પર્શિયન ગલ્ફમાં વચ્ચે આવેલો એક નાનકડો અને પથરાળ દ્વીપ આજે વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની ઊંઘ હરામ કરી રહ્યો છે. જે ટાપુની લંબાઈ માંડ 6 કિમી અને પહોળાઈ 4 કિમી છે તે આજે અમેરિકાના ટ્રમ્પ પ્રશાસન, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનું ‘એપિસેન્ટર’ બની ગયો છે. આ ટાપુ એટલે ‘ખર્ગ દ્વીપ’ (Kharg Island).
આ માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ ઈરાનનું ‘હૃદય’ છે. જો આ હૃદયના ધબકારા અટકે તો ઈરાનનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે, પરંતુ તેની સાથે આખી દુનિયાની અર્થવ્યવસ્થા પણ જોખમમાં મૂકાઈ શકે તેમ છે. અત્યારે જ્યારે અમેરિકા અને ઇઝરાયેલ સાથે ઈરાનનું યુદ્ધ બીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે, પરંતુ આ દ્વીપ પર એક પણ મિસાઈલ છોડવાનો અર્થ છે– આખી દુનિયામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ લાગી જવી. આ જ કારણ છે કે ખર્ગ આઈલેન્ડ હાલમાં આ મહાયુદ્ધનો એવો ‘નો-ગો ઝોન’ બની ગયો છે, જ્યાં હુમલો કરવો એ જીતની ગેરેન્ટો તો છે, પરંતુ સાથે-સાથે વિનાશને આમંત્રણ પણ છે.
ઈરાનની ઈકોનોમીનું ‘કંટ્રોલ રૂમ’: શા માટે ખર્ગ જ છે અસલી નિશાન?
ખર્ગ આઈલેન્ડ ઈરાનના બુશેહર પ્રાંતના કિનારાથી આશરે 25 કિલોમીટર દૂર સમુદ્રમાં સ્થિત છે. તેની ભૌગોલિક વિશેષતા એ છે કે તેની આસપાસનું પાણી અત્યંત ઊંડું છે. આ ઊંડાઈ જ તેને વિશ્વના સૌથી મોટા તેલ ટેન્કરો (VLCC) માટે આદર્શ બંદર બનાવે છે. ઈરાનના કિનારાના અન્ય વિસ્તારોમાં સમુદ્ર છીછરો હોવાથી ત્યાં મોટા જહાજો લાંગરી શકતા નથી, જેના કારણે ખર્ગ આઈલેન્ડ અનિવાર્ય બની જાય છે.
ઐતિહાસિક રીતે આ ટાપુ પર પોર્ટુગીઝો અને ડચ વેપારીઓનું શાસન હતું, પરંતુ 1950ના દાયકામાં જ્યારે ઈરાને તેની તેલ સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે ખર્ગને મુખ્ય નિકાસ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યો. આજે તે ઈરાનના અબજો ડોલરના તેલ સામ્રાજ્યનું પ્રવેશદ્વાર છે.
ખર્ગ દ્વીપને સમજવા માટે તેના આર્થિક આંકડા સમજવા જરૂરી છે. ઈરાન જેટલું પણ કાચું તેલ (Crude Oil) નિકાસ કરે છે તેનો 90%થી 95% હિસ્સો માત્ર આ એક જ ટાપુ પરથી પસાર થાય છે. અહીં વિશાળ લોખંડી ટેન્કોની જાળ છે, જેની કુલ સંગ્રહ ક્ષમતા 30 મિલિયન (3 કરોડ) બેરલથી વધુ છે. તાજેતરના અહેવાલો મુજબ ઈરાને અહીંથી નિકાસ વધારીને પ્રતિદિન 4 મિલિયન (40 લાખ) બેરલ સુધી પહોંચાડી દીધી છે.
2024-25 દરમિયાન પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધો છતાં ઈરાને આ ટાપુના માધ્યમથી તેલ વેચીને આશરે 78 અબજ ડોલરની કમાણી કરી છે. આ એ જ પૈસા છે જેનાથી ઈરાન પોતાના સૈન્ય, હિઝબુલ્લાહ અને હૂતી આતંકીઓને ભંડોળ પૂરું પાડે છે.
‘એકિલિસ હીલ’: શા માટે તે ઈરાનની સૌથી નબળી નસ?
