સેક્યુલરો અને હિંદુ વિરોધીઓ હિંદુ આસ્થા, પરંપરા કે ધર્મની મજાક ઉડાવવા માટે ગૌમૂત્રને લઈને ટિપ્પણી કરતા જોવા મળે છે. આતંકવાદીઓથી લઈને સેક્યુલરો, વિપક્ષ નેતાઓ હિંદુઓને ‘ગૌમૂત્ર પીનારા’ ગણાવીને મજાક ઉડાવી ચૂક્યા છે કે તેમને નીચા દેખાડવાના પ્રયત્નો કરી ચૂક્યા છે. જોકે, તાજેતરમાં જ દેશની એક રાજ્ય સરકારે ગૌમૂત્રની ખરીદી શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે આ રાજ્ય કોંગ્રેસશાસિત છે.
છત્તીસગઢની કોંગ્રેસ શાસિત સરકાર ગૌમૂત્રની ખરીદી કરીને તેનાથી જંતુનાશક બનાવવાની તૈયારી કરી રહી છે. આ માટે સરકાર આજથી રાજ્યભરમાં ગૌમૂત્રની ખરીદી કરવાની શરૂઆત કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેશ બધેલ સ્વયં તેમના ગૃહજિલ્લા ખાતેથી ગૌમૂત્રની ખરીદી કરવાની શરૂઆત કરશે.
છત્તીસગઢ રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ગૃહ જિલ્લા દુર્ગના પાટનના કરસા ગામ ખાતેથી ગૌમૂત્રની ખરીદી કરીને યોજનાની શરૂઆત કરાવશે. જ્યારે રાયપુર સહિતના અન્ય જિલ્લાઓમાં પણ આ જ પ્રકારે ખરીદી કરવામાં આવશે.
રાજ્યમાં બે વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલ ગોધન ન્યાય યોજના હેઠળ પશુપાલકો પાસેથી 2 રૂપિયા કિલોના દરે છાણની ખરીદી પણ કરવામાં આવે છે. જેનો ઉપયોગ જૈવિક ખાતરના નિર્માણ માટે કરવામાં આવે છે. સરકારે જણાવ્યું છે કે, ગૌમૂત્રની ખરીદી કરીને તેને કીટનાશક ઉપ્તાદન, જીવામૃત અને ગ્રોથ પ્રમોટર બનાવવામાં આવશે. જેનાથી રાજ્યના ખેડૂતોને મોંઘા રસાયણિક જંતુનાશકોને બદલે સસ્તા દરે જંતુનાશકો મળી રહેશે.
ગૌમૂત્રના અનેક ફાયદાઓ છે. તેને લઈને આયુર્વેદ ઉપરાંત મોડર્ન મેડિકલ સાયન્સ ક્ષેત્રે પણ અનેક અભ્યાસ અને સંશોધનો થયાં છે અને નિષ્ણાતોનું માનવું છે કે ગૌમૂત્ર એક દવા જેવું કામ કરે છે અને જો તેમાં ઔષધિઓ ઉમેરવામાં આવે તો તેની અસરકારકતા અનેકગણી વધી જાય છે. આ ઉપરાંત, ખાતર અને જંતુનાશકો બનાવવામાં પણ તે ઘણું અસરકારક નીવડે છે.
હિંદુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. હિંદુઓ ગાયની પૂજા કરે છે. જેના કારણે ધર્મ પ્રત્યેનો દ્વેષ પ્રગટ કરવા માટે ‘ગૌમૂત્ર’નો સહારો લેવામાં આવે છે. ભૂતકાળમાં આતંકવાદીઓ, વિપક્ષ નેતાઓ વગેરે ગૌમૂત્રને લઈને ટિપ્પણી કરી ચૂક્યા છે.
2019માં પુલવામામાં આતંકી હુમલો કરનાર આતંકવાદી આદિલ અહમદ ડારે એક વિડીયો જારી કર્યો હતો. જેમાં તે કહેતો સંભળાય છે કે તે અલ્લાહના નામ પર ‘ગૌમૂત્ર પીનારા લોકો’ને પાઠ ભણાવવા ઈચ્છે છે. આ ઉપરાંત, તાજેતરમાં જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક ભાષણમાં ભાજપ નેતાઓના મોંમાં ‘ગોબર અને ગૌમૂત્ર’ ભરેલાં છે તે પ્રકારનું નિવેદન જાહેરમંચ પરથી આપ્યું હતું.
એક તરફ સેક્યુલરો અને વિપક્ષી પાર્ટીઓ ગૌમૂત્રને લઈને હિંદુઓ પર શાબ્દિક હુમલાઓ કરતી રહે છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા જ શાસિત સરકારો (જે તથાકથિત સેક્યુલરોની નજરમાં એકદમ શુદ્ધ છે) ગૌમૂત્રનું મહત્વ સમજીને તેનો ઉપયોગ ખાતર અને જંતુનાશકો બનાવવા માટે કરી રહી છે. તેમની વિટમ્બણા એ છે કે અહીં વિરોધમાં બોલી શકાય તેમ પણ નથી.