હોમપેજક્રાઈમ11 મિનિટના ગાળામાં સાત સ્થળોએ શ્રેણીબદ્ધ ધડાકા, 189નાં મોત, 800+ ઘાયલ: જે...

11 મિનિટના ગાળામાં સાત સ્થળોએ શ્રેણીબદ્ધ ધડાકા, 189નાં મોત, 800+ ઘાયલ: જે મુંબઈ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે આરોપીઓને છોડ્યા નિર્દોષ, વાંચો એ આતંકી ઘટના વિશે

6:35 સુધીના 11 મિનિટના સમયગાળા દરમિયાન મુંબઈમાં 7 સ્થળોએ અલગ-અલગ ટ્રેનોમાં ધડાકા થયા અને ક્યારેય ન અટકેલી માયનગરી સંપૂર્ણપણે થંભી ગઈ. 

- Advertisement -

2006ના મુંબઈ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં (7/11- Mumbai serial bomb blast case of 2006) બૉમ્બે હાઇકોર્ટે (Bombay High Court) તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર (Accused acquitted) કરીને છોડી મૂક્યા છે. 19 વર્ષ બાદ આ કેસનો ચુકાદો આવ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે, પુરાવાઓ અપૂરતા છે અને સાક્ષીઓનાં નિવેદન પણ અવિશ્વસનીય છે. આ તમામ 12 આરોપીઓને 2015માં સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે દોષી જાહેર કર્યાં હતા અને સજા પણ સંભળાવી દીધી હતી. 6 આરોપીઓને ફાંસીની સજા આપવાનો અને બાકીનાઓને આજીવન કારાવાસમાં નાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો.

જોકે, ત્યારબાદ આરોપીઓએ બૉમ્બે હાઇકોર્ટમાં જઈને સ્પેશ્યલ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. બૉમ્બે હાઇકોર્ટની સ્પેશિયલ બેન્ચે આ મામલે સુનાવણી કરીને આખરે ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે, ફરિયાદી પક્ષ આરોપીઓ વિરુદ્ધ આરોપો સાબિત કરી શક્યો નથી. જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ શ્યામ ચાંડકની વિશેષ ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. જોકે, તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી દેવાયા છે. લેખમાં 2006ની આ ક્રૂર ઇસ્લામી આતંકી ઘટના વિશેની માહિતી મેળવીએ.

2006 મુંબઈ ટ્રેન બ્લાસ્ટ (7/11) 

તારીખ હતી 11 જુલાઈ, 2006. દેશની આર્થિક રાજધાની અને માયાનગરી મુંબઈ પોતાના રોજિંદા કામમાં ખોવાઈ ગઈ હતી. આખા દિવસની દોડભાગ બાદ સંધ્યા ટાણે લોકો કામ પરથી ઘરે આવવા મથામણ કરી રહ્યા હતા. ટ્રેનો ભરચક હતી. ડબ્બાઓમાં ઘરે આવનારા કર્મચારીઓ, શ્રમિકો અને સામાન્ય શાળાના બાળકોના અવાજો પડઘા પાડી રહ્યા હતા. આખા દિવસના થાક બાદ ઘરે પહોંચવાની કુતૂહલતા લોકોના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. 

- Advertisement -

સાંજના 6ને 20 સુધી બધુ સામાન્ય હતું. ત્યારબાદની ત્રણ મિનિટ હજારો જિંદગીઓને તબાહ કરવાની હતી. લોકોને સહેજ પણ ખ્યાલ નહોતો. 6:23 કલાકે અચાનક ટ્રેનમાં ધડાકો થયો અને ધુમાડાના ગોટેગોટા આકાશના પ્રસરી ગયા. આસપાસના સ્થળોની તમામ વસ્તુઓ પણ તબાહ થઈ ચૂકી હતી. માણસોના શરીરના ચીથરાં ઊડી ગયાં હતાં અને ઘણા ઘાયલ થઈને તડફડી રહ્યા હતા. 6:35 સુધીના 11 મિનિટના સમયગાળા દરમિયાન મુંબઈમાં 7 સ્થળોએ અલગ-અલગ ટ્રેનોમાં ધડાકા થયા અને ક્યારેય ન અટકેલી માયનગરી સંપૂર્ણપણે થંભી ગઈ. 