ખર્ગ દ્વીપને ઈરાનની ‘Achilles’ Heel’ (સૌથી નબળી નસ) શા માટે કહેવામાં આવે છે તેને સમજવા માટે સૈન્ય વ્યૂહરચના અને અર્થતંત્રના ઊંડા ગણિતને સમજવું જરૂરી છે. જ્યારે કોઈ વસ્તુ અત્યંત શક્તિશાળી હોય પણ એક નાનકડી જગ્યાએથી અસુરક્ષિત હોય ત્યારે તેને ‘એકિલિસ હીલ’ કહેવાય છે. દુનિયાના મોટાભાગના દેશો પાસે તેલ નિકાસ કરવા માટે અનેક બંદરો અને રસ્તાઓ હોય છે પરંતુ ઈરાનનું માળખું એવું છે કે તેણે તેના તમામ ઈંડાં એક જ ટોપલીમાં મૂક્યાં છે.
ઈરાનનાં મુખ્ય તેલ ક્ષેત્રો જેમ કે અહવાઝ, ગચસરન, મારુનથી નીકળતી તમામ પાઈપલાઈનો અંતે ખર્ગ આઈલેન્ડ પર જ મળે છે. જો આ એક જ દ્વીપ પર હુમલો થાય તો ઈરાન પાસે તેલ નિકાસ કરવા માટે કોઈ ‘પ્લાન-બી’ નથી. તેલના કુવાઓ ચાલુ હોવા છતાં તે દુનિયા સુધી પહોંચી શકશે નહીં. આ સિવાય અહીં આવેલ તેલ ટર્મિનલ્સ એ માત્ર પાઈપો નથી, પણ અત્યંત જટિલ મશીનરી છે.
ખર્ગ પર મોટાં પંપિંગ સ્ટેશનો છે જે તેલને જહાજો સુધી પહોંચાડે છે. જો આ સ્ટેશનો કે કંટ્રોલ રૂમ નષ્ટ થાય તો તેને ફરીથી બનાવવા માટે એવી ટેકનોલોજીની જરૂર પડે જે અત્યારે ઈરાન પરના પ્રતિબંધોને કારણે મેળવવી મુશ્કેલ છે. આ ટર્મિનલ સમુદ્રની વચ્ચે છે. તેને મિસાઈલથી નિશાન બનાવવું સરળ છે અને તેને રિપેર કરવામાં વર્ષોનો સમય લાગી શકે છે.
ઈરાનની IRGC, જે મધ્ય-પૂર્વમાં લેબનોન, યમન અને સીરિયામાં સક્રિય છે, તેનું ભંડોળ સીધું જ ખર્ગ આઈલેન્ડ પરથી થતી તેલની કમાણીમાંથી આવે છે. ખર્ગ પર પ્રહાર એટલે માત્ર ઈરાનની ઈકોનોમી પર પ્રહાર નહીં, પણ તેના આખા સૈન્ય નેટવર્કનું ગળું દબાવવા જેવું છે. જો સૈનિકોને પગાર અને હથિયારો માટે નાણાં નહીં મળે તો ઈરાનનું શાસન અંદરથી તૂટી જશે.
ભલે ઈરાને ત્યાં S-300 જેવી એર ડિફેન્સ સિસ્ટમ મૂકી હોય પણ ટાપુનું નાનું કદ તેની સૌથી મોટી મર્યાદા છે. ટાપુ એટલો નાનો છે કે હજારો મિસાઈલો કે ડ્રોન દ્વારા થતા ‘સ્વોર્મ અટેક’ (Swarm Attack) સામે લાંબો સમય ટકી શકવું મુશ્કેલ છે. એકવાર જો આ ટર્મિનલ્સમાં આગ લાગે તો તેને ઓલાવવા માટેની સુવિધાઓ પણ મર્યાદિત છે, કારણ કે આખો ટાપુ તેલ અને ગેસથી ભરેલો છે જે તેને ‘ફ્લોટિંગ ટાઈમ બૉમ્બ’ બનાવે છે.
નો-ગો ઝોન’ પાછળનું વૈશ્વિક અર્થકારણ
જો ખર્ગ આટલો મહત્વનો અને નબળો ટાર્ગેટ હોય તો હજુ સુધી તેના પર હુમલો કેમ નથી થયો? આના જવાબમાં છુપાયેલું છે વિશ્વનું સૌથી મોટું આર્થિક સંકટ. ખર્ગ આઈલેન્ડ પર હુમલો એટલે વૈશ્વિક તેલ પુરવઠામાં દૈનિક 4 મિલિયન બેરલનો ઘટાડો. અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપે છે કે જો આવું થશે તો કાચા તેલના ભાવ પ્રતિ બેરલ $200ને પાર કરી શકે છે.
જો તેલ મોંઘું થશે તો પરિવહન ખર્ચ વધશે, જેના કારણે અનાજથી લઈને ઈલેક્ટ્રોનિક્સ સુધીની તમામ વસ્તુઓ મોંઘી થશે. અમેરિકા પોતે પણ આ મોંઘવારીની ઝપટમાં આવી શકે છે, જે ટ્રમ્પ માટે રાજકીય જોખમ બની શકે.
ઇતિહાસ સાક્ષી: શા માટે દરેક અમેરિકન રાષ્ટ્રપતિએ ખર્ગ દ્વીપથી અંતર જાળવી રાખ્યું?
ખર્ગ દ્વીપનું મહત્વ માત્ર આજનું નથી, પરંતુ દાયકાઓથી તે અમેરિકન રાષ્ટ્રપતિઓ માટે એક વણઉકેલાયેલો કોયડો બની રહ્યો છે. 1979ના ઈરાની હોસ્ટેજ ક્રાઇસિસ દરમિયાન તત્કાલીન રાષ્ટ્રપતિ જિમી કાર્ટરને એવી સલાહ આપવામાં આવી હતી કે ખર્ગ આઈલેન્ડ પર કબજો કરી લેવામાં આવે જેથી તહેરાન ઘૂંટણિયે પડી જાય. પરંતુ કાર્ટરે અંતે પાછા હટવાનો નિર્ણય લીધો કારણ કે તેમને ડર હતો કે આનાથી ખાડી ક્ષેત્રમાં ક્યારેય ન સમાય તેવી આગ લાગી જશે. 1980ના દાયકામાં જ્યારે રોનાલ્ડ રીગન રાષ્ટ્રપતિ હતા અને ઈરાને ‘હોર્મુઝની ખાડી’માં દરિયાઈ સુરંગો પાથરી દીધી હતી, ત્યારે પણ અમેરિકાએ ઈરાનના અનેક ઠેકાણાં પર હુમલા કર્યા, પરંતુ ખર્ગ દ્વીપને હાથ પણ અડાડ્યો નહીં.
ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન સદ્દામ હુસૈનની ઈરાકી સેનાએ ખર્ગ પર ભીષણ હુમલા કર્યા હતા. તેલ ટર્મિનલ્સને ઘણું નુકસાન પણ પહોંચ્યું હતું, પરંતુ ઈરાનની એન્જિનિયરિંગ અને સમારકામની ઝડપ એટલી તેજ હતી કે તેમણે ગણતરીના દિવસોમાં જ કામગીરી ફરી શરૂ કરી દીધી હતી.
આ બાબત દર્શાવે છે કે ઈરાને આ ટાપુને બચાવવા માટે કેટલી પૂર્વતૈયારી કરી રાખી છે. આજે પણ જ્યારે ઇઝરાયેલે તેહરાન અને અલ્બોર્ઝના ઈંધણ ડેપો ઉડાવી દીધા છે ત્યારે ખર્ગ આઈલેન્ડ હજુ પણ અછૂતો છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલય એટલે કે પેન્ટાગોન જાણે છે કે ખર્ગ પર હુમલો કરવો એ ‘મધપૂડામાં હાથ નાખવા’ જેવું છે.
જો ખર્ગ પર મિસાઈલો પડે તો ઈરાન પાસે ગુમાવવા માટે કંઈ જ બચશે નહીં. એવી સ્થિતિમાં તે સાઉદી અરેબિયા, યુએઈ અને અન્ય ખાડી દેશોના તેલ માળખા પર આત્મઘાતી હુમલા શરૂ કરી શકે છે. આ જ એ ડર છે જે ટ્રમ્પ વહીવટીતંત્રને સીધા હુમલા કરતા રોકી રહ્યો છે. ખર્ગનો ઈતિહાસ જણાવે છે કે આ એવો વિસ્તાર છે જેને દુશ્મન ડરાવવા માટે વાપરે તો છે, પણ તેને નષ્ટ કરવાની હિંમત કોઈ કરી શકતું નથી.
