ભગવાન બિરસા મુંડાના પ્રપૌત્ર (Birsa Munda Great-grandson) મંગલ મુંડાએ (Mangal Munda) ઝારખંડના રાંચીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર હૃદયના ધબકારા બંધ થવાના કારણે તેમનું નિધન થયું હતું. મંગલ મુંડાને એક રોડ અકસ્માતમાં ઘાયલ થયા બાદ રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS) ખાતે લઇ જવામાં આવ્યા હતા. પરિવારનો દાવો છે કે જો હોસ્પિટલમાં તેમને યોગ્ય સારવાર મળી હોત તો આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત. 25 નવેમ્બરથી મંગલ મુંડા RIMS ખાતે ભરતી હતા.
અહેવાલો અનુસાર 25 નવેમ્બરની સાંજે ખુંટી તમાડ રોડ પર રૂતાડીહ પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બિરસા મુંડાના પરિવારના સભ્યો સહિત ઘણા લોકો ટાટા મેજિક પર બેઠા હતા. જે પલટી ખાતા મંગલ મુંડાને ગંભીર ઈજા પહોંચી હતી. તેમની ઉંમર લગભગ 45 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. મંગલ મુંડાના મગજની બંને બાજુ લોહીના ગઠ્ઠા હતા. ઈજાના કારણે ઘણું લોહી વહી ગયું હતું. તેમને તાત્કાલિક ઓપરેશનની જરૂર હતી.
બિરસા મુંડાના પ્રપૌત્ર મંગલ મુંડાને 25 નવેમ્બરની રાત્રે લગભગ 10 વાગ્યે RIMS ખાતે લઇ જવામાં આવ્યા, જ્યાં હોસ્પિટલના CEOએ કોઈ બેડ ખાલી ન હોવાનો કહીને તાત્કાલિક સારવાર પુરી પાડી નહીં. સમગ્ર રાત્રિ દરમિયાન મંગલ મુંડાને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન લગાવવામાં આવ્યું. 26 નવેમ્બરની સવારે જયારે ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ CM અર્જુન મુંડાએ હોસ્પિટલમાં કોઈની સાથે વાતચીત કરી ત્યારપછી મંગલ મુંડાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા.
મંગલ મુંડાના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમની તાત્કાલિક સારવાર કરવામાં આવી નહોતી. હોસ્પિટલમાં ભરતી કર્યા બાદ તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. તેમના ભાઈ જંગલ સિંઘ મુંડાએ જણાવ્યું હતું કે જયારે મીડિયામાં અહેવાલો આવ્યા એ પછી CM હેમંત સોરેને હોસ્પિટલને સારવાર માટે નિર્દેશ આપ્યા. તેમને ખબર હતી કે હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર થાય છે છતાં તેમને 15,000ની દવાઓ બહારથી ખરીદવી પડી હતી.
જંગલ સિંઘે જણાવ્યું હતું કે મંગળવારે મંગલ મુંડાની સર્જરી બાદ તેમને ક્રિટિકલ કેરના ICU Dમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમના સંબંધીઓ આખી રાત ખુરશીની માંગણી કરતા રહ્યા પરંતુ તેમને બેસવા માટે એક પણ ખુરશી આપવામાં નહોતી આવી. પરંતુ જયારે 27 નવેમ્બરે મુખ્યમંત્રીના હેમંત સોરેન આવ્યા એટલે તરત જ તેમના માટે ખુરશીઓ લાવી દેવામાં આવી હતી.
અહેવાલો મુજબ 28 નવેમ્બરે રાત્રે 12:30 આસપાસ મંગલ મુંડાએ તેમના અંતિમ શ્વાસ લીધા હતા. તેમના ભાઈ જંગલ સિંઘે દાવો કર્યો હતો કે જો હોસ્પિટલે સારવારમાં બેદરકારી ન રાખી હોત તો આ પરિસ્થિતિ ન આવત. તેમણે કહ્યું હતું કે તેઓ 7 કલાક સુધી રાહ જોતા બેસી રહ્યા હતા અને એમ્બ્યુલન્સમાં મંગલ મુંડા સતત પીડાતા રહ્યા. જો સમયસર સારવાર મળી હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત.