ઉત્તરપ્રદેશના બાંદામાં એક મુસ્લિમ મહિલા પર બળજબરીથી ધર્મપરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મુસ્લિમ મહિલાએ એક યુવકને પોતાની પુત્રી સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ અંગીકાર કરવા માટે કહ્યું હતું અને સાથે 4 લાખ રૂપિયાની ઓફર પણ કરી હતી. આ મામલે હિંદુ યુવકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ મામલો પ્રેમ પ્રકરણનો છે. ઉત્તર પ્રદેશના બાંદામાં એક હિંદુ સગીર અને મુસ્લિમ સગીરા વચ્ચે શાળામાં અભ્યાસ દરમિયાન પ્રેમ થઇ ગયો હતો અને બંને લગ્ન કરવાની જીદ લઇને બેઠાં હતાં. જોકે, બંને અલગ-અલગ ધર્મના હોવાના કારણે પરિજનોએ ઇનકાર કરી દીધો હતો પરંતુ કિશોર માનવા તૈયાર ન હતો. બીજી તરફ, છોકરીના પરિજનોએ પણ લગ્ન કરાવી આપવાની ના પાડી દીધી હતી.
દરમ્યાન, હિંદુ સગીરના પરિજનોએ છોકરીના ઘરે જઈને તેના પરિજનો સાથે વાત કરી હતી અને તેમની પુત્રીના લગ્ન અન્ય જગ્યાએ કરાવી દેવા માટે કહ્યું હતું. જોકે, મુસ્લિમ સગીરાની માતાએ તેમને તેમની ઉપર બળજબરીથી ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું અને કહ્યું હતું કે જો તેઓ મુસ્લિમ બની જશે તો તેમને ચાર લાખ રૂપિયા પણ મળશે.
હિંદુ પરિવારે ધર્મ પરિવર્તન કરવાનો કે સબંધો બાંધવાનો ઇનકાર કરી દેતાં તેમની સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું અને અપશબ્દો પણ કહેવામાં આવ્યા અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જે બાદ છોકરીની માતાએ અન્ય બે મહિલાઓને બોલાવીને તેમની સાથે અભદ્ર વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું.
ઘટના બાદ હિંદુ પરિવારે છોકરાને દિલ્હી મોકલી આપ્યો હતો અને પરીક્ષા પણ આપવા દીધી ન હતી. બીજી તરફ નજીકના પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. છોકરાના પિતાએ જણાવ્યું છે કે, તેઓ મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના બે પુત્રો અને ત્રણ પુત્રી છે. સમગ્ર મામલે બાંદાના ડીએસપી રાકેશ કુમારે કહ્યું કે, છોકરો-છોકરી બંને દસમા ધોરણમાં ભણે છે. છોકરાના પરિજનોની ફરિયાદ પર કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે.
ટીવી9 હિંદીના એક રિપોર્ટ અનુસાર, આ પહેલાં બે પરિવારોનું ધર્માંતરણ કરાવીને તેમને મુસ્લિમ બનાવવામાં આવી ચૂક્યા છે. ધર્મ પરિવર્તન કરવા પર પરિવારને પાંચ લાખ રૂપિયા આપવામાં આવે છે અને છોકરાને નોકરી પણ આપવામાં આવે છે. આ માટે લોકોને ઉશ્કેરવામાં આવે છે અને ગરીબોને પૈસાની લાલચ આપીને ટાર્ગેટ કરવામાં આવે છે. ધર્મપરિવર્તન કર્યા બાદ દિલ્હીના ઓખલામાં તેમને ટ્રેનિંગ માટે મોકલી દેવામાં આવે છે.