22 એપ્રિલ, 2025ના પહલગામ આતંકી હુમલામાં (Pahalgam Terrorist Attack) 26 લોકો માર્યા ગયા જેમાં મોટાભાગે હિંદુ પર્યટકો હતા. હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે (TRF) લીધી. જોકે હવે તેણે દાવો કર્યો છે કે આ હુમલામાં તેની સંડોવણી નહોતી. પરંતુ હુમલા પાછળ આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાન છે, તેના ઠોસ પુરાવાઓ મળ્યા બાદ ભારત સરકારે કાર્યવાહીઓ આરંભી. જેમાં પાકિસ્તાનીઓ માટે વિઝા સેવાઓ સ્થગિત, અટારી-વાઘા સરહદ બંધ, હાલના વિઝા રદ્દ, સિંધુ જળ સંધિ સ્થગન, અને પાકિસ્તાની રાજદૂતોની હકાલપટ્ટીનો સમાવેશ થાય છે.
બીજી તરફ મીડિયાએ પણ પોતાનું કામ ચાલુ કરીને ભારત પર હુમલો કરાવનાર આતંકી દેશ પાકિસ્તાનના નાગરિકોને લઈને ભાવનાત્મક રિપોર્ટ્સ આપણા માથે મારવાના શરૂ કરી દીધા. ક્યાંક કોઈ પરિવારથી વિખૂટી પડી ગયેલી મહિલાઓની ‘વ્યથા’ દર્શાવી રહ્યું છે તો કોઈક કહી રહ્યું છે કે પાકિસ્તાની બાપે તેના અમુક મહિનાના બાળકની સારવાર માટે વધુ સમય માંગ્યો છે. કોઈ વળી અચાનક દેશ છોડતા પાકિસ્તાનીઓની નિરાશા દર્શાવી રહ્યું છે.
આ અહેવાલો અને સ્ટોરીઓ કયા સમયે અને કઈ રીતે રજૂ કરવામાં આવી રહ્યાં છે તેની ઉપર પણ વિશેષ ધ્યાન આપવું રહ્યું. દરેક બાબતમાં સમયનું મહત્ત્વ છે, આમાં પણ છે. આ બધું વાંચીએ તો એવું લાગે છે કે આવા અહેવાલો આતંકવાદી હુમલા બાદ દેશની સરકારે લીધેલા નિર્ણયો બાદ દેશને અને સરકારને બંનેને ગિલ્ટમાં નાખવાનો પ્રયાસ છે.
મીડિયાની જવાબદારી છે કે તે નીતિઓની વ્યક્તિગત અસરો દર્શાવે. પરંતુ વિઝા પ્રતિબંધથી ભારતીય નાગરિકો સાથે લગ્ન કરેલી મહિલાઓ, મેડિકલ સારવાર લેતા લોકો, કે પંજાબની સાંસ્કૃતિક મુલાકાતે આવેલા પાકિસ્તાનીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, વગેરે જેવી બાબતોના આધારે રિપોર્ટ્સ છાપી, તેમાં પાકિસ્તાની નાગરિકોની વ્યથા દર્શાવીને સાબિત શું કરવામાં આવી રહ્યું છે એ પ્રશ્ન છે.
પહલગામ આતંકી હુમલો 26 નિર્દોષ લોકોનો ધર્મ પૂછીને કરાયેલ હત્યાકાંડ હતો. જે પાકિસ્તાન આધારિત આતંકવાદની શ્રેણી 2008ના મુંબઈ હુમલા, 2016ના ઉરી એટેક, 2019ના પુલવામા એટેકનો ભાગ છે. જેના જવાબમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહનાં નિવેદનો તેમજ દેશભરના વિરોધ પ્રદર્શનો રાષ્ટ્રીય ગુસ્સો અને ન્યાયની માંગ દર્શાવે છે. આવા સમયે પાકિસ્તાની નાગરિકોની વ્યથા પર ભાર મૂકતા રિપોર્ટ્સ સીધી કે આડકતરી રીતે એક અલગ નેરેટિવ બનાવે છે જેનાથી હુમલાની ગંભીરતા અને ભારતની નીતિઓના હેતુ બંનેને અસર પહોંચવાની શક્યતાઓ છે.
બીજી તરફ એવું લાગી રહ્યું છે મીડિયા હુમલાના પીડિતોની પીડા અને આપવીતી પર ઓછું ધ્યાન આપી રહ્યું છે જે ગંભીર ચિંતા ઉભી કરે છે. હુમલામાં માર્યા ગયેલા 26 હિંદુઓના પરિવારોની વેદના, તેમના આર્થિક-માનસિક નુકસાનની વ્યથા અને આ હુમલાની ધાર્મિક પૃષ્ઠભૂમિ કે આતંકવાદીઓએ ધર્મ પૂછીને હત્યા કરી પર એટલું ધ્યાન ગયું નથી અને તરત બીજા મુદ્દા પર કૂદકો મારી દેવામાં આવ્યો. આ અવગણના આકસ્મિક નથી લાગતી.
માત્ર એક જ નજરે જુઓ તો લાગી શકે કે આ રિપોર્ટ્સ માનવતાની દૃષ્ટિએ ખોટા નથી—એક પિતાની બાળકોની સારવારની ચિંતા કે પરિવારથી વિખૂટા પડવાની વેદના વાસ્તવિક છે. પરંતુ, જ્યારે દેશ 26 નિર્દોષ લોકોના હત્યાકાંડનું દુઃખ અનુભવી રહ્યો છે, મજહબી આતંકવાદની વિરુદ્ધમાં સળગી રહ્યો છે, એ 26 લોકોને પોતાના માનીને એક બની રહ્યો છે અને પાકિસ્તાનની સંડોવણીના પુરાવા સ્પષ્ટ છે, ત્યારે પાકિસ્તાનીઓના દુઃખને પ્રાધાન્ય આપવું એ વિચિત્ર પણ છે અને ઘણા પ્રશ્નો પણ ઊભા કરે છે.
વાસ્તવમાં સહાનુભૂતિ અને સંદર્ભ વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે. પાકિસ્તાની ‘બાપડા-બિચારા’ લોકોના દુઃખને આ હુમલાની પૃષ્ઠભૂમિ, આતંકવાદનો ઈતિહાસ, અને ભારતના પગલાંના ઉદ્દેશ સાથે સરખામણી કરીને જોવું જોઈએ. બંને પક્ષ જોવા જઈએ તો ભારતની નીતિઓમાં ન્યાયસંગતતા દેખાય છે, જેમાં કરતારપુર કોરિડોર ખુલ્લો રાખવો અને હિંદુ પાકિસ્તાની વિઝાને મુક્તિ—જે દર્શાવે છે કે ભારત લોકોના સંબંધોને સંપૂર્ણ રીતે નથી તોડી રહ્યું.
એ પણ એક હકીકત છે કે શત્રુ રાષ્ટ્રમાં શત્રુ માત્ર જે-તે દેશની સરકાર કે સેના હોતી નથી. ત્યાંનો એકએક નાગરિક, એકએક કલાકાર, કોઈ ખેલાડી કે કોઈ અભિનેતા– આ તમામ શત્રુઓની શ્રેણીમાં જ આવે છે. તેની સામે સમય આવ્યે તમારે કડક પગલાં લેવાં પડે છે. ’અમન કી આશા’ અને એવી વાતો આ જ મીડિયા અને સ્યુડો સેક્યુલરો કરતા આવ્યા છે, પણ દરેક વખતે પાકિસ્તાન તરફથી આતંકવાદી ઘટનાઓ જ મળી છે, બીજું કશું નહીં. આ સ્થિતિમાં ફાલતુ સહાનુભૂતિ દાખવવું એ મૂર્ખતા છે. આવા સમયે તો બિલકુલ નહીં.


