હોમપેજદેશઇન્ટેલિજન્સ ઇન્ટેલ, આકાશથી લઈને જંગલો સુધી ચાંપતી નજર: શું છે ભારતીય સેનાનું...

ઇન્ટેલિજન્સ ઇન્ટેલ, આકાશથી લઈને જંગલો સુધી ચાંપતી નજર: શું છે ભારતીય સેનાનું ઑપરેશન મહાદેવ, કઈ રીતે પહલગામ હુમલાના આતંકીઓને કરાયા ઠાર

24 રાષ્ટ્રીય રાઈફલ્સ અને ચાર પેરાની સંયુક્ત ટીમે ત્રણેય આતંકીઓના સ્થાનને શોધી કાઢ્યું હતું. આ આતંકીઓ ગાઢ જંગલમાં ઝાડ નીચે બનાવેલા અસ્થાયી ખાઈના ઠેકાણાંમાં તંબુમાં છૂપાયેલા હતા. જે બાદ પેરા ફોર્સના કમાન્ડોએ અચાનક હુમલો કરીને તેમને ઘટનાસ્થળે જ ઠાર કરી દીધા હતા.

- Advertisement -

સંસદના ચોમાસું સત્રમાં હાલ ઑપરેશન સિંદૂર અને પહલગામ આતંકી હુમલાને લઈને ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા દરમિયાન જ સોમવારે (28 જુલાઈ) સમાચાર સામે આવ્યા કે ભારતીય સેનાએ (Indian Army) ઑપરેશન મહાદેવ (Operation Mahadev) હેઠળ પહલગામ આતંકી હુમલામાં સામેલ ત્રણેય આતંકીઓને (Terrorists) ઠાર કરી દીધા છે. તેમની ઓળખ સુલેમાન શાહ (ઉર્ફે હાશિમ મુસા, ઉર્ફે આસિફ), જિબરાન અને હમઝા અફઘાની તરીકે થઈ હતી. ત્યારબાદ મંગળવારે (29 જુલાઇ) રાજ્ય સભામાં ગૃહમંત્રી અમિત શાહે પણ પુષ્ટિ કરી હતી કે, માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ પહલગામ આતંકી હુમલામાં સામેલ હતા.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીરના સંયુક્ત ઑપરેશન મહાદેવ હેઠળ ત્રણેય આતંકીઓને દચીગામના જંગલમાં ઠાર કરી દેવામાં આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પહલગામમાં મળેલા કારતૂસોનો FSL રિપોર્ટ દાચીગામમાં મળી આવેલા M9 અને બે AK-47 રાઇફલો જેવાં હથિયારો સાથે મેળ ખાઈ રહ્યો છે. પહલગામના પુરાવાની પુષ્ટિ માટે ચંડીગઢમાં રાઇફલોની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવી હતી.

અમિત શાહે ઉમેર્યું કે, આ આતંકવાદીઓના મૃતદેહો જ્યારે શ્રીનગર લાવવામાં આવ્યા અને જેમની NIAએ પહેલાં આ આતંકીઓને શરણ આપવા બદલ ધરપકડ કરી હતી તેમની પાસે ઓળખ કરાવી તો તમામે ઓળખ કરી લીધી હતી અને પુષ્ટિ કરી હતી કે, આ ત્રણેય એ જ આતંકવાદીઓ હતા. ત્યારબાદ આધિકારિક રીતે જાહેર થયું હતું કે, ઑપરેશન મહાદેવમાં ઠાર કરવામાં આવેલા ત્રણેય આતંકીઓ પહલગામ આતંકી હુમલામાં સક્રિય રીતે સામેલ હતા.

- Advertisement -

શું છે ઑપરેશન મહાદેવ? 

ઑપરેશન મહાદેવ એ ભારતીય સેના, કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલ એક ઝડપી અને સુનિયોજિત આતંકવાદ વિરોધી કાર્યવાહી હતી. આ ઑપરેશનનો હેતુ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરનાર આતંકવાદીઓને ઠાર કરવાનો હતો. આ ઑપરેશનનું નામ ‘મહાદેવ’ રાખવામાં આવ્યું, જે ભગવાન શિવનું નામ છે અને ન્યાય તથા શત્રુના વિનાશનું પ્રતીક છે.