આ હુમલાઓ મુંબઈની લોકલ ટ્રેનોના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં થયા હતા. સમયગાળો પણ એવો હતો કે, શ્રમિકો અને કર્મચારીઓ પોતાના કાર્યસ્થળેથી લોકલ ટ્રેનોમાં ઘર તરફ જઈ રહ્યા હતા એટલે અવરજવર પણ વધી ગઈ હતી. પહેલા બે બ્લાસ્ટ મહિમ અને બાંદ્રા સ્ટેશન પાસે રહેલી ટ્રેનમાં થયા. ત્યારબાદ 5 અન્ય બ્લાસ્ટ મીરા રોડ, માટુંગા, ખાર, જોગેશ્વરી અને બોરીવલી સ્ટેશનો પાસે થયા. બ્લાસ્ટ એટલા ભયાનક હતા કે ટ્રેનોના ડબ્બા તબાહ થઈ ગયા અને આસપાસનાં વૃક્ષો પણ સળગીને ખાખ થઈ ગયાં હતાં. પ્લેટફોર્મ અને રેલવે ટ્રેક પર માત્ર માનવ શરીરનાં ચીથરાં અને ટ્રેનનો કાટમાળ જોવા મળી રહ્યો હતો. આ આતંકી ઘટનામાં 189 લોકોનાં મોત થયાં હતાં અને 827થી વધુ લોકો ઘાયલ થયા હતા.

માહિતી અનુસાર, આ સાત ધડાકા માત્ર 11 મિનિટમાં થયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, ટ્રેનોમાં લગાવવામાં આવેલા બૉમ્બ RDX, અમોનિયમ નાઈટ્રેટ, ફ્યુઅલ ઓઇલ અને ખીલીઓથી બનેલા હતા, જેને સાત પ્રેશરકૂકરમાં મૂકવામાં આવ્યા હતા અને ટાઈમર સેટ કરીને ઉડાવી દેવામાં આવ્યા હતા. 

પાકિસ્તાની આતંકી સંગઠનનો હાથ અને એજન્સીઓની તપાસ

મહારાષ્ટ્ર ATSએ આ કેસની તપાસ હાથ ધરી હતી અને નવેમ્બર 2006માં ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. તપાસમાં લશ્કર-એ-તૈયબા (LeT) અને સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઈન્ડિયા (SIMI) સાથેના સંબંધો સામે આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, લશ્કર-એ-તૈયબાના આઝમ ચીમાએ બહાવલપુરમાં તેના ઘરમાં SIMI અને લશ્કરના બે જૂથોના વડાઓ સાથે આ આતંકી હુમલાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે એવું પણ જણાવ્યું હતું કે, મે, 2006માં 50 યુવાનોને બહાવલપુરની એક તાલીમ શિબિરમાં મોકલવામાં આવ્યા હતા અને તેમને બૉમ્બ બનાવવાથી લઈને બંદૂકો ચલાવવા માટેની આતંકી તાલીમ આપવામાં આવી હતી. 

આતંકી હુમલા બાદ મહારાષ્ટ્ર ATSએ ઘણા આરોપીઓની ધરપકડ પણ કરી હતી. 13ની ધરપકડ કરવામાં આવી હતી અને 15 આરોપીઓ ફરાર થઈ ચૂક્યા હતા. આમાંથી મોટાભાગના આરોપીઓ પાકિસ્તાની હતા અને કેટલાક ભારતીય મુસ્લિમ હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કમાલ અન્સારી, મોહમ્મદ ફૈઝલ અતાઉર રહેમાન શેખ, એહતેશામ કુતુબુદ્દીન સિદ્દીકી, નાવેદ હુસૈન ખાન, આસિફ ખાન, તનવીર અહેમદ અન્સારી, મોહમ્મદ માજિદ શફી, શેખ મોહમ્મદ અલી આલમ, મોહમ્મદ સાજિદ મરગુબ અન્સારી, મુઝ્ઝમિલ અતાઉર રહેમાન શેખ, સુહૈલ મહેમૂદ શેખ અને ઝમીર અહેમદ લતીફુર રહેમાન શેખનો સમાવેશ થાય છે. 13માં આરોપી વાહીદ શેખને 2015માં સ્પેશ્યલ ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હતો. ATSએ આ કેસમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (MCOCA) અને અનલૉફુલ એક્ટિવિટીઝ (પ્રીવેન્શન) એક્ટ (UAPA) હેઠળ આરોપો ઘડ્યા હતા. 

2015નો ટ્રાયલ કોર્ટનો ચુકાદો

લગભગ 9 વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ સ્પેશિયલ મકોકા (MCOCA– મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) કોર્ટે 11 સપ્ટેમ્બર, 2015ના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં એક આરોપીને નિર્દોષ ગણવામાં આવ્યો હતો અને 12 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. પાંચ આરોપીઓ-  કમાલ અન્સારી, મોહમ્મદ ફૈઝલ અતાઉર રહેમાન શેખ, એહતેશામ કુતુબુદ્દીન સિદ્દીકી, નાવેદ હુસૈન ખાન અને આસિફ ખાનને ફાંસી આપવા માટેનો આદેશ પણ આપી દેવામાં આવ્યો હતો. જ્યારે બાકીના 7 આરોપીઓને આજીવન કારાવાસની સજા સંભળાવી દેવામાં આવી હતી.

આજીવન કારાવાસની સજા મેળવેલા લોકોમાં તનવીર અહેમદ અન્સારી, મોહમ્મદ માજિદ શફી, શેખ મોહમ્મદ અલી આલમ, મોહમ્મદ સાજિદ મરગુબ અન્સારી, મુઝ્ઝમિલ અતાઉર રહેમાન શેખ, સુહૈલ મહેમૂદ શેખ અને ઝમીર અહેમદ લતીફુર રહેમાન શેખનો સમાવેશ થાય છે. તે સમયે કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઑફ રેર’ ગણાવ્યો હતો. આ આદેશમાં કોર્ટે પુરાવાઓ અને આરોપીઓની કબૂલાતો પર આધાર રાખ્યો હતો.

2016માં આરોપીઓ બૉમ્બે હાઇકોર્ટ પહોંચ્યા અને હવે નિર્દોષ છૂટ્યા

ટ્રાયલ કોર્ટના આ નિર્ણયને આરોપીઓએ બૉમ્બે હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને અરજી દાખલ કરી હતી. 2019માં બૉમ્બે હાઇકોર્ટે અરજીઓની સુનાવણી શરૂ કરી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ કેસમાં વિગતવાર દલીલો અને રેકોર્ડની સમીક્ષા કરવામાં આવશે. આ કેસ 2024 સુધી હાઇકોર્ટમાં પેન્ડિંગ રહ્યો હતો. ઘણી વખત ઝડપી નિર્ણયની માંગ કર્યાં બાદ જુલાઈ 2024માં એક સ્પેશિયલ બેન્ચ ગઠિત કરવામાં આવી, જેમાં દરરોજ કેસની સુનાવણી કરવામાં આવી હતી. ત્યારબાદ જઈને 21 જુલાઈના રોજ બૉમ્બે હાઇકોર્ટે ચુકાદો આપ્યો અને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા. 

બૉમ્બે હાઇકોર્ટે 2015ના ટ્રાયલ કોર્ટના ચુકાદાને રદ કરીને તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે. આરોપીઓને નિર્દોષ જાહેર કરવા પાછળનું કારણ દર્શાવતા કોર્ટે કહ્યું હતું કે, પ્રોસિક્યુશન આરોપો સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. કોર્ટે એવું પણ કહ્યું હતું કે, વોન્ટેડ ન હોય તેવા આરોપીઓને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવે. જોકે, કમાલ અન્સારી નામના આરોપીનું કોરોનાના કારણે મોત થયું હતું. વધુમાં ATSના ભૂતપૂર્વ વડા કેપી રઘુવંશીએ રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવાની સલાહ પણ આપી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં