લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં યોજાયેલું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. સાંજે 6 વાગ્યે નિયમાનુસાર મતદાન બંધ કરવામાં આવ્યું. મતદાન પૂર્ણ થયા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને મતદાન પૂર્ણ થયું હોવાની ઔપચારિક ઘોષણા કરીને આંકડાકીય માહિતીઓ આપી હતી.
તેમણે જણાવ્યું કે, રાજયના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઇ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક (સુરત બિનહરીફ જાહેર થઈ હોવાના કારણે ત્યાં ચૂંટણી ન થઈ) પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું. તેમણે ઉમેર્યું હતું કે, મોડી રાત્રે 12 વાગ્યા સુધીમાં ચોક્કસ ટકાવારી જાણી શકાશે.
પાંચ વાગ્યા સુધીમાં થયેલા મતદાનની વાત કરવામાં આવે તો, સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર નોંધાયું છે. અહીં 68.12% મતદાન થયું. જ્યારે અમરેલીમાં સૌથી ઓછું 45.59% મતદાન નોંધાયું. બનાસકાંઠા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ અને બારડોલી એવી બેઠકો છે, જ્યાં 60%થી વધુ મતદાન નોંધાયું. 50%થી નીચેમાં અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી અને ભાવનગર બેઠકોનો સમાવેશ થાય છે. બાકીની બેઠકો પર 50થી 60 ટકા વચ્ચે સરેરાશ મતદાન નોંધાયું.
As of 5:00 pm, Highest voting was recorded in Valsad District with 68.12%, while the lowest was recorded in Amreli District with 45.59%. https://t.co/wDNd81k96z pic.twitter.com/2DSuUIdBzn
— DeshGujarat (@DeshGujarat) May 7, 2024
નોંધનીય છે કે આ મતદાનના સરેરાશ અંદાજિત આંકડાઓ 5 વાગ્યા સુધીના છે. મતદાન 6 વાગ્યા સુધી ચાલ્યું હતું, જેથી આમાં હજુ સુધારો જોવા મળશે. વધુમાં, ત્યારબાદ પણ અંતિમ અને ચોક્કસ આંકડો જાણવા હજુ થોડા કલાક રાહ જોવી પડશે.
મુખ્ય નિર્વાચન અધિકારીએ ઉમેર્યું હતું કે, રાજયના 25 સંસદીય મતવિભાગોના 49,140 મતદાન મથકો પૈકી 1,820 મતદાન મથકોમાં 2 BUs નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન દરમિયાન સાંજના 5.00 કલાક સુધીમાં 116 એટલે કે 0.23 % BU, 114 એટલે કે 0.23 % CU અને 383 એટલે કે 0.78 % VVPAT બદલવામાં આવ્યા હતા. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યાં હતાં. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં ત્વરિત EVMના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.
તા. 7 મે ના રોજ મતદાનના કલાકો દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા 8 એલર્ટ્સ મળી હતી. જેમાં EVM અંગેના 3 એલર્ટ્સ, આદર્શ આચારસંહિતા ભંગની 1 તથા અન્ય 4 એલર્ટ્સ હતી. c-VIGILના માધ્યમથી મતદાનના દિવસે 186 તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં કુલ 5,118 ફરિયાદો મળી કુલ 5,315 ફરિયાદો મળી છે. National Grievance Service Portal માધ્યમથી મતદાનના દિવસે 759 ફરિયાદ તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં 15,581 મળી અત્યાર સુધીમાં કુલ 16,340 ફરિયાદો મળી છે તેમ તેમણે જણાવ્યું હતું.
જાણકારી આપવામાં આવ્યા અનુસાર, મતદાનના દિવસે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કંટ્રોલરૂમ સહિત EVM સંબંધી 11, આદર્શ આચારસંહિતા સંબંધી 21 તથા બોગસ વોટીંગ, કાયદો વ્યવસ્થા, ક્રાઉડીંગ વગેરે અંગે 18 અને અન્ય 42 મળી કુલ 92 ફરિયાદો મળી છે. અન્ય માધ્યમો થકી તા. 6 મે સુધી 2,384 મળી અત્યાર સુધીમાં કુલ 2,476 ફરિયાદો મળી છે. આમ કુલ 24,131 ફરિયાદો મળી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે ભરૂચના કેસર, સુરતના સણધરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જ્યારે માંગરોળના ભાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે.
પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે રાજ્યના 25,000 જેટલા મતદાન મથકો ખાતેથી વૅબ કાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ફરિયાદો મળી હતી તે મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ થકી ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું.
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પોલીંગ સ્ટાફની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, લગભગ 40 થી 41 ડિગ્રીની ગરમીમાં પણ મતદાન સ્ટાફે ખૂબ જ નિષ્ઠાથી ફરજ નિભાવી છે તે બદલ તેમણે મતદાન સ્ટાફ તથા તેમના પરિવારજનોનો આભાર પ્રગટ કર્યો હતો.
રાજ્યમાં બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, રાજુલામાં એક કર્મચારીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે જાફરાબાદ તાલુકામાં એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને છોટાઉદેપુરમાં એક પોલીસ કર્મચારીનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમણે દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પી હતી.