Saturday, November 23, 2024
More
    હોમપેજગુજરાતહવે દારૂની ખેપમાં ઝડપાયેલા વાહનો પોલીસ સ્ટેશનમાં નહીં સડે: સરકાર હરાજી કરીને...

    હવે દારૂની ખેપમાં ઝડપાયેલા વાહનો પોલીસ સ્ટેશનમાં નહીં સડે: સરકાર હરાજી કરીને તે રૂપિયા ગરીબો પાછળ વાપરશે, વિધાનસભામાં ‘નશાબંધી સુધારા વિધેયક’ થયું રજૂ

    ગુજરાત પોલીસ અવારનવાર આ પ્રકારની ખેપો પકડીને રાજ્યમાં દારૂ ઘૂસતો અટકાવે છે. તેવામાં આ દારૂની હેરફેર માટે વપરાયેલા વાહન પણ મુદ્દામાલ સાથે જપ્ત કરી લેવામાં આવે છે. મોટા ભાગના કિસ્સામાં પોલીસ દ્વારા જે દારૂ પકડવામાં આવ્યો હોય તે દારૂના જથ્થાની કિંમતથી વધુ કિંમતના તો તે વાહનો હોય છે.

    - Advertisement -

    આપણે અનેક પોલીસ સ્ટેશનમાં હજારોની સંખ્યામાં જપ્ત થયેલા વાહનો સડતા જોયા હશે, પરંતુ હવે આગામી સમયમાં આ પ્રકારના દ્રશ્યો કદાચ નહીં દેખાય. સરકારે નિર્ણય લીધો છે કે દારૂની ખેપમાં ઝડપાયેલા વાહનોની હરાજી કરીને તેમાંથી ઉભા થયેલા રૂપિયાનો સદુપયોગ કરવામાં આવે. ચોમાસું સત્ર દરમિયાન વિધાનસભામાં (Assembly Monsoon Session) નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પોતાના વિચાર મૂક્યાં હતા. તેઓએ કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીના કાયદામાં પોલીસ પ્રક્રિયા સરળ કરવા અને ગુનેગારોને અંકુશમાં રાખવા ઉપરાંત દારૂની હેરફેર કરતા વાહનો બીજી વાર ઉપયોગમાં ન લેવાય અને પોલીસ સ્ટેશનમાં પડ્યા રહીને ભંગાર ન થાય તે માટે થઈને આ પ્રકારના વાહનોની હરાજી (Auction of vehicles) કરીને તેના નાણાનો ઉપયોગ સમાજ હિત-સરકારી યોજનાઓ પાછળ કરાશે. આવા ભંગાર થયેલા વાહનોની હરાજી બાદ જો કોઈ વ્યક્તિ કોર્ટમાંથી નિર્દોષ સાબિત થાય અને તેનું વાહન હરાજીમાં વેચાઈ ગયું હોય તો જે તે માલિકને હરાજીમાં મળેલી રકમ વ્યાજ સાથે પરત આપવામાં આવશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

    નોંધનીય છે કે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યો સાથે સીમાઓ ધરાવે છે. રાજ્યમાં દીવ અને દાદરાનગર હવેલી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો પણ છે. ઉપરોક્ત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાત જેવી કડક નશાબંધીની નીતિ નથી. તેવામાં આટલી વિશાળ સરહદો પરથી રાજ્યમાં દારૂ પ્રવેશતો અટકાવવો મોટો પડકાર છે. તેમ છતાં ગુજરાત પોલીસ (Gujarat Police) અવારનવાર આ પ્રકારની દારૂની ખેપો પકડીને રાજ્યમાં દારૂ ઘૂસતો અટકાવે છે. તેવામાં આ દારૂની હેરફેર માટે વપરાયેલા વાહન પણ મુદ્દામાલ સાથે જપ્ત કરી લેવામાં આવે છે.

