ગુજરાતમાં કોઈ મુસ્લિમ દ્વારા હિંદુ મંદિરોમાં ચોરી કરવાના અનેક કિસ્સા પહેલાં પણ બની ચૂક્યા છે. જ્યારે તાજેતરમાં જ આવો એક કિસ્સો ભરૂચથી સામે આવ્યો છે. ભરૂચના સિદ્ધિવિનાયક મંદિરમાં મુસ્લિમ વ્યક્તિએ આભૂષણોની ચોરી કરી હતી. જે બાદ મંદિરનું સંચાલન કરતાં ફરિયાદીએ એ ઘટનાને લઈને ભરૂચ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. જેને લઈને પોલીસે ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે હવે ગણતરીના કલાકોમાં જ અજાણ્યા ચોરની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. મંદિરમાંથી ચોરી કરનાર ચોરની ઓળખ તોસીફ ગુલામ મહંમદ શેખ તરીકે થઈ છે.
29 ડિસેમ્બર, 2023ના રોજ ભરૂચના ભાગાગેટ પાસે, ઝૂલેલાલ મંદિરની નજીકના સિદ્ધિવિનાયક મંદિરમાં સવારના 7 વાગ્યાના અરસે ચોરી કરવામાં આવી હતી. જે બાદ મંદિરના સંચાલકે પોલીસ સ્ટેશને જઈને FIR નોંધાવી હતી. ઑપઇન્ડિયાએ ફરિયાદી પાસેથી ઘટના વિશેની માહિતી મેળવી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેઓ ત્રણ વર્ષથી નિયમિત મંદિરે જઈને ભગવાનની સેવાપૂજા કરે છે. તે જ ક્રમ પ્રમાણે તેઓ 29 ડિસેમ્બરે પણ મંદિરે પૂજા કરવા માટે ગયા હતા. પૂજા કર્યા બાદ તેમણે દરવાજો બંધ કરી દીધો હતો અને રોજબરોજના કામને લઈને બહારગામ જવા માટે રવાના થયા હતા. કામ પૂરું કરીને તે 3 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હાજર હતા, તે દરમિયાન તેમના એક મિત્ર અને મંદિર સંચાલક મંડળના સહયોગી તેમને ફોન કરીને મંદિર ખુલ્લુ હોવાનું અને તિજોરી તૂટેલી હોવાનું જણાવે છે.
જે બાદ ફરિયાદી મંદિરે પહોંચે છે તો તિજોરીનું તાળું તૂટેલું હતું અને તેમાં રહેલો કિંમતી સામાન અને આભૂષણો પણ ગાયબ હતા. આ ઘટના બાદ ફરિયાદીના મિત્રએ તેમને જણાવ્યું કે, સવારના સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ મંદિરમાં આંટાફેરા મારી રહ્યો હતો, જ્યારે તેને મંદિરમાં આવવાનું કારણ પૂછ્યું તો તે કોઈ કામ અર્થે આવ્યો હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં પણ બપોરના સમયે પણ તે જ વ્યક્તિ મંદિરમાં દેખાયો હતો. જે બાદ 30 ડિસેમ્બરના રોજ ફરિયાદીએ ભરૂચ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી હતી. પોલીસે IPCની કલમ 454, 380 હેઠળ ગુનો નોંધ્યો હતો. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.
ભરૂચ પોલીસે કરી ધરપકડ
સિદ્ધિવિનાયક મંદિરની તિજોરી તોડીને આરોપીએ મંદિરને ભેટમાં આપેલા આભૂષણોની ચોરી કરી હતી. જેમાં ભેટમાં મળેલ સોનાનો સેટ, સોનાનું મુગટ તથા અન્ય નાનામોટા ઘરેણાંઓનો સમાવેશ થાય છે. આરોપીએ મંદિરમાંથી કુલ 75,400 રૂપિયાની કિંમતના આભૂષણો ચોર્યા હતા. જે બાદ FIRના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એમ.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કાર્યવાહીના ભાગરૂપે ક્રાઈમ બ્રાંચના PSI પીએમ વાળાની ટીમ 31 ડિસેમ્બર, 2023ના રોજ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન જાણવા મળ્યું કે કોઈ શકમંદ વ્યક્તિ લાલબજાર ચોક ખાતે રોયલ ઈનફીલ્ડ બાઈક પર બેઠો છે. માહિતીના આધારે પોલીસે તે વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો અને સઘન પૂછપરછ કરી હતી. જે બાદ તે વ્યક્તિએ સિદ્ધિવિનાયક મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીની ઓળખ તોસીફ ગુલામ મહંમદ શેખ તરીકે થઈ હતી. પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઑપઇન્ડિયા સાથે વાત કરતી વખતે ફરિયાદીએ જણાવ્યું હતું કે, “ભરૂચના સિદ્ધિવિનાયક મંદિરમાંથી ચોરી કરનાર તોસીફ શેખે એક નકલી હાર પોલીસને સોંપ્યો હતો, જે મંદિરને આપવામાં આવ્યો છે. પરંતુ તેણે સોનાના આભૂષણો હજુ સુધી પોલીસને આપ્યા નથી. હાલ તો પોલીસ તપાસ કરી રહી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સરસ કામ કરવામાં આવ્યું છે. હું પોલીસના જવાનોનો આભાર વ્યક્ત કરું છું.” આ ઉપરાંત તેમણે પોલીસ વિભાગની ઝડપી કાર્યવાહી બદલ પ્રશંસા પણ કરી હતી.