Tuesday, September 17, 2024
More
    હોમપેજદુનિયાક્ષણિક શાંતિ બાદ ફરી ભડકે બળ્યું બાંગ્લાદેશ, જુમ્માની નમાજ બાદ હિંસા અને...

    ક્ષણિક શાંતિ બાદ ફરી ભડકે બળ્યું બાંગ્લાદેશ, જુમ્માની નમાજ બાદ હિંસા અને પથ્થરમારો: 2નાં મોત, અનેકને ઈજા; વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ પર પ્રતિબંધ

    પ્રદર્શનમાં માર્યા ગયેલા 200 લોકોને ન્યાય આપવાની વાત કરીને વિરોધ કરી રહેલા લોકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોડ બ્લોક કરી દીધા હતા. જ્યારે પ્રદર્શન દરમિયાન વડાંપ્રધાન શેખ હસીનાના રાજીનામાની પણ માંગ કરવામાં આવી.

    - Advertisement -

    પાડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશમાં ફરી એક વાર હિંસા શરૂ થઈ ગઈ છે. ક્વોટા સિસ્ટમ વિરૂદ્ધ ચાલતાં હિંસક પ્રદર્શનોને પગલે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ રદ કરીને અનામત 56%થી ઘટાડીને 7% કરતાં હિંસા થોડી શાંત થઈ હતી, પરંતુ આ શાંતિ ક્ષણભંગુર પૂરવાર થઈ. બાંગ્લાદેશમાં શુક્રવારે (2 ઓગસ્ટ, 2024) ફરી એક વાર 2000થી વધુ પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસાની શરૂઆત કરી. તાજી માહિતી અનુસાર નવેસરથી શરૂ થયેલી ધમાલમાં અત્યાર સુધી 2 લોકોનાં મોત થયાં છે, જ્યારે 100થી વધુ લોકોને ઈજા પહોંચી. બીજી તરફ સરકારે મોટાભાગનાં સોશિયલ મીડિયા મધ્યમો પર પ્રતિબંધ લગાવી દીધો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઢાકામાં શુક્રવારે જુમ્માની નમાજ બાદ હિંસાની બીજી લહેર શરૂ થઈ હતી. અહીં પ્રદર્શનમાં માર્યા ગયેલા 200 લોકોને ન્યાય આપવાની વાત કરીને વિરોધ કરી રહેલા લોકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોડ બ્લોક કરી દીધા હતા. જ્યારે પ્રદર્શન દરમિયાન વડાંપ્રધાન શેખ હસીનાના રાજીનામાની પણ માંગ કરવામાં આવી. આ દરમિયાન સરકાર વિરુદ્ધ બેનર્સ પણ લહેરાવવામાં આવ્યાં. શહેરના ઉત્તર ભાગમાં પોલીસ અને હુલ્લડખોરો વચ્ચે ઘર્ષણ થયાં હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટોળાએ સુરક્ષાકર્મીઓ પર પથ્થર વરસાવ્યા હતા. આ દરમિયાન ટોળાને વિખેરવા પોલીસને સ્ટન ગ્રેનેડ અને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

    પોલીસ કર્મચારી સહિત 2નાં મોત, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

    ઢાકાના દક્ષિણ-પશ્ચિમી વિસ્તારમાં પણ રસ્તા પર ટોળાં ઉતરી આવ્યાં હતાં. પ્રદર્શનકારીઓ એટલા આક્રોશમાં હતા કે તેમને વિખેરવા પોલીસને રબર બુલેટ ફાયર કરવાની ફરજ પડી હતી. અહીં ઘર્ષણમાં એક પોલીસકર્મીનું મોત અને 50 લોકો ઘાયલ થયા હોવાની ખબર છે. બીજ તરફ હબીગંજ વિસ્તારમાં આવામી લીગના કાર્યાલય પર આગચંપી કરવાની ઘટના સામે આવી હતી. અહીં હિંસા દરમિયાન એક 24 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ઢાકાની જેમ અહીં પણ જુમ્માની નમાજ બાદ 1000નું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું અને ઉત્પાત મચાવ્યો હતો.

    - Advertisement -

    સતત થતી હિંસા અને પ્રદર્શનોને પગલે બાંગ્લાદેશી સરકારે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, યુ-ટ્યુબ સહિતનાં અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે વિરોધ કરી રહેલા લોકો છેલ્લા કેટલાક સમયથી આ પ્લેટફોર્મ મારફતે લોકોને રસ્તા પર ઉતરી આવવા આહ્વાન કરી રહ્યા હતા. બાંગ્લાદેશી સરકાર કોઈ પણ સંજોગોમાં હિંસાને ડામવા પ્રયત્ન કરતી નજરે પડી રહી છે.

    શું છે હિંસા પાછળનું કારણ?

    ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં પ્રદર્શનોના મૂળમાં સરકારી નોકરીના ક્વોટા સિસ્ટમ અને તેને લઈને કોર્ટના આદેશ છે. ગત 5 જૂનના રોજ બાંગ્લાદેશની હાઈકોર્ટે એક આદેશ પસાર કરીને સરકારી નોકરીઓમાં સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના વંશજો માટે 30% ક્વોટાને બહાલી આપી હતી. નોંધવું જોઈએ કે વર્ષ 2018માં શિક્ષકો અને વિદ્યાર્થીઓના આ જ પ્રકારના દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો બાદ શેખ હસીના સરકારે આ 30% ક્વોટા સિસ્ટમ રદ કરી દીધી હતી. પરંતુ કોર્ટે તેને ફરી પુનઃસ્થાપિત કરી દીધી. જોકે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણય પર રોક લગાવીને આગામી સુનાવણી 7 ઑગસ્ટના રોજ થવાની છે.

    કોર્ટના આ આદેશ વિરૂદ્ધ છેલ્લા એક મહિનાથી પ્રદર્શનો ચાલી રહ્યાં છે અને અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓ દેખાવો કરી રહ્યા છે. પરંતુ બુધવારે રાત્રે વડાંપ્રધાન શેખ હસીનાએ ટેલિવિઝન સામે આવીને પ્રદર્શનો શાંત પાડવાના પ્રયાસ કરતાં વિરોધ વધુ ભડક્યો હતો અને બીજા દિવસે પ્રદર્શનકારીઓએ સ્ટેટ બ્રોડકાસ્ટર બાંગ્લાદેશ ટીવીની ઑફિસ સળગાવી દીધી હતી. ત્યારથી હિંસા વધુ ભડકી રહી છે અને તેના કારણે સરકારે શાળા-કૉલેજો પણ બંધ કરવી પડી છે અને ઈન્ટરનેટ-ટીવી વગેરે પર પણ નિયંત્રણો લાદવાં પડ્યાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં