ગુજરાતના સુરતમાં ફરી એકવાર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે એક મુસ્લિમ પુરુષે લોભામણી વાતો કરીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે. આરોપી અહેમદનૂર પઠાણે મહિલા સાથે રૂપિયા મેળવવા વિધિ કરવી પડશે તેમ કહી દુષ્કર્મ ગુજાર્યું છે. આરોપીએ મહિલાને આવી લોભામણી વાતો કરી હતી અને વિધિ કરવાના બહાને રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનાને લઈને મહિલાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સુરતમાં આવેલા ડિંડોલી વિસ્તારની આ ઘટના છે. અહીં રહેતી એક મહિલા લાંબા સમયથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી હતી. તેની એક પાડોશી મહિલાએ તેને અહેમદનૂર અલ્લાનૂર પઠાણની મુલાકાત કરાવી હતી અને કહ્યું હતું કે, તે વિધિ કરીને બધુ સારું કરી શકે છે. અહેમદ પઠાણે પહેલાં મહિલાને પોતાની વાતોથી ભોળવી હતી. આરોપીએ મહિલાને દાવો કર્યો હતો કે, “ઘરમાં લક્ષ્મીજી પધારશે, રૂપિયાનો વરસાદ થશે.” મહિલા તેની આવી લોભામણી વાતોમાં ભોળવાઈ ગઈ હતી. જે બાદ એક અઠવાડિયા પહેલાં આરોપી મહિલાના ઘરે આવ્યો હતો અને વિધિ કરવામાં બહાને રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
અહેમદ પઠાણે ખોટી વાતોમાં ફસાવીને તેનો ગેરલાભ ઉઠાવ્યા હોવાનું ભાન મહિલાને થતાં તેણે આ ઘટના વિશેની હકીકત પરિવારજનોને જણાવી હતી. જે બાદ પરિવારજનોની મદદથી મહિલાએ 29 ડિસેમ્બરના રોજ અહેમદ પઠાણ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી
મહિલાએ દાખલ કરેલી ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે IPCની કલમ 376, 406 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાંથી આરોપી અહેમદનૂર અલ્લાનૂર પઠાણની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ઘટનાને લઈને DCP ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, કે ભોગ બનનાર મહિલા તેના પાડોશમાં રહેતી એક મહિલાના સંપર્કમાં આવી હતી. તેના થકી અહેમુદ પઠાણ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. ત્યારતબાદ અહેમદ પઠાણ સાથે સંપર્કમાં આવતા અહેમદે તેની સાથે વિધિ કરવામાં બહાને દુષ્કર્મ આચર્યું હતું.
ગઢવીએ વધુમાં જણાવ્યું કે, મહિલાને બંધ રૂમમાં બોલાવીને અત્તર છાંટ્યું હતું. રૂમમાં વિધિ કરવાની છે એવું બહાનું આપીને તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ બાબતની ફરિયાદ નોંધાયા બાદ આરોપી અહેમદનૂર પઠાણની ધરપકડ કરી લેવામાં આવી છે.
ઘણા મીડિયા અહેવાલોમાં અહેમદને ‘તાંત્રિક’ ગણાવવામાં આવી રહ્યો છે, પરંતુ નોંધવું જોઈએ કે સામાન્ય રીતે આ શબ્દ તંત્રવિદ્યા જાણતા હિંદુ વ્યક્તિ માટે વાપરવામાં આવતો હોય છે. જ્યારે અહીં આરોપી એક મુસ્લિમ વ્યક્તિ છે. હેડલાઇનમાં ‘તાંત્રિક’ શબ્દ વાંચીને વાચકો ગેરમાર્ગે દોરાવાની સંભાવના નકારી શકાય નહીં.