‘જે ત્રણ આતંકવાદીઓએ પહલગામ આતંકી હુમલાને આપ્યો હતો અંજામ, એ ત્રણેય ઑપરેશન મહાદેવમાં ઠાર મરાયા’: અમિત શાહ

પહલગામના આતંકવાદી હુમલાને અંજામ આપનારા ત્રણેય આતંકવાદીઓ ભારતીય સેનાના ઑપરેશન મહાદેવમાં માર્યા ગયા છે. મંગળવારે (29 જુલાઈ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ જાણકારી સાર્વજનિક કરી હતી. 

ઑપરેશન સિંદૂર પર ચાલતી ચર્ચામાં તેમણે કહ્યું કે, “જેમણે બૈસરન ખીણમાં આપણા પ્રવાસીઓને, નાગરિકોને માર્યા હતા, એ ત્રણેય આતંકવાદીઓ આ જ હતા અને ત્રણેય માર્યા ગયા છે.”

ઉલ્લેખનીય છે કે સોમવારે (28 જુલાઈ) સેનાએ કાશ્મીરના લિડવાસના દચીગામનાં જંગલોમાં હાથ ધરેલા એક વિશેષ ઑપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ આતંકવાદીઓના મૃતદેહો જ્યારે શ્રીનગર લાવવામાં આવ્યા અને જેમની NIAએ પહેલાં આ આતંકીઓને શરણ આપવા બદલ ધરપકડ કરી હતી તેમની પાસે ઓળખ કરાવી તો તમામે ઓળખ કરી લીધી હતી અને પુષ્ટિ કરી હતી કે આ ત્રણેય એ જ આતંકવાદીઓ હતા. આ જાણકારી પણ ગૃહમંત્રીએ સંસદમાં આપી હતી. 

તેમણે વધુમાં જણાવ્યું કે, એજન્સીઓએ આતંકી ઘટનાસ્થળ પર જે કારતૂસ મળ્યા હતા તેના FSL રિપોર્ટ કરાવી રાખ્યા હતા. કાલે આતંકવાદી માર્યા ગયા, તેમની પાસેથી જે રાઇફલ મળી, એ કારતૂસ તેના જ હતા. તેમ છતાં રાઇફલ ચંદીગઢ મોકલાવીને તેના શેલની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં પુષ્ટિ થઈ ગઈ કે આ જ ત્રણ રાઇફલોથી આપણા નિર્દોષ નાગરિકોને મારવામાં આવ્યા હતા.