હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજે મા કરે છે વ્રત, તેના બાળકની રક્ષા કરવા માતાજી બદલી દે...

જે મા કરે છે વ્રત, તેના બાળકની રક્ષા કરવા માતાજી બદલી દે છે વિધાતાના લેખ: વાંચો માતા જીવંતિકાના વ્રતની લોકકથા, મહિમા અને ઇતિહાસ

જીવંતિકા વ્રત ભારતીય સંસ્કૃતિમાં માતૃશક્તિના મહિમાને દર્શાવે છે. આ વ્રત માતાના બાળકો પ્રત્યેના અપાર પ્રેમ અને બલિદાનનું પ્રતીક છે. ખાસ કરીને આ વ્રત દેવી દુર્ગાના રક્ષણાત્મક સ્વરૂપને પ્રતિબિંબિત કરે છે, જે હિંદુ ધર્મમાં સર્વોચ્ચ શક્તિ તરીકે ગણાય છે.

- Advertisement -

શ્રાવણ (Shravan) માસની શરૂઆતની સાથે જ હિંદુ ધર્મના અનેકો તહેવારોની પણ શરૂઆત થાય છે. દેવાધિદેવ મહાદેવની સ્તુતિ-વંદનાની સાથે પવિત્ર તહેવારો પણ માણસોના જીવનમાં અનેરો ઉમંગ લઈને આવે છે. જોકે, શ્રાવણ માસની શરૂઆતમાં ઉત્તર અને દક્ષિણના રાજ્યોમાં ભિન્નતા જોવા મળે છે. સાથે ગુજરાતમાં પણ આ તફાવત રહ્યો છે. પરંતુ આ પવિત્ર શ્રાવણ માસની સાથે જે-તે વિસ્તારની લોકસંસ્કૃતિ પણ વણાઈ ગઈ છે. જેમ કે, ગુજરાતમાં શ્રાવણ શરૂ થતાંની સાથે જ લોકકથાઓ અનુસારના વિવિધ વ્રતો પણ શરૂ થઈ જાય છે.

દશા માતાના વ્રતથી લઈને જીવંતિકા માતાના વ્રત સુધીની તમામ પરંપરાઓ લોકસંસ્કૃતિનો એક મહત્વનો ભાગ છે અને લોકજીવનમાં વણાઈ ગઈ છે. તમામ વ્રત કથાઓને લઈને અનેક ધાર્મિક માન્યતાઓ પણ જોવા મળે છે. જોકે, તેની પાછળ મૂળભૂત રીતે લોકસંસ્કૃતિની જીવંતતા ધબકતી હોય છે. અમુક વ્રતો માત્ર અમુક વિસ્તારો પૂરતા જ મર્યાદિત હોય છે, પરંતુ તેની ઘેરી અસર જે-તે વિસ્તારમાં વસતા લોકજીવન પર પડે છે. આવું જ એક વ્રત છે માતા જીવંતિકાનું. મોટાભાગે આ વ્રત ગુજરાતના અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં થતું આવ્યું છે. 

ક્યારે થાય છે વ્રતની શરૂઆત? 

માતા જીવંતિકાનું વ્રત વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ સમયે શરૂ થાય છે. સરળ રીતે સમજીએ તો શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રત શરૂ કરવાનું હોય છે. જોકે, શ્રાવણ માસની શરૂઆતને લઈને પણ દેશના વિવિધ ભાગોમાં વિવિધ પંચાંગોની ગણતરી કરવામાં આવે છે. તેથી આ વ્રતની શરૂઆત પણ વિવિધ વિસ્તારોમાં વિવિધ સમયે થાય છે. ગુજરાતમાં 25 જુલાઈ અને શુક્રવારના રોજ શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને આ જ દિવસે પ્રથમ શુક્રવાર હોવાથી વ્રતની પણ શરૂઆત થઈ છે. માતા જીવંતિકાના વ્રતને લઈને વિવિધ વિસ્તારોમાં અનેક પ્રકારની માન્યતાઓ જોવા મળે છે. 

- Advertisement -

માતા જીવંતિકાના વ્રતને ‘જીવંતિયા વ્રત’ અથવા તો ‘જીવિતપુત્રિકા વ્રત’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત માતાઓ દ્વારા તેમના સંતાનોના લાંબા આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. આ વ્રતની પરંપરા ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક પ્રદેશોમાં જોવા મળે છે. એવી લોકમાન્યતા છે કે, આ વ્રત કરવાથી દેવી જીવંતિકા પુત્રોની રક્ષા કરે છે અને બાળકોનું આયુષ્ય પણ વધારે છે.

શું છે વ્રત? કઈ રીતે કરવાનું? 

જીવંતિકા વ્રત એ એક એવું ધાર્મિક અનુષ્ઠાન છે, જેમાં માતાઓ પોતાના બાળકોના સારા સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સુરક્ષા માટે ઉપવાસ રાખે છે. વ્રતના દિવસે માતાઓ માતા જીવંતિકાની પૂજા કરે છે, જેને દેવી દુર્ગાનું એક સ્વરૂપ માનવામાં આવે છે. આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને દરેક પ્રકારની બીમારીઓ, અકાળ મૃત્યુ અને દુર્ઘટનાઓથી બચાવવાનો છે. આ વ્રતમાં માતાઓ સવારે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને માતા જીવંતિકાની મૂર્તિ અથવા ચિત્રની પૂજા કરે છે. 

પૂજામાં ફૂલ, ચંદન, અગરબત્તી, દીવો અને નૈવેદ્ય (ભોગ) અર્પણ કરવામાં આવે છે. ખાસ કરીને, બાળકોના નામની દોરી બાંધવી અને તેને બાળકના ગળામાં અથવા હાથમાં બાંધવી એ આ વ્રતનો મહત્વનો ભાગ છે. આ દોરીને ‘જીવંતિકા રક્ષાસૂત્ર’ કહેવામાં આવે છે, જે બાળકોની રક્ષા માટે રૂપક તરીકે ગણાય છે.

સંજોગવશ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત ન થાય તો બીજા શુક્રવારથી પણ વ્રતની શરૂઆત કરી શકાય છે. માતાઓ સવારે વહેલા ઊઠીને, સ્નાન કરીને જીવંતિકા માતાની તસવીર આગળ પાંચ દિવેટનો દીવો પ્રગટાવે છે અને ત્યારપછી અબીલ-ગુલાલ પુષ્પોથી માતાજીની પૂજા કરે છે. તે સિવાય મા જીવંતિકાને પ્રાર્થના કરી તેમની કથા સાંભળે છે. વ્રત કરનાર સ્ત્રીએ દિવસે પીળાં વસ્ત્રો, પીળા અલંકારો અને પીળા રંગની ચીજવસ્તુઓનો ત્યાગ કરવાનો હોય છે. લાલ રંગના વસ્ત્રો પહેરવાનો નિયમ હોય છે. પીળાં રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણી ઓળંગવું નહીં, તેવા નિયમો પણ ધારણ કરવાના હોય છે.

માતાજીની કથા સાંભળ્યા પછી માની પાંચ દિવેટોના દીવાથી આરતી કરવામાં આવે છે. ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવાનો હોય છે. પોતાના બાળકોના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે અને ઉપવાસ પણ કરવામાં આવે છે. આ દિવસે ખોટું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, આખો દિવસ માતાનું રટણ કરવું જેવા નિયમો પણ પાળવાના હોય છે.

ક્યારથી શરૂ થયું આ વ્રત? 

જીવંતિકા વ્રતની શરૂઆત વિશે ચોક્કસ ઐતિહાસિક નોંધ ઉપલબ્ધ નથી, કારણ કે આ વ્રત લોકપરંપરાઓ અને ધાર્મિક વિધિઓના ભાગરૂપે વિકસ્યું છે. જોકે, એવું માનવામાં આવે છે કે આ વ્રતની પરંપરા શાક્ત ઉપાસના પરંપરા સાથે જોડાયેલી છે, જે દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વ્રતની શરૂઆત મધ્યયુગીન ભારતમાં થઈ હોવાનું અનુમાન છે, જ્યારે માતૃશક્તિની ઉપાસના અને સંતાનોની સુરક્ષા માટેની ધાર્મિક વિધિઓ વધુ પ્રચલિત બની હતી. ચોક્કસ ઐતિહાસિક નોંધના અભાવે આ વ્રતની શરૂઆત લોકવિશ્વાસ અને લોકસાંસ્કૃતિક પરંપરાઓ પર આધારિત છે.

ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ

જીવંતિકા વ્રતનો સીધો ઉલ્લેખ વૈદિક ગ્રંથોમાં મળતો નથી, પરંતુ તે શાક્ત પરંપરા અને દેવી ઉપાસના સાથે સંબંધ ધરાવે છે. દેવી દુર્ગાના સ્વરૂપ તરીકે જીવંતિકા માતાને પૂજવામાં આવે છે અને તેનો ઉલ્લેખ ‘દેવી ભાગવત પુરાણ’ અને ‘માર્કંડેય પુરાણ’ જેવા પૌરાણિક ગ્રંથોમાં દેવીના વિવિધ સ્વરૂપોના સંદર્ભમાં જોવા મળે છે. ‘દેવી ભાગવત પુરાણ’માં દેવીના રક્ષણાત્મક સ્વરૂપોનું વર્ણન છે, જેમાં માતૃશક્તિ બાળકોની રક્ષા માટે મહત્વની ગણાય છે.

જીવંતિકા વ્રતની પરંપરા ખાસ કરીને લોકસંસ્કૃતિ અને પ્રાદેશિક પૂજા પદ્ધતિઓ સાથે વધુ જોડાયેલી છે. આ વ્રતનો ઉલ્લેખ ‘વ્રત રાજ’ અને ‘કથા સંગ્રહ’ જેવા લોકધર્મના ગ્રંથોમાં મળે છે, જેમાં વ્રતની વિધિ અને તેની લોકકથાઓનું વર્ણન કરવામાં આવે છે. ખાસ કરીને, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક પ્રદેશોમાં આ વ્રતની કથાઓ લોકગીતો અને મૌખિક પરંપરાઓ દ્વારા પ્રસારિત થઈ છે.

લોકકથા

આ વ્રત કરનારા માતાઓએ માતા જીવંતિકાના વ્રતને સાંભળવાનું હોય છે. તે વ્રતને આપણે સામાન્ય રીતે લોકકથા કહી શકીએ છીએ. તે લોકકથાનો ઉલ્લેખ પણ પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં જોવા મળતો નથી, પરંતુ લોકસંસ્કૃતિ અને લોકગીતોમાં તેનો અઢળક ઉલ્લેખ જોવા મળી શકે છે. માતા જીવંતિકા વ્રતની લોકકથા નીચે મુજબ છે– 

પ્રાચીન સમયની વાત છે. સુશીલકુમાર નામના ધાર્મિક રાજા અને તેની પત્ની સુલક્ષણા રાણી સુખી જીવન જીવતા હતા, પણ સંતાનસુખની ઝંખના તેમના હૃદયને કોરું રાખતી હતી. એક દિવસ, દાસી દાયણે રાણીને પુત્રની લાલચ આપી અને કહ્યું કે, ગામની એક બ્રાહ્મણી ગર્ભવતી છે, તેનું બાળક ચોરી કરીને રાણીને સોંપી દેવા માટે તે સક્ષમ છે. કારણ કે, તે વિસ્તારમાં દાયણ જ બધી મહિલાઓની સુવાવડ કરતી હતી. રાણીએ લાલચે દાયણને તે બ્રાહ્મણનું નવજાત બાળક લાવવા કહ્યું. દાયણે બાળક ચોરી લાવી રાણીને આપ્યું અને નગરમાં જાહેર થયું કે, રાજાને પુત્ર પ્રાપ્ત થયો! આનંદની લાગણીઓ વચ્ચે બ્રાહ્મણી પોતાના બાળકના વિયોગમાં ડૂબી ગઈ, પણ તેની શ્રદ્ધા માતા જીવંતિકાના વ્રતમાં અડગ હતી, જે તેના બાળકનું રક્ષણ કરતી હતી.

સમય વીતતો ગયો. બાળક મોટો થયો, રાજા અને બ્રાહ્મણનું અવસાન થયું અને યુવાન રાજકુમાર રાજગાદીએ બેઠો. પિતાના શ્રાદ્ધ માટે ગયાજી જતાં તે એક વાણિયાના ઘરે રોકાયો, જ્યાં છ દિવસનું નવજાત બાળક હતું. રાત્રે માતા જીવંતિકા રાજકુમારની રક્ષા માટે દરવાજે ઊભાં હતાં. ત્યાં વિધાતા આવ્યા, બાળકનું મૃત્યુ લખવા. પણ માતા જીવંતિકાએ રોકીને કહ્યું કે, “જ્યાં મારા પગ, ત્યાં અમંગળ નહીં!” વિધાતાએ માતાની આજ્ઞા માની, બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું. વાણિયો આશ્ચર્યચકિત થયો, કારણ કે તેનાં બધાં બાળકો સાતમે દિવસે મૃત્યુ પામતાં હતાં. તેણે રાજકુમારનો પ્રતાપ માન્યો અને પાછા આવવાનો આગ્રહ કર્યો.

ગયાજી પહોંચી રાજકુમારે શ્રાદ્ધ કર્યું. પિંડદાન વખતે નદીમાંથી બે હાથ બહાર આવ્યા, જેમાં તેણે પિંડ મૂક્યા અને રહસ્ય સાથે જ વિચારોમાં સરી પડ્યો. પાછા ફરતાં રાજકુમાર ફરી વાણિયાને ત્યાં રોકાયો, જ્યાં ફરી નવજાત બાળક હતું. રાત્રે વિધાતા આવ્યા અને માતા જીવંતિકાએ ફરી બાળકનું આયુષ્ય લખાવ્યું. વિધાતાએ માતાજીને પૂછ્યું કે, “તમે આ રાજકુમારનું રક્ષણ કેમ કરી રહ્યા છો?” તેમના જવાબમાં માતાએ કહ્યું કે, “તે રાજકુમારની માતા મારું વ્રત કરે છે, પીળાં વસ્ત્રો નથી પહેરતી, પીળા માંડવા નીચે નથી જતી, ચોખાનું પાણી નથી ઓળંગતી.” રાજકુમારે અર્ધજાગ્રત અવસ્થામાં આ તમામ વાતો સાંભળી લીધી હતી.

રાજ્યમાં પરત ફરી તેણે રાણીને પૂછ્યું કે, “મા તું કયું વ્રત કરે છે?” રાણીએ જણાવ્યું કે, તેઓ કોઈ વ્રત કરતા નથી. રાજકુમારને ખાત્રી થઈ ગઈ કે, આ તેની સગી માતા નથી. તેણે શ્રાવણના પહેલા શુક્રવારે નગરજનોને પીળાં વસ્ત્રો પહેરી જમવાનું આમંત્રણ આપ્યું. એક બ્રાહ્મણીએ પીળાં વસ્ત્રો પહેરવાની ના પાડી, કારણ કે તે જીવંતિકા વ્રત કરતી હતી. ત્યારબાદ રાજકુમારે તેમને બીજા વસ્ત્રો મોકલાવ્યાં. બ્રાહ્મણીના મહેલમાં પ્રવેશ સાથે જ ચમત્કાર થયો અને એકાએક બધાને ખ્યાલ આવ્યો કે, આ જ રાજકુમારની સગી માતા છે. આ સમગ્ર ઘટના બાદ રાણીએ રડતાં-રડતાં પોતાના ગુનાની કબૂલાત કરી માફી માંગી. તે પછી રાજકુમાર બ્રાહ્મણીને ભેટી પડ્યો અને તેમને મહેલમાં જ રાખવા લાગ્યો.

સાંસ્કૃતિક-ધાર્મિક મહત્વ

જીવંતિકા વ્રત ભારતીય સંસ્કૃતિમાં માતૃશક્તિના મહિમાને દર્શાવે છે. આ વ્રત માતાના બાળકો પ્રત્યેના અપાર પ્રેમ અને બલિદાનનું પ્રતીક છે. ખાસ કરીને આ વ્રત દેવી દુર્ગાના રક્ષણાત્મક સ્વરૂપને પ્રતિબિંબિત કરે છે, જે હિંદુ ધર્મમાં સર્વોચ્ચ શક્તિ તરીકે ગણાય છે. ગુજરાતમાં આ વ્રતની પરંપરા અન્ય દેવી વ્રતો જેવી કે ‘જેષ્ઠા ગૌરી વ્રત’ અને ‘હરતાલિકા તીજ’ સાથે પણ જોડાયેલી છે, જે માતૃત્વ અને પરિવારની સુખાકારીનું મહત્વ દર્શાવે છે. લોકકથાઓ દ્વારા આ વ્રતનું મહત્વ આજે પણ જીવંત છે અને તે ભારતીય સમાજમાં માતૃશક્તિના આદરનું ઉદાહરણ પૂરું પાડે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં