વર્ષ 2024ની પૂર્ણાહુતિની સાથે હવે અંગ્રેજી કેલેન્ડર મુજબ વર્ષ 2025નું આગમન થવા જઈ રહ્યું છે. કેલેન્ડર અનુસાર, દર 365 દિવસે વર્ષ બદલાતું રહે છે અને ઘણા ક્ષેત્રોમાં પરિવર્તન પણ આવતું રહે છે. પરંતુ એક બાબતમાં આજ સુધી કોઈ બદલાવ નથી આવ્યો અને ભવિષ્યમાં પણ ક્યારેય નહીં આવે, તે છે ઑપઇન્ડિયાનું (OpIndia Gujarati) કમિટમેન્ટ. જમીની સ્તર પર ઢંકાઈને પડેલા, ધૂળ ખાઈને અવગણાયેલા સત્યને સમાજના મોટા વર્ગ સામે લાવીને કાર્યવાહીના અંત સુધી લડવું, તે ઑપઇન્ડિયાનું કમિટમેન્ટ છે અને તે માટે ઑપઇન્ડિયા કોઈપણ સ્થિતિમાં લડવા તૈયાર છે.
વર્ષ બદલાતા રહેશે પરંતુ ઑપઇન્ડિયાના આ કમિટમેન્ટમાં કોઈ પરિવર્તન નહીં આવે. દર વર્ષની જેમ વર્ષ 2024માં પણ એવી અનેક ઘટનાઓ ઘટી જેમાં માત્ર એક ઑપઇન્ડિયાએ જ અહેવાલ (Reports) પ્રકાશિત કર્યા અને વરવી વાસ્તવિકા પોતાના જમીની અહેવાલો દ્વારા સમાજ સામે રાખી. અમારી ટીમ પ્રમાણમાં નાની છે, તેમ છતાં ઘટનાના મૂળ સુધી પહોંચીને અમે હિંદુહિત માટે સતત મથતા રહ્યા છીએ અને આગળ પણ મથતા રહીશું. અમારી ટીમના ગ્રાઉન્ડ રિપોર્ટ્સની (Ground Reports) અસર પણ જબરદસ્ત રહી છે અને લોકોનો પ્રેમ પણ ભરપૂર મળ્યો છે.
આજે આ વિશેષ અહેવાલમાં આપણે એક નજર વર્ષ 2024ના કેટલાક એવા ગ્રાઉન્ડ અને ઓરિજનલ રિપોર્ટ્સ તરફ કરીશું કે, જેને મેઈનસ્ટ્રીમ મીડિયાએ (Mainstream Media) નજરઅંદાજ કર્યા હતા. વર્ષ દરમિયાન ઑપઇન્ડિયાએ અનેક ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યા, પરંતુ આપણે અહીં કેટલાક એવા અહેવાલો વિશે ચર્ચા કરીશું કે, જેના કારણે એક સકારાત્મક અસર અને ચોક્કસ પરિણામ પણ મળ્યું હતું.
ઑપઇન્ડિયા ઇમ્પેક્ટ: હિંદુઓને ‘કુત્તા’ ગણાવનાર મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ કાર્યવાહી
31 જાન્યુઆરી 2024ના રોજ જૂનાગઢ કોર્ટ નજીક આવેલ નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં મુસ્લિમ સમુદાયનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુફ્તી સલમાન અઝહરીએ (Mufti Salman Azhari) ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી ગયો હતો. ભાષણનો વિડીયો ચોતરફ ફર્યા બાદ પણ મીડિયાએ અઝહરીના ભડકાઉ ભાષણ પર એક સવાલ સુદ્ધાં ઉઠાવ્યો નહોતો. પરંતુ 1 ફેબ્રુઆરીના રોજ ઑપઇન્ડિયાએ એક્સક્લુઝિવ અહેવાલ પ્રકાશિત કર્યો હતો અને પોલીસ સાથે કાર્યવાહીને લઈને વાત પણ કરી હતી. ઑપઇન્ડિયાના એક્સક્લુઝિવ અહેવાલ બાદ 2 ફેબ્રુઆરીએ જૂનાગઢ પોલીસે અઝહરી અને કાર્યક્રમના 2 આયોજકો વિરુદ્ધ FIR નોંધી હતી.