    મોટા ભાગના કિસ્સામાં પોલીસ દ્વારા જે દારૂ પકડવામાં આવ્યો હોય તે દારૂના જથ્થાની કિંમતથી વધુ કિંમતના તો તે વાહનો હોય છે. વર્તમાનમાં ગુજરાતમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દારૂ સહિતના ગુનામાં ઝડપાયેલી 250 જેટલી લકઝરીયસ ગાડીઓ જપ્ત થયેલી પડી છે અને તેની કિંમત પકડાયેલા મુદ્દામાલ કરતા ક્યાય વધુ છે. તેવામાં જો આ વાહન છૂટી જાય તો તેનો ફરી વખત ગુનામાં ઉપયોગ થવાની શક્યતા રહેલી હોય છે. ત્યારે પોલીસ દ્વારા આવા વાહનો જપ્ત કરીને સીઝ કરી દેવામાં આવે છે.

    - Advertisement -

    બે વર્ષમાં 22,442 વાહનો જપ્ત કરવામાં આવ્યા

    સરકારે જાહેર કરેલી માહિતી અનુસાર દારૂની હેરફેરના કેસોમાં ગત બે વર્ષમાં જ પોલીસ દ્વારા 22,442 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને તે પૈકી આશરે 7213 વાહનો પોલીસ સ્ટેશન ખાતે હજુ જમા છે. ત્યારે સરકાર દ્વારા આ પ્રકારની વાહનોની હરાજી કરીને તેમાંથી ઉભી થયેલી રકમનો સદુપયોગ કરવાનો નિર્યણ ખરેખર આવકાર્ય છે. સરકારે આ પ્રકારની હરાજીઓ કરવાની સત્તા DySP કક્ષાના અધિકારીને સોંપવાનો નિર્ણય લીધો છે. કાયદામાં આ મહત્વપૂર્ણ સુધારો થવાથી સડીને ભંગાર થતા વાહનોની નિકાલ થશે અને તેમાંથી ઉભી થયેલી રકમ હજારો ગરીબ પરિવારો પાછળ ઉપયોગમાં લેવાશે.

    ઉલ્લેખનીય છે કે અનેક કિસ્સાઓમાં તેવું બન્યું છે કે કેટલાક વાહનો લાંબા સમય બાદ કોર્ટે મુક્ત કરવાના આદેશો આપ્યા હોય, પરંતુ તેની હાલત એટલી ખરાબ હોય છે કે તેને કોઈ લેવા નથી આવતું અને તે પોલીસ સ્ટેશનમાં પડ્યા રહે છે. વાહનો લાંબા સમય સુધી બંધ હાલતમાં પડ્યા રહેતા હોવાથી તેની વેલ્યુમાં સતત ઘટાડો થાય છે. ઉપરાંત જપ્ત કરેલ વાહનોની જાળવણીનાં તેમજ રાખવા માટે જગ્યાનો પણ પ્રશ્ન ઉદભવે છે. તેવામાં જપ્ત કરેલ વાહનોનો યોગ્ય અને ઝડપી નિકાલ કરવો જરૂરી બની જાય છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ પ્રવર્તમાન નિયમમાં સુધારો કરવો ખુબ જ જરૂરી અને અનિવાર્ય હોઈ સરકાર દ્વારા બિલ લાવવામાં આવ્યુ છે.

    નોંધનીય છે કે આ કાયદો 20 લીટરથી વધારે દારૂ પકડાય તેવા વાહનો માટે છે. દારૂના મોટા પાયે વેપાર કરતા બુટલેગરોના વાહનો જપ્ત કરીને તેની હરાજી કરી આ રકમનો ઉપયોગ નાગરિકોને અપાતા યોજનાકિય લાભોમાં કરવામાં આવશે. હાલ રાજયમાં ગૌવંશના હેરફેરના કાયદામાં વાહનોની હરાજી કરવાની જોગવાઈ છે. તેમાં વાહનોની હરાજી કેવી રીતે કરવી તેની માર્ગદર્શિકા છે. આ માર્ગદર્શિકા અને અન્ય મુદ્દાઓ ધ્યાને લઈને આના માટે નવા નિયમો બનાવવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં