દિલ્હીમાં હવા એટલી ઝેરીલી (Delhi Air Polution) થઈ ગઈ છે કે શ્વાસ લેવું મુશ્કેલ થઇ પડ્યું છે. રાજધાનીનો AQI (Air Quality Index) પણ ક્યારેક-ક્યારેક 300-400 વતી જાય છે. તો બીજી તરફ દિલ્હીમાં જ એક ઘર એવું છે, જ્યાંનું વાતાવરણ એટલું શુદ્ધ છે કે ત્યાનું AQI 10-15 સુધી જ રહે છે. આ ઘર છે સૈનિક ફર્મ્સમાં રહેતા પીટર સિંહ અને નીનો કૌરનું.
પીટર અને નીનો કૌરે સ્વ-સંવર્ધન ટેકનીકથી (Self-Enhancement Techniques) આ ઘર બનાવ્યું છે. તેમાં સિમેન્ટને બદલે ચૂનાના મોર્ટારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘરમાં રંગોના બદલે પણ ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ છત પર કોંક્રિટના સ્લેબને બદલે પથ્થરની ટાઇલ્સ લગાવી છે, જે ઉનાળામાં તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
આ ઉપરાંત આ ઘરની ખાસ વાત એ છે કે અહીં 15,000થી વધુ છોડ વાવવામાં આવ્યા છે, જે હવાને શુદ્ધ કરવામાં મદદ કરે છે. આ છોડ માત્ર બહારની હવાની ગુણવત્તામાં સુધારો જ નથી કરતા, પરંતુ ઘરના અંદરની હવાને પણ સ્વચ્છ રાખે છે. આ ઘરની AQI હંમેશા 15થી નીચે જ રહે છે.
બીજી તરફ જો વીજળી વગેરેની વાત કરીએ તો ઘર સંપૂર્ણપણે સૌર ઊર્જા પર નિર્ભર છે અને ઓફ ગ્રિડ ચાલે છે. આ ઘરમાં પાણીનો બગાડ ન થાય તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. અહીં 15,000 લિટરની ટાંકીમાં વરસાદી પાણી એકઠું કરવામાં આવે છે, જેનો ઉપયોગ છોડને સિંચાઈ માટે કરવામાં આવે છે. પાણીનો વ્યય ન થાય તે અંતે અહીં પાણીનું રિસાયક્લિંગ કરવામાં આવે છે.
પીટર અને નીનોના આ ઘરમાં, બંને જાતે જ ઓર્ગેનિક ખાદ્ય વસ્તુઓ ઉગાડે છે. આ યુગલ હાર્વેસ્ટ બાદ વધેલા પાકના અવશેષોનો ઉપયોગ કરીને ખાતર બનાવે છે, જેમાંથી તેઓ મશરૂમ જેવી પૌષ્ટિક ખાદ્ય વસ્તુઓ ઉગાડે છે. આ જ રીતે તેમના ઘરમાં લગભગ તમામ શાકભાજી ઉગાડવામાં આવે છે અને તેમને બહાર શાકભાજી ખરીદવાની જરૂર જ નથી પડતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીટર અને નીનોએ આવું ઘર ત્યારે બનાવ્યું જ્યારે જાણવા મળ્યું કે નીનો બ્લડ કેન્સરથી પીડિત છે અને તેમના ફેફસા દિલ્હીની ઝેરી હવાને સહન કરવા સક્ષમ નથી. ડોક્ટરોએ તો તેમને દિલ્હી છોડી દેવાની પણ સલાહ આપી હતી, પરંતુ આ યુગલે દિલ્હીમાં રહીને પોતાની જ એક દુનિયા બનાવી નાંખી, જે આજે દિલ્હીમાં રહેતા લોકો માટે એક મોટા ઉદાહરણરૂપ છે.