પૂર્વ આફ્રિકાના દેશ ઇથોપિયામાં લગભગ દસેક હજાર વર્ષથી સુષુપ્ત જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. જેના કારણે ધૂળનું જે મોટું વાદળ સર્જાયું હતું, જેના કણો હજારો કિલોમીટરનું અંતર કાપીને છેક ભારત સુધી પહોંચ્યા છે. કહેવાય રહ્યું છે કે તેની અસર સાંજ સુધીમાં ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. જ્યારે ઉત્તર ભારતની હવામાં ફેરફાર સ્પષ્ટ દેખાય રહ્યો છે. વૈજ્ઞાનિકો ઘટનાને ‘અંત્યંત દુર્લભ ઘટના’ની શ્રેણીમાં મૂકી રહ્યા છે. બીજી તરફ દુનિયાભરમાં અનેક ફ્લાઈટો ડાયવર્ટ અથવા રદ થઈ છે. અનેક શહેરોમાં અસર જોવા મળી છે.
હૈલી ગુબ્બી જ્વાળામુખી ઇથોપિયાના આફાર (Afar) પ્રદેશમાં આવેલો છે, જે અદ્દિસ અબાબાથી આશરે 800 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં અને ઇરિટ્રિયન સરહદની નજીક સ્થિત છે. આ વિસ્તાર રિફ્ટ વેલીનો (Rift Valley) ભાગ છે, જ્યાં બે ટેક્ટોનિક પ્લેટ્સ એકબીજાના નજીક આવી રહી છે, જેના કારણે વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટોની ઘટનાઓ બને છે.
??? Hayli Gubbi volcano erupts for the first time in 10,000 years
— Sputnik Africa (@sputnik_africa) November 24, 2025
The eruption sent a massive ash plume rising 10-15 kilometers into the sky.
? Northeastern Ethiopia pic.twitter.com/gHaDkA6XKz
સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશનના ગ્લોબલ વોલ્કેનિઝમ પ્રોગ્રામ અનુસાર, આ જ્વાળામુખીનો તાજો વિસ્ફોટ હોલોસીન કાળ (Holocene period) પછીનો પ્રથમ છે, જે આશરે 12,000 વર્ષ પહેલાંનો છે. આ જ્વાળામુખી એક ‘શીલ્ડ વોલ્કાનો’ (shield volcano) છે, જે સામાન્ય રીતે ઊંચાઈમાં નીચા હોય છે અને વિશાળ વિસ્તારમાં લાવા ફેલાવતા હોય છે. તેની ઊંચાઈ આશરે 500 મીટર છે, પરંતુ તેની અસર વૈશ્વિક સ્તરે થઈ શકે છે.
વિસ્ફોટની વિગતો: ક્યારે, કેવી રીતે અને કેટલી તીવ્રતા?
જ્વાળામુખી વિસ્ફોટ 23 નવેમ્બરે સવારે આશરે 8:30 કલાકે GMT (ગ્રીનવીચ મીનટાઇમ) શરૂ થયો હતો. તુલુઝ વોલ્કેનિક એશ એડવાઇઝરી સેન્ટર (Toulouse Volcanic Ash Advisory Centre – VAAC) અનુસાર વિસ્ફોટ બાદ રાખ અને ધૂળનું મોટું વાદળ બની ગયું છે. આ વાદળની ઊંચાઈ 10થી 15 કિલોમીટર (32,800થી 49,200 ફૂટ) સુધી પહોંચી છે, જેમાં જ્વાળામુખીની રાખ, સલ્ફર ડાયોક્સાઇડ (SO₂), કાચ અને ખડકોના કણોનો સમાવેશ થાય છે. NASAનાં સેટેલાઇટ ચિત્રોમાં દેખાય છે કે આ વાદળ 100થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહ્યું છે.
Update05:
— IndiaMetSky Weather (@indiametsky) November 24, 2025
The sulphur dioxide rich Ash plume mixed with Ash from Ethiopia’s #HayliGubbi volcano located at NorthEast of Afar rift & African superplume is now transiting over #Delhi, #Ncr, #Haryana and adj #UttarPradesh region. This will safely move towards Himalayas but there are… https://t.co/MaGczI05JK pic.twitter.com/JQcnp9Vta2
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, રાખનું વાદળ પહેલાં લાલ સમુદ્ર (Red Sea) પાર કરી યમન અને ઓમાન તરફ વળ્યું, પછી પૂર્વ દિશામાં વધીને ભારત અને ઉત્તર પાકિસ્તાન તરફ આગળ વધ્યું છે. ભારતમાં તેનો પ્રવેશ પશ્ચિમ કિનારા દ્વારા ગુજરાતમાંથી થયો, જ્યાં જામનગર પાસે સાંજે 5:30 વાગ્યે પ્રથમ ચિહ્નો જોવા મળ્યાં હતાં. ત્યારબાદ તે રાજસ્થાન (જોધપુર-જૈસલમેર દ્વારા), ઉત્તર-પશ્ચિમ મહારાષ્ટ્ર, દિલ્હી-NCR, હરિયાણા અને પંજાબ તરફ વધ્યું અને દિલ્હી સુધી પહોંચી ગયું હોવાનું કહેવાઈ રહ્યું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર સાંજે 7:30 વાગ્યા સુધીમાં રાખનું વાદળ ભારત છોડીને ચીન તરફ જઈ શકે છે, પરંતુ રાત્રે પંજાબ, પશ્ચિમી ઉત્તર પ્રદેશના પર્વતીય વિસ્તારો અને હિમાચલ પર અસર થઈ શકે છે. આ વાદળ 15,000થી 25,000 ફૂટની ઊંચાઈએ જઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રાખમાં કાચ અને ખડકોના કણો હોવાથી તે વિમાનના એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ જમીન પર વધુ માત્રામાં અસર થશે નહીં.

આ ઘટનાની અસર વૈશ્વિક વિમાન સેવાઓ પર પણ પહોંચી છે. એર ઇન્ડિયાએ આ મામલે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. એરલાઇને જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ઓપરેટિંગ ક્રૂ નિયમિત સંપર્કમાં છે. મુસાફરો, ક્રૂ અને વિમાનની સલામતીને તેની ટોચની પ્રાથમિકતા ગણાવીને એર ઇન્ડિયાએ કહ્યું કે તેઓ તમામ જરૂરી સાવચેતીનાં પગલાં લેશે. ગ્રાઉન્ડ ટીમો મુસાફરોને સતત અપડેટ કરી રહી છે.
અકાસા એર, ઈન્ડિગો અને કેએલએમ જેવી મોટી કંપનીઓએ સલામત કામગીરીને ધ્યાનમાં રાખીને લગભગ 12 ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. નોંધનીય છે કે તેની સૌથી મોટી અસર દિલ્હી પર જોવા મળી રહી છે. સીપીસીબી અનુસાર, આનંદ વિહારનો AQI 402 નોંધવામાં આવ્યો હતો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. આ સ્તરની હવા શ્વાસ લેવા માટે અત્યંત જોખમી માનવામાં આવે છે.
વૈજ્ઞાનિકો માટે અભ્યાસની તક
હજારો વર્ષ બાદ થયેલા જ્વાળામુખી વિસ્ફોટને વૈજ્ઞાનિકોએ આ પ્રદેશના ઇતિહાસની સૌથી અસાધારણ ઘટનાઓમાંની એક ગણાવી છે. આ વિસ્ફોટથી મોટા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ (SO₂) પણ બહાર આવ્યો હતો, જેનાથી પર્યાવરણીય અને આરોગ્ય પર થતી અસરો અંગે ચિંતા વ્યક્ત થઈ હતી. અમીરાત એસ્ટ્રોનોમિકલ સોસાયટીના અધ્યક્ષ ઇબ્રાહિમ અલ જારવાને જણાવ્યું હતું કે જો કોઈ જ્વાળામુખી અચાનક વધુ SO₂ છોડે છે, તો તે સૂચવે છે કે અંદર દબાણ વધી રહ્યું છે, મેગ્મા આગળ વધી રહ્યો છે અને વધુ વિસ્ફોટની શક્યતાઓ છે.

અલ જારવાને કહ્યું કે આ ઘટના વૈજ્ઞાનિકો માટે ખૂબ લાંબા સમય પછી સક્રિય થયેલા જ્વાળામુખીને નજીકથી સમજવાની એક દુર્લભ તક છે. હેઇલ ગુબ્બી એ અફાર રિફ્ટનો એક ભાગ છે. આ પ્રદેશમાં સ્થિત અન્ય જ્વાળામુખી, જેમ કે એર્ટા એલે, પર પહેલાથી જ સતત નજર રાખવામાં આવી રહી છે. હવે અચાનક હેલી ગુબ્બીન ફાટવાની ઘટના પૃથ્વીના મેગ્મામાં થતા ઊંડા ફેરફારો વિશે પ્રશ્નો ઉભા કરે છે. સંશોધકો હવે હૈલી ગુબ્બીને ભવિષ્યના સંશોધનના ઘટક તરીકે ગણી રહ્યા છે.
હવે તેઓ સમજવાનો પ્રયાસ કરશે કે હજારો વર્ષોની નિષ્ક્રિયતા પછી આ જ્વાળામુખી કેમ સક્રિય થયો છે. આવા અભ્યાસો ટેક્ટોનિક રિફ્ટ ઝોનમાં સ્થિત શિલ્ડ જ્વાળામુખીના વર્તનમાં નવી સમજ આપી શકે છે. જ્યારે વૈજ્ઞાનિકો આવા દુર્લભ વિસ્ફોટોનો અભ્યાસ કરશે ત્યારે તેમને સમજવામાં મદદ મળશે કે ટેક્ટોનિક રિફ્ટવાળા વિસ્તારોમાં (જ્યાં પૃથ્વીની પ્લેટો અલગ થઈ રહી છે) જ્વાળામુખી કેવી રીતે કામ કરે છે.
ઇથિયોપિયામાં કોઈ માનવીય અથવા પશુઓના મૃત્યુની ઘટના બની નથી, પરંતુ આફાર પ્રદેશના પશુપાલકો માટે આર્થિક નુકસાન થયું છે. જોકે આ વિસ્તારમાં ભૂકંપની શક્યતાઓ પણ વધુ રહેવાથી હાલમાં તપાસ ચાલી રહી છે. આગળના દિવસોમાં રાખના આ વાદળનું નિરીક્ષણ ચાલુ રહેશે.