જે બાદ તો ગુજરાત ATS મુંબઈ પહોંચી હતી અને અઝહરીને ઉઠાવીને ગુજરાત લઈ આવી હતી. ત્યારબાદ વિવિધ સ્થળોએ આપેલા ભાષણોને લઈને તેના પર ગુજરાતમાં અનેક કેસ નોંધાયા હતા. તે પાસા (PASA) હેઠળ જેલવાસ પણ ભોગવી રહ્યો હતો. જોકે, આખરે સુપ્રીમ કોર્ટે તેને જામીન આપી દીધા હતા. આ સમગ્ર કાર્યવાહી ઑપઇન્ડિયાના માત્ર એક એક્સક્લુઝિવ અહેવાલ બાદ થવા પામી હતી.
નોંધવું જોઈએ કે, વાયરલ વિડીયોમાં સલમાન અઝહરી કહેતો સંભળાતો હતો કે, “અભી તો કરબલા કા આખિરી મૈદાન બાકી હૈ… કુછ દેર કી ખામોશી હૈ, ફિર શોર આયેગા… આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા.” (હજુ તો કરબલાનું અંતિમ યુદ્ધ બાકી છે… થોડા સમયની શાંતિ છે, પછી ફરી અવાજ થશે. આજે કૂતરાઓનો સમય છે, કાલે આપણા જમાના પણ આવશે.) આટલું કહીને તે ‘લબ્બેક યા રસૂલલ્લાહ’ના નારા લગાવે છે અને સામેની ભીડ પણ તેનું પુનરાવર્તન કરે છે.
ઑપઇન્ડિયા ઇમ્પેક્ટ: જામનગરના રણજીતસાગર ડેમ નજીકની ગેરકાયદેસર દરગાહ પર ફરી વળ્યું બુલડોઝર
12 મે, 2024ના રોજ ઑપઇન્ડિયાએ એક વિસ્તૃત એક્સક્લુઝિવ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, જામનગરના વિખ્યાત રણજીતસાગર ડેમ નજીક એક ગેરકાયદેસર દરગાહ (Illegal Dargah) બાંધી દેવામાં આવી છે. વર્ષ 2022માં આ ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે લેખિતમાં આદેશ પણ આપવામાં આવી ચૂક્યા હતા, પરંતુ તેમ છતાં આ બાંધકામ ત્યાં જ યથાવત રહ્યું. સ્થાનિક હિંદુ કાર્યકર્તાઓએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો હતો કે તંત્ર ધ્યાન ન આપી રહ્યું હોવાના કારણે કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે.
જામનગર | રણજીતસાગર ડેમ નજીકની ગેરકાયદેસર દરગાહ તોડીને જમીન સમતલ કરાયા બાદનાં દ્રશ્યો
— ઑપઇન્ડિયા (@OpIndia_G) June 20, 2024
-ઑપઇન્ડિયાના રિપોર્ટ બાદ સ્થાનિક તંત્રે 19 જૂનની રાત્રે ફેરવ્યું હતું બુલડોઝર, સરકારી જમીન ખાલી કરાવાઈ હતી
(ગ્રાઉન્ડ રિપોર્ટ ટૂંક સમયમાં….)#Jamnagar #OpIndiaExclusive #Gujarat pic.twitter.com/imIFSATFl3
જોકે ઑપઇન્ડિયાએ જિલ્લા કલેક્ટરથી માંડીને મામલતદાર અને અન્યોનો પણ સંપર્ક કર્યો હતો, જેમણે આશ્વાસન આપ્યું હતું કે, મામલો નવેસરથી હાથ પર લઈને જે ઘટતું હશે તે કરવામાં આવશે. જે બાદ ઑપઇન્ડિયાના અહેવાલ પછી આખરે 19 જૂન, 2024ના રોજ આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રણજીતસાગર ડેમ (Ranjitsagar Dam) નજીકની દરગાહને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. આ અંગેની જાણકારી ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હતી.
ઑપઇન્ડિયા ઇમ્પેક્ટ: ગિરનારને ‘વેજ ઝોન’ જાહેર કરવા ઠરાવ પસાર
શિવરાત્રી પહેલાં ગિરનારની ભવનાથ તળેટીના દત્ત ચોક ખાતે નોનવેજ બનાવતો વિડીયો વાયરલ થયો હતો. એક તરફ હિંદુઓનો મહાપર્વ આવી રહ્યો હતો અને તેવામાં આ પ્રકારનો વિડીયો સામે આવ્યા બાદ સાધુ-સંતોમાં રોષ જોવા મળ્યો હતો. તે સમયે ઑપઇન્ડિયા ગ્રાઉન્ડ સુધી પહોંચીને ભવનાથના સાધુ-સંતોનો અવાજ બન્યું હતું. તળેટીમાં આવેલા અનેક આશ્રમોમાં મહત્વનું સ્થાન ધરાવતા ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવભારતી ભાપુએ ઑપઇન્ડિયા થકી તમામ સાધુસંતોની લાગણીને વાચા આપી હતી અને ભવનાથ તળેટીને ‘વેજ ઝોન’ (Veg Zone) જાહેર કરવાની માંગ કરી હતી.
ઑપઇન્ડિયાના જમીની અહેવાલ બાદ ભવનાથ તળેટીને વેજ ઝોન જાહેર કરવા માટે ઠરાવ પસાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં (OpIndia Impact) આવી હતી. જે બાદ ઠરાવ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર કરવામાં આવ્યો હતો. જોકે, આ પહેલાં પણ એક વાર આ પ્રકારનો ઠરાવ મુકવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કારણોસર તે પાસ ન થઈ શક્યો. તેવામાં ઘટના બાદ ઑપઇન્ડિયાએ આપેલા અહેવાલની અસરથી ફરી એક વાર સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. નોંધવા જેવું છે કે, આ સમગ્ર ઘટના માર્ચ 2024ની છે.
ખાનગી સંસ્થાએ શિક્ષકને કર્યો સસ્પેન્ડ પણ જમાવટે ગણાવી દીધો ‘સરકારી કર્મચારી’: ઑપઇન્ડિયાએ ખોલી પોલ
ફેક ન્યૂઝ ફેલાવીને અવારનવાર વિવાદમાં આવતા પોર્ટલ ‘જમાવટ’એ (Jamawat) 1 એપ્રિલ, 2024ના રોજ એક રિપોર્ટ પ્રકાશિત કરીને દાવો કર્યો હતો કે, ભરૂચના સાંસદ મનસુખ વસાવાને પાણીની સમસ્યાને લઈને પ્રશ્ન કરનાર એક શિક્ષકને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં જે-તે વ્યક્તિને ‘સરકારી અધિકારી’ ગણાવાયો હતો અને સરકાર પર માછલાં ધોવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.
ઘટના કઈક એવી હતી કે, ડેડિયાપાડાના માથાસર ગામના એક યુવક ભારજી વસાવાએ ગામમાં પીવાનું પાણી ન મળતું હોવાનું કહીને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. આ વિડીયો ફરતો થયા બાદ સ્થાનિક સાંસદ અને લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા ગામમાં પહોંચ્યા હતા. તે દરમિયાન તેમની અને આ યુવક વચ્ચે થયેલી વાતચીતનો અન્ય એક વિડીયો પણ સામે આવ્યો હતો. આ વિડીયો પણ ખૂબ ફરતો થયો.
આ વિડીયો તે જે સંસ્થા સાથે જોડાયેલો હતો તેના ધ્યાને આવ્યો. કોઇ પણ રાજકીય ગતિવિધિમાં સામેલ થવું આ સંસ્થાના નિયમોની વિરુદ્ધ છે, તેથી તેમણે કાર્યવાહી કરી અને યુવકને સસ્પેન્ડ કરી દીધો. ઑપઇન્ડિયા પાસે તેનો સસ્પેન્શન લેટર પણ હતો. જેમાં કારણો જણાવવામાં આવ્યાં હતા. તે સંસ્થાનું નામ ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન હતું.
મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરતાં ઑપઇન્ડિયા ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન સુધી પહોંચ્યું હતું. સંસ્થાના ઝોનલ હેડ ગોવિંદભાઈએ અમારી સાથે ચર્ચા કરીને વિગતે માહિતી આપી હતી અને સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેઓ એક ખાનગી સંસ્થા છે અને તેમના નિયમોથી જે-તે વ્યક્તિ વિરુદ્ધ જતા હોઈ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, આ વિષયમાં સરકારને કે શિક્ષણ વિભાગને કશું લાગતું વળગતું નથી.
ડાબેરી ‘પત્રકાર’ મહેશ લાંગા વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન ઑપઇન્ડિયાના જમીની અહેવાલોની હારમાળા
ઑક્ટોબર, 2024માં GST કૌભાંડમાં ‘ધ હિન્દુ’ના (The Hindu) વામપંથી ‘પત્રકાર’ મહેશ લાંગાની (Mahesh Langa) ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડથી લઈને થયેલી તમામ કાર્યવાહી પર ઑપઇન્ડિયાએ ખાસ નજર રાખી હતી અને વાંચકોને લાંગાની કરતૂતો વિશે ખૂલીને માહિતી આપી હતી. પહેલી FIR GST કૌભાંડ કેસમાં તેના વિરુદ્ધ નોંધવામાં આવી હતી. જે બાદ સંવેદનશીલ માહિતીને વિપક્ષી પાર્ટીઓ અને ઉદ્યોગસમૂહો સુધી પહોંચાડવાના આરોપસર લાંગા વિરુદ્ધ બીજી FIR પણ નોંધવામાં આવી હતી. ઑપઇન્ડિયાએ આ મામલે પણ તમામ માહિતી સાથે અનેક અહેવાલો પ્રકાશિત કર્યા હતા.
જે બાદ અખબાર ‘ધ હિન્દુ’ના ‘પત્રકાર’ મહેશ લાંગા વિરુદ્ધ 29 ઑક્ટોબર, 2024ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રીજી FIR પણ નોંધી હતી. તેના પર એક વેપારીને ₹28 લાખનો ચૂનો લગાવીને રાજકીય વગ હોવાનું કહીને ધમકી આપવાનો આરોપ હતો. અમદાવાદમાં એક એડવર્ટાઇઝિંગ કંપની ચલાવતા વેપારીની ફરિયાદ બાદ આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઑપઇન્ડિયાએ FIRની નકલ મેળવીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા ફરિયાદીનો સંપર્ક કરીને જમીની અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો. જેમાં વિગતવાર મહેશ લાંગા પર લાગેલા આરોપો વિશે માહિતી આપવામાં આવી હતી.
ભાવનગરમાં કન્હૈયાલાલ જેવી ઘટના, હિંદુ દરજી પર સાહિલ-શૌકતનો જીવલેણ હુમલો
ભાવનગરના કુંભારવાડામાં એક હિંદુ વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો હતો. પીડિત વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનો સાથે સંકળાયેલા હતા, જ્યારે આરોપીઓની ઓળખ સાહિલ, શૌકત અને મુન્ના તરીકે થઈ હતી. પીડિતનો આરોપ હતો કે, અગાઉ હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે થતી રહેતી માથાકૂટને લઈને તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. કુંભારવાડામાં રહીને દરજીકામ કરતાં રાજેન્દ્રભાઈ ચૌહાણે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાને લઈને FIR પણ નોંધાવી હતી.
આ સમગ્ર ઘટના 1 ફેબ્રુઆરી, 2024ના રોજ બનવા પામી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ગત 1 ફેબ્રુઆરીના રોજ સાંજે સાતેક વાગ્યાના અરસામાં તેઓ પોતાની દુકાને કામ કરતા હતા ત્યારે ત્યાં બાજુમાં રહેતા સાહિલ પાદરશી અને શૌકત માંકડ ત્યાં આવી પહોંચ્યા હતા, જેમાં સાહિલના હાથમાં લોખંડનો પાઇપ હતો. દુકાને આવીને બંને મનફાવે તેમ ગાળો બોલવા માંડ્યા હતા અને સાહિલે ‘મારા દાદા બિલાલભાઈ વિરુદ્ધ અરજી કેમ કરેલ છે’ તેમ કહીને લોખંડનો પાઈપ મારી દીધો હતો, જેમાંથી એક ઘા રાજેન્દ્રભાઈને જમણા કાન ઉપર માથામાં વાગી જતાં લોહી નીકળવા માંડ્યું હતું.