ટ્રમ્પનો દ્વિધાપૂર્ણ નિર્ણય: ઘરેલું રાજનીતિ વિરુદ્ધ વૈશ્વિક વ્યૂહરચના
ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખર્ગ આઈલેન્ડ પર નિર્ણય લેવો એ ‘આગ સાથે રમવા’ સમાન છે. એક તરફ તેમની ‘મેક્સિમમ પ્રેશર’ની (Maximum Pressure) નીતિ છે, જેના હેઠળ તેઓ ઈરાનને આર્થિક રીતે સંપૂર્ણપણે બરબાદ કરવા માંગે છે. ‘એક્સિયોસ’ના રિપોર્ટ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓ આ ટાપુ પર કબજો કરવા અથવા અહીં કમાન્ડો રેડ પાડવા જેવા વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છે. ટ્રમ્પનો તર્ક છે કે જો તેલના પૈસા નહીં હોય તો ઈરાન યુદ્ધ લડી શકશે નહીં. પરંતુ બીજી તરફ અમેરિકાની ઘરેલું રાજનીતિ અને મોંઘવારીનો મુદ્દો છે.
અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીઓ નજીક છે. જો ખર્ગ આઈલેન્ડ પર હુમલો થાય તો વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 200 ડોલરને પાર કરી શકે છે. ‘સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ’નો (CSIS) અંદાજ છે કે હુમલાની સાથે જ તેલના ભાવમાં તાત્કાલિક પ્રતિ બેરલ 10 ડોલરનો ઉછાળો આવશે. ટ્રમ્પ જાણે છે કે અમેરિકામાં ઈંધણના વધતા ભાવ તેમની લોકપ્રિયતાને ધૂળમાં મેળવી શકે છે. તેઓ એક તરફ ઈરાનને પાઠ ભણાવવા માંગે છે પરંતુ બીજી તરફ અમેરિકન જનતાને મોંઘો ગેસ અને પેટ્રોલ આપવા માંગતા નથી.
આ ઉપરાંત પરમાણુ એંગલ પણ આ દ્વિધામાં વધારો કરે છે. અહેવાલો અનુસાર ઈરાન પાસે 60% સુધી સંવર્ધિત (Enriched) લગભગ 450 કિલોગ્રામ યુરેનિયમ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ખર્ગ દ્વીપની સાથે સાથે આ પરમાણુ ભંડારને સુરક્ષિત કરવા માટે ‘ઓપરેશન એપિક ફ્યુરી’ (Operation Epic Fury) જેવા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.
વ્યૂહરચના એ છે કે કોઈ પણ રીતે ઈરાનની આર્થિક અને પરમાણુ શક્તિને એકસાથે કાબૂમાં લેવામાં આવે. ટ્રમ્પે પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘તમામ વિકલ્પો ખુલ્લા છે’, જેનો અર્થ છે કે તેઓ ખર્ગ આઈલેન્ડ પર કબજો કરવા કે તેને સંપૂર્ણપણે બ્લોક કરવાથી પાછળ નહીં હટે, બસ તેઓ યોગ્ય સમય અને લઘુત્તમ નુકસાનવાળા રસ્તાની રાહ જોઈ રહ્યા છે.
ખર્ગની તબાહી: વૈશ્વિક ‘એનર્જી સુનામી’ અને આર્થિક પ્રલય
ખર્ગ આઈલેન્ડ પર થનારી કોઈ પણ સૈન્ય હલચલ માત્ર ઈરાન માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ‘એનર્જી સુનામી’ લઈને આવશે. ઈરાન પહેલાં જ ચેતવણી આપી ચૂક્યું છે કે જો તેના તેલના માળખાકીય સુવિધાઓને સ્પર્શ કરવામાં આવે તો તે સમગ્ર ક્ષેત્રના ઉર્જા નેટવર્કને કાટમાળમાં ફેરવી દેશે.