આ ઑપરેશન 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામની બૈસરણ ખીણમાં થયેલા ભયાનક આતંકી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં આતંકવાદીઓએ ધર્મના આધારે નાગરિકોને નિશાન બનાવી તેમના પરિવારો સામે તેમની હત્યા કરી હતી. આ હુમલામાં 26 નાગરિકોના મોત થયા હતા, જેમાં મોટાભાગે હિંદુ પ્રવાસીઓ હતા. આ સૈન્ય અભિયાન જમ્મુ-કાશ્મીરના લિડવાસ વિસ્તારમાં ચલાવવામાં આવ્યું હતું.

ક્યારે શરૂ થયું ઑપરેશન? 

ગૃહમંત્રી અમિત શાહે ઑપરેશન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, 22 મેના રોજ IBને એક વિશિષ્ટ ગુપ્ત માહિતી મળી આવી હતી. એડવાન્સ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આ ઈનપુટને વધુ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું અને તેના આધારે ઑપરેશન મહાદેવની શરૂઆત કરી દેવામાં આવી હતી. આ ઑપરેશન હેઠળ 11 જુલાઈના રોજ વિસ્તારમાં એક સેટેલાઈટ ફોન સક્રિય થયો હોવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે શોધખોળ હાથ ધરી હતી. આ ઉપરાંત સ્થાનિક બાતમીદારોએ પણ આતંકીઓની હિલચાલની પુષ્ટિ કરી હતી. 

જોકે, આ સેટેલાઈટ ફોન પર પહલગામના આતંકી હુમલા બાદથી જ નજર રાખવામાં આવી રહી હતી. ત્યારબાદ તેના પર શંકાસ્પદ મેસેજ આવ્યા બાદ શંકા વધુ ઘેરી બની હતી કે, સુલેમાન શાહ અને તેના સાથીઓ દચીગામના જંગલોમાં છૂપાયેલા છે. લગભગ 14 દિવસ સુધી 24 રાષ્ટ્રીય રાઇફલ્સ, 4 પેરા, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની ટીમોએ દચીગામમાં શોધખોળ કરી હતી. 22 જુલાઈના રોજ સેન્સર્સ દ્વારા આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ 26 જુલાઈના રોજ એક સેટેલાઇટ ફોન પર નવી સંચાર પ્રવૃત્તિ શોધાઈ, જેણે શોધખોળને વધુ તીવ્ર બનાવી.

ત્યારબાદ સુરક્ષાદળોએ ઑપરેશન મહાદેવને વધુ તીવ્ર બનાવ્યું હતું. આ દરમિયાન જ સેનાનાં સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે, જંગલમાં છૂપાયેલા તે ત્રણેય આતંકીઓ પાકિસ્તાની નાગરિકો છે અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા છે. જે બાદ 28 જુલાઈ, 2025ના રોજ સવારે 11:30 કલાકે લિડવાસ વિસ્તારમાં 24 રાષ્ટ્રીય રાઈફલ્સ અને ચાર પેરાની સંયુક્ત ટીમે ત્રણેય આતંકીઓના સ્થાનને શોધી કાઢ્યું હતું. આ આતંકીઓ ગાઢ જંગલમાં ઝાડ નીચે બનાવેલા અસ્થાયી ખાઈના ઠેકાણાંમાં તંબુમાં છૂપાયેલા હતા. જે બાદ પેરા ફોર્સના કમાન્ડોએ અચાનક હુમલો કરીને તેમને ઘટનાસ્થળે જ ઠાર કરી દીધા હતા. (કેટલાક અહેવાલોમાં કહેવાયું છે કે, સેનાના હુમલા સમયે આતંકીઓ સૂતા હતા.) 

ત્રણ મૃતદેહો પાસેથી મળ્યાં પહલગામમાં વપરાયેલાં શસ્ત્રો

સુરક્ષાદળોએ સટીક હુમલો કરીને આતંકીઓને ઠાર કર્યાં હોવાનું સ્પષ્ટ હતું, પરંતુ ઊંચાઈવાળા અને ગાઢ જંગલ વિસ્તારને કારણે આતંકવાદીઓનું ચોક્કસ સ્થાન શોધવું પડકારજનક હતું. સુરક્ષાદળોએ ક્વાડકોપ્ટર ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદીઓના ઠેકાણાંને ચોક્કસ રીતે શોધી કાઢ્યું. બપોરે 12:37 વાગ્યે ડ્રોન ફૂટેજમાં ત્રણ મૃતદેહો જોવા મળ્યા, જેણે આતંકવાદીઓ ઠાર થયા હોવાની આધિકારિક પુષ્ટિ કરી હતી. જે બાદ સુરક્ષાદળોને પણ જાણ થઈ હતી કે, હુમલામાં પાકિસ્તાની આતંકીઓ માર્યા ગયા છે.