આ મામલે વધુ જાણકારી મેળવવા માટે ઑપઇન્ડિયાએ પીડિત વ્યક્તિ રાજેન્દ્રભાઈનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હુમલો હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે થતી માથાકૂટની દાઝ રાખીને કરવામાં આવ્યો હતો. તેમણે અમને કહ્યું હતું કે, “હું મારી દુકાનમાં હનુમાન ચાલીસા વગાડતો રહું છું, જેને લઈને 6-7 મહિના પહેલાં અમારી આરોપીઓ સાથે માથાકૂટ થઈ હતી. એક વખત તો હનુમાન ચાલીસા ચાલી રહી હતી ત્યારે તેમણે આવીને જાતે જ ટેપ બંધ કરી દીધી હતી.” તેમણે કહ્યું હતું કે, આસપાસ હિંદુ-મુસ્લિમ બંને સમુદાયનાં ઘરો છે, જેમાંથી આ પરિવાર કાયમ વિરોધ કરતો આવ્યો છે, બીજા કોઈને વાંધો નથી.
પ્રાંતિજમાં હિંદુ વ્યક્તિની સરજાહેર હત્યા અને ઑપઇન્ડિયાનો જમીની અહેવાલ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 14 ફેબ્રુઆરી, 2024ના રોજ મુસ્લિમ ટોળાએ હિંદુ પરિવાર પર હુમલો કરીને એક વ્યક્તિની હત્યા કરી નાંખી હતી. પૈસાની લેવડદેવડ મામલે થયેલી આ માથાકૂટમાં ટોળું હિંદુ વિસ્તારમાં ધસી આવ્યું અને ધમાલ કરી હતી. ઘટનામાં બચાવ કરવા વચ્ચે પડેલા વ્યક્તિને ટોળાએ ખેંચી જઈને હત્યા કરી નાખી. આ મામલે પોલીસે કુલ 17 લોકો સામે FIR નોંધી હતી. આ ઘટના બાદ ઑપઇન્ડિયા પીડિત પરિવાર સુધી પહોંચ્યું હતું અને આખી ઘટના વિશે વિગતે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
મૃતક રાજુભાઈ ભોઈના નાના ભાઈ સુભાષભાઈએ ઑપઇન્ડિયા સાથે વાત કરી હતી. તેમણે ઘટના વિશે જણાવતાં કહ્યું કે, “ઘટના સાથે અમારા ભાઈને કશું જ લેવાદેવા ન હતી. અમારી બાજુમાં જે ભાઈ રહે છે તેમનો નાણાકીય વ્યવહારને લઈને સ્થાનિક મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. અઠવાડિયા પહેલાં પણ તેમની માથાકૂટ થઈ હતી. ત્યારબાદ 14 ફેબ્રુઆરીએ પણ બજારમાં તેમની બબાલ થઈ અને પાડોશીને આરોપીઓએ માર માર્યો હતો. ત્યારબાદ તેઓ ઘરે પણ આવી ગયા હતા અને ધમાલ મચાવી હતી.
પોતાના ભાઈની હત્યા મામલે સુભાષે આગળ જણાવ્યું હતું કે, “તે લોકો પાડોશીને માર મારી રહ્યા હતા ત્યારે મારા મોટા ભાઈએ માત્ર એટલું જ કહ્યું હતું કે, “તમે તેને શું કામ મારો છો?” મારા ભાઈએ આવું કહેતાં જ ટોળું ઉશ્કેરાયું હતું અને તલવારો, પાઈપો અને ધોકા-હૉકી સ્ટીક લઈને મારા ભાઈને મારવા ધસી આવ્યું. તેઓ તો છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. તે લોકો 100-200 જણા હતા અને મારા ભાઈને ઢસડીને લઈ ગયા. ઘરથી લગભગ 100 ફૂટ દૂર લઇ જઈને તે લોકોએ અંધારુ કરી દીધું અને આડેધડ માર માર્યો. મારા ભાઈને ગળું દબાવીને, પાઈપના ફટકા મારીને મારી નાખ્યા.” આ ઉપરાંત પરિવારે આરોપ લગાવ્યો હતો કે, મૃતદેહ લેવા જતી વખતે પરિવાર પર પણ પથ્થરો વરસાવવામાં આવ્યા હતા.
હિંદુ પત્રકાર પર રફીક મેમણનો હુમલો, જાતિસૂચક ગાળો પણ આપી
છોટાઉદેપુરના નસવાડીમાં રફીક મેમણે હિંદુ યુવકને જાતિ સૂચક શબ્દો કહી ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. ઘટનામાં પીડિત યુવક હિંદુ આદિવાસી સમાજમાંથી આવતો હતો અને ખાનગી સમાચાર કંપનીમાં કામ કરવા સાથે ખેત મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવકનો આરોપ હતો કે, નસવાડીના માથાભારે રફીક મેમણે તેને જાતિસૂચક શબ્દો કહીને જાહેરમાં ગડદા-પાટુંનો માર માર્યો હતો. આ મામલે પીડીતે નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતના ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર, પીડિત યુવક અલ્કેશ તડવીના પરિચિત વ્યક્તિને આરોપી રફીક મેમણ સાથે કોઈ બાબતે અણબનાવ બન્યો હતો. માથાકૂટ થયા બાદ મામલો સમાધાન સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન બન્ને પક્ષો વચ્ચે લેખિતમાં સમાધાન કરવાનું નક્કી થતા પીડિત યુવક અલ્કેશ પણ સમાધાન કરાર કરવા તેના પરિચિતના પક્ષે હાજર રહ્યો હતો. બંને પક્ષે સમાધાન થઈ જતા અલ્કેશ અને તેના પરિચિત સમાધાન કરાર લઈને ત્યાંથી નીકળી ગયા હતા. આ દરમિયાન ત્યાંથી નીકળ્યા બાદ અલ્કેશ સમાધાન કરાર લઈને વાંચી રહ્યો હતો ત્યારે આરોપી રફીક મેમણે તેને ઢોર માર માર્યો હતો.
અલ્કેશે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “સમાધાન કરાર આંચકીને રફીકે મને જાતિસૂચક શબ્દો કહ્યા હતા. તેણે મને ‘તું બહુ મોટો પત્રકાર થઈ ગયો છે? વાંચતા-લખતા આવડતું નથી અને પ્રેસનું આઈકાર્ડ લગાવીને ગાડી લઈને ફરે છે.’ કહીને ગડદા-પાટુંનો માર મારવા લાગ્યો હતો. આ દરમિયાન મારા કેટલાક પરિચિતો દોડી આવતા તેમણે મને રફીકથી બચાવ્યો હતો.” આ સમગ્ર વાતચીત દરમિયાન અલ્કેશે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, આરોપી રફીક સ્થાનીકોમાં માથાભારે હોવાની છાપ ધરાવે છે અને તેના વિરુદ્ધ ભૂતકાળના પણ એટ્રોસિટી સહિતના અનેક ગુના નોંધાયેલા છે.
ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ વિવાદમાં એકમાત્ર ઑપઇન્ડિયાએ હિંદુ વિદ્યાર્થીઓનો લીધો હતો પક્ષ અને પુરાવા સહિત સત્ય કર્યું રજૂ
17 માર્ચ, 2024ના રોજ ગુજરાત યુનિવર્સિટીના અનેક વિડીયો સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થયા હતા. તમામ વિડીયોમાં એક જ વાત કરવામાં આવી રહી હતી કે, સ્થાનિક વિદ્યાર્થીઓએ વિદેશના મુસ્લિમ વિદ્યાર્થીઓ પર હુમલો કરી દીધો અને હોસ્ટેલ પર પણ પથ્થરમારો કરીને મારપીટ કરી. કારણે કે, વિદેