સંસદમાં ચાલતી ‘ઑપરેશન સિંદૂર’ (Operation Sindoor) પરની ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) બુધવારે (30 જુલાઈ) રાજ્યસભામાં જવાબ રજૂ કર્યો હતો. દરમ્યાન તેમણે જણાવ્યું કે કયા સંજોગોમાં પાકિસ્તાનની વિનંતી પર યુદ્ધવિરામ થયું હતું અને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શું વાતચીત થઈ હતી. તેમણે પણ સ્પષ્ટ કર્યું કે યુદ્ધવિરામ માત્ર પાકિસ્તાનની વિનંતી પર થયું હતું અને દુનિયાના કોઈ પણ નેતાએ તેમાં હસ્તક્ષેપ કર્યો નથી.
વિદેશ મંત્રીએ જણાવ્યું કે, 9 મેના રોજ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે. ડી વેન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારત પર મોટા હુમલા કરવા જઈ રહ્યું છે. પીએમ મોદી પણ લોકસભામાં જણાવી ચૂક્યા છે અને વિદેશ મંત્રીએ પણ ફરી જણાવ્યું કે વડાપ્રધાને અમેરિકન નેતાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના દરેક દુસ્સાહસનો ભારત જડબાતોડ જવાબ આપશે.
#WATCH | Delhi | EAM Dr S Jaishankar says, "…When Operation Sindoor commenced, a number of countries were in touch with us to see how serious the situation was and how long it would go… We gave the same message to all the countries… that we were not open to any mediation.… pic.twitter.com/59ht3x4SlG
— ANI (@ANI) July 30, 2025
એસ જયશંકર કહે છે કે, “ત્યારબાદ એવું થયું પણ ખરું. પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને તેને નિષ્ફળ બનવીને જવાબમાં ભારતે જબરદસ્ત જવાબ આપ્યો, જેનાથી પાકિસ્તાનની આખી એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ થઈ ગઈ. આ જવાબ પછી વિવિધ દેશો તરફથી ભારતને કૉલ આવવાના શરૂ થઈ ગયા કે પાકિસ્તાન હવે પૂર્ણવિરામ મૂકવા માંગે છે.”
તેમણે કહ્યું કે, “ઑપરેશન દરમિયાન અનેક દેશો ભારતના સંપર્કમાં હતા, કારણ કે તેમણે પણ પરિસ્થિતિ વિશે જાણકારી મેળવવી હતી. અમે (સરકારે) તમામ દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે અમે કોઈ પણ પ્રકારની મધ્યસ્થતા સ્વીકારીશું નહીં અને પાકિસ્તાન સાથે જે કંઈ પણ થશે તે દ્વિપક્ષીય થશે. પાકિસ્તાન કશુંક કરશે તો ભારત જવાબ આપવાનું ચાલુ રાખશે. જો પાકિસ્તાને લડાઈ બંધ કરવી હશે તો પહેલાં વિનંતી કરવી પડશે અને એ DGMO ચેનલ તરફથી જ થઈ શકે છે.”
વિદેશ મંત્રીએ જણાવ્યું કે ત્યારબાદ પાકિસ્તાનના DGMOએ ભારતના DGMOને કૉલ કરીને યુદ્ધવિરામ માટે પ્રસ્તાવ મૂક્યો હતો અને પછી યુદ્ધવિરામ થયું હતું.
તેમણે વિપક્ષના આરોપોનો જવાબ આપતાં જણાવ્યું કે, “દુનિયાના કોઈ પણ નેતાએ ભારતને ઑપરેશન બંધ કરવા માટે જણાવ્યું ન હતું. આ વડાપ્રધાન પણ કહી ચૂક્યા છે. બીજું, આ વાતચીતમાં વ્યાપારની કોઈ વાતચીત થઈ નથી. ત્રીજું– વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ ટેલિફોનિક વાતચીત થઈ ન હતી.”


