણી મર્યાદિત કરવાનો હતો અને સાથે એ પણ સુનિશ્ચિત કરવાનો હતો કે, દુનિયાને તેલની ખેપ મળતી રહે. વધુમાં કહેવાયું છે કે, ભારતે એક જવાબદાર વૈશ્વિક ઉર્જા ભાગીદાર તરીકે કામ કર્યું છે, જેના કારણે બજારોમાં તેલ પણ બાંયું રહ્યું અને કિંમતો પણ સ્થિર રહી. ભારતે નિયમોનું પાલન કરીને તેલ ખરીદ્યું છે અને ખરીદી રહ્યું છે.
સૂત્રોને ટાંકીને ઉમેરાયું છે કે, જો ભારતે સસ્તું રશિયન તેલ ન ખરીદ્યું હોત તો તેલની ભારે અછત થઈ ગઈ હોત અને તેની કિંમત પણ આસમાન સુધી પહોંચી ગઈ હોત. આ બધા કારણોને લઈને આખી દુનિયામાં પણ મોંઘવારી વધી ગઈ હોત. આ ઉપરાંત કહેવાયું છે કે, ભારતના ઉર્જા સંબંધિત નિર્ણયો દેશના હિતને ધ્યાનમાં રાખીને લેવાયા છે, પણ તેનો સીધો લાભ દુનિયાને પણ થયો છે- તેલની અછત ન થઈ, કિંમત કાબૂમાં રહી અને નિયમોનું પણ પાલન થયું છે.
Indian oil refiners continue to source oil from Russian suppliers. Their supply decisions are guided by price, grade of crude, inventories, logistics and other economic factors: Sources to ANI pic.twitter.com/BohdF8773M
— ANI (@ANI) August 2, 2025
આ ઉપરાંત એવું પણ કહેવાયું છે કે, ભારતની ઓઇલ કંપનીઓ હાલ પણ રશિયન તેલ ખરીદી રહી છે અને તમામ નિયમોનું પાલન કરીને ખરીદી રહી છે. રશિયન ઓઇલ પર સીધી રીતે કોઈ પ્રતિબંધ નથી. ભારતીય કંપનીઓ તમામ નિયમોનું પાલન કરે છે અને ખાસ કરીને, તેલની કિંમતો બાબતના નિર્ણયો પણ આંતરરાષ્ટ્રીય નિયમોના દાયરામાં રહીને કરે છે.
નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ તાજેતરમાં વિશ્વના 69 દેશો પર ટેરિફ લાદ્યો છે, જે 7 ઑગસ્ટથી લાગુ થવાનો છે. ટ્રમ્પે ભારતમાંથી કરવામાં આવતી આયાતો પર 25% ટેરિફ લાદ્યો છે, જોકે તેના જવાબમાં ભારતે પણ અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ ખરીદવાની ડીલ હાલ પુરતી સ્થગિત કરી હોવાના અહેવાલ છે.
આ સિવાય ટ્રમ્પે ભારતની 6 સહિત કુલ 20 કંપનીઓ પર પણ પ્રતિબંધ લાદ્યા હતા. જેના કારણ સ્વરૂપે કહ્યું હતું કે આ કંપનીઓ ઈરાન સાથે વ્યાપારિક સંબંધો ધરાવે છે, જેના કારણે ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમમાં મદદ મળી રહી છે. નોંધનીય છે કે તાજેતરમાં ટ્રમ્પના વહીવટીતંત્રની નીતિઓ અને તેમના નિવેદનો વિશ્વમાં ચર્ચાનું કારણ બન્યા છે.