ખર્ગ આઈલેન્ડ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ની (Strait of Hormuz) નજીક આવેલો છે. આ એવો સમુદ્રી માર્ગ છે જ્યાંથી વિશ્વના કુલ તેલ પુરવઠાનો 20% થી 25% હિસ્સો પસાર થાય છે. જો ખર્ગ પર હુમલો થાય તો ઈરાન આ ખાડીમાં ‘નેવલ માઈન્સ’ (દરિયાઈ સુરંગો) પાથરી શકે છે અથવા આત્મઘાતી ડ્રોન દ્વારા તેલના ટેન્કરોને રોકી શકે છે. એકવાર આ માર્ગ બંધ થાય એટલે માત્ર ઈરાન જ નહીં, પણ સાઉદી અરેબિયા, કુવૈત, કતાર અને યુએઈનું તેલ પણ દુનિયા સુધી પહોંચતું અટકી જશે.
ખર્ગની એક નાનકડી ચિનગારી વૈશ્વિક અર્થવ્યવસ્થાને મંદીના ગર્તમાં ધકેલી શકે છે. નિષ્ણાતો માને છે કે હુમલાના 24 કલાકની અંદર તેલના ભાવમાં 30%થી 50%નો ઉછાળો આવી શકે છે. ભારત તેની જરૂરિયાતનું 80% તેલ આયાત કરે છે. જો તેલ મોંઘું થશે તો ભારતમાં પરિવહન ખર્ચ વધશે અને તેને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચશે.
ટ્રમ્પ પ્રશાસન હાલમાં ખર્ગ દ્વીપને એક ‘પ્રેશર પોઈન્ટ’ની જેમ વાપરી રહ્યું છે. તેમની રણનીતિ એવી છે કે ઈરાનને એટલી હદે ડરાવવામાં આવે કે તેની ‘લાઈફલાઈન’ (ખર્ગ) ગમે ત્યારે કાપી શકાશે, જેથી ઈરાન નમી જાય અને નવી પરમાણુ સમજૂતી કે સૈન્ય સંધિ માટે તૈયાર થાય. જો યુદ્ધ વધુ ભડકે અને ઈરાન નમતું ન જોખે તો ખર્ગ આઈલેન્ડ પર અમેરિકન કમાન્ડોની હાજરી અથવા ઈઝરાયેલી મિસાઈલોનું પડવું નિશ્ચિત મનાય છે.
ભારત માટે શું છે દાવ પર?
ભારત માટે આ યુદ્ધ કોઈના ઘરનું આંગણું નથી, પરંતુ આપણા પોતાના રસોડાનો પ્રશ્ન છે. ભારત તેની જરૂરિયાતનું 80% તેલ આયાત કરે છે. જો ગલ્ફમાં યુદ્ધ થાય તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લિટર દીઠ 200 રૂપિયા સુધી પહોંચી શકે છે. ઈરાન સાથેના ભારતના વ્યૂહાત્મક સંબંધો અને ચાબહાર બંદરનો પ્રોજેક્ટ આ યુદ્ધને કારણે ઠપ્પ થઈ શકે છે. પશ્ચિમ એશિયામાં લાખો ભારતીયો વસે છે. જો યુદ્ધ ફાટી નીકળે તો આ ભારતીયોની સુરક્ષા અને તેમની પાસેથી આવતા વિદેશી હુંડિયામણ પર મોટી અસર પડશે.
વર્તમાન સ્થિતિમાં ખર્ગ આઈલેન્ડ એક એવું પ્યાદુ છે જે આખી રમતને પલટાવી શકે છે. ઇઝરાયેલ હુમલો કરવા માંગે છે, ટ્રમ્પ ઈરાનને તોડવા માંગે છે, અને ઈરાન પોતાની જીવાદોરી બચાવવા માંગે છે. પરંતુ હકીકત એ છે કે ખર્ગ પર હુમલો કરવો એ જીતની ગેરેન્ટી તો છે, પણ તે વિનાશનું આમંત્રણ પણ છે. આ એક એવો ‘નો-ગો ઝોન’ છે જ્યાં હુમલો કરનાર પણ બચી શકશે નહીં. ભવિષ્યમાં જો ઈતિહાસ લખાશે તો તેમાં ખર્ગ દ્વીપનું નામ 21મી સદીના સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થળ તરીકે અંકિત થશે. તે માત્ર એક ટાપુ નથી, તે વિશ્વના અર્થતંત્રનું રક્ષણ કરતું એક નાજુક કવચ છે.


