‘ગોલી કા જવાબ ગોલે સે’: પાકિસ્તાનના હુમલાની ધમકી આપતા અમેરિકન ઉપરાષ્ટ્રપતિને પીએમ મોદીએ આપ્યો હતો આ જવાબ

લોકસભામાં ‘ઑપરેશન સિંદૂર’ પર ચર્ચા પર મંગળવારે (29 જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ રજૂ કર્યો હતો. દરમિયાન તેમણે એ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમની વાતચીત અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી વેન્સ સાથે થઈ હતી. 

તેમણે કહ્યું, “અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ મારી સાથે ફોન પર વાત કરવાના પ્રયાસ કર્યા. ત્રણથી ચાર વખત કૉલ કર્યા, હું એ વખતે સેના સાથે બેઠકમાં હતો. પછીથી મેં કૉલબેક કર્યો. તેમણે મને કહ્યું, પાકિસ્તાન બહુ મોટો હુમલો કરવા જઈ રહ્યું છે.”

પીએમ મોદીએ ઉમેર્યું, “મેં તેમને જે જવાબ આપ્યો, જે મને જાણે છે તેઓ સમજી જશે. મેં અમેરિકાને ઉપરાષ્ટ્રપતિને કહ્યું, “જો પાકિસ્તાનનો આ ઈરાદો હોય તો બહુ મોંઘો પડશે. જો પાકિસ્તાન હુમલો કરશે તો અમે તેનાથી વધુ મોટો હુમલો કરીને જવાબ આપીશું. આગળ મેં કહ્યું કે અમે ગોળીનો જવાબ ગોળાથી આપીશું. આ 9 તારીખની રાતની વાત છે.”