આ ઉપરાંત એન્કાઉન્ટર સ્થળેથી એક યુએસ નિર્મિત M4 કાર્બાઇન રાઇફલ, બે AK-47 રાઇફલ્સ, 17 રાઇફલ ગ્રેનેડ અને અન્ય શસ્ત્રસરંજામ જપ્ત કરવામાં આવ્યા. આ શસ્ત્રોનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં વધુ મોટા હુમલાની યોજના માટે થવાની શંકા હતી. આ ઉપરાંત આ જ હથિયારોનો ઉપયોગ પહલગામમાં આતંકી હુમલા માટે પણ કરવામાં આવ્યો હતો.

આતંકીઓ ઠાર થયા એ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું, પણ તે તમામ આતંકીઓ પહલગામ હુમલામાં સામેલ હતા તે સાબિત કરવા માટે પણ તપાસ કરવામાં આવી હતી. ઠાર કરાયેલા આતંકવાદીઓની ઓળખ માટે વ્યાપક તપાસ કરવામાં આવી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) પહલગામ હુમલા બાદ આતંકવાદીઓને આશ્રય આપનારા બે સ્થાનિક લોકો, પરવેઝ અહમદ જોથર અને બશીર અહમદની પહેલાંથી જ ધરપકડ કરી હતી. આ બંનેને કોટ લખપત જેલમાંથી એન્કાઉન્ટર સ્થળે લાવવામાં આવ્યા, જ્યાં તેમણે મૃત આતંકવાદીઓની ઓળખ કરી. ફોરેન્સિક ટેસ્ટિંગ માટે રાઇફલ્સ ચંડીગઢ મોકલવામાં આવી, જ્યાં પહલગામ હુમલામાં વપરાયેલા M9 અને AK-47 રાઇફલ્સ સાથે મેચ થવાની પુષ્ટિ થઈ હતી.

કોણ હતા તે આતંકીઓ? 

આતંકવાદીઓ ‘લશ્કર-એ-તૈયબા’ સાથે સંકળાયેલા હતા. શરૂઆતમાં પહલગામ હુમલાની જવાબદારી આ સમૂહના એક પ્રોક્સી ગ્રુપ TRFએ લીધી હતી, જોકે બાદમાં તેણે ઇનકાર કર્યો હતો. આ જૂથમાં 5થી 7 સભ્યો હોવાનું અનુમાન છે અને બાકીના સભ્યોને શોધવા માટે શોધખોળ ચાલુ છે. પહલગામ હુમલામાં સામેલ સુલેમાન શાહ, (ઉર્ફે હાશિમ મૂસા, ઉર્ફે આસિફ, ઉર્ફે મૂસા ફૌજી) લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર અને પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. તે ભૂતપૂર્વ પાકિસ્તાની આર્મી પેરા-કમાન્ડો હતો અને 2024માં સોનમાર્ગ ટનલ હુમલામાં પણ સામેલ હતો.

બીજો આતંકવાદી જિબરાન, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના સંયુક્ત મોડ્યૂલનો સભ્ય હતો. તે પણ ઑક્ટોબર 2024માં સોનમાર્ગ ટનલ હુમલામાં સંડોવાયેલો હતો. તે સિવાય ત્રીજો આતંકવાદી હમઝા અફઘાની (ઉર્ફે અબુ હમઝા, ઉર્ફે યાસિર), લશ્કર-એ-તૈયબાનો હાઈ-વેલ્યુ આતંકવાદી હતો અને તે પણ પહલગામના આતંકી હુમલામાં સામેલ હતો.

નોંધનીય છે કે, ચીનાર કોર્પ્સે જણાવ્યું છે કે, ઑપરેશન મહાદેવ હજુ પૂર્ણ થયું નથી. બાકીના આતંકવાદીઓને શોધવા અને તેમની ઓળખ સ્થાપિત કરવા માટે શોધખોળ અને કોમ્બિંગ ઑપરેશન હાલ પણ ચાલી રહ્યું છે. વધારાના સુરક્ષાદળોને પણ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે, કારણ કે ગુપ્તચર માહિતી અનુસાર, અન્ય આતંકવાદીઓની હાજરીની શંકા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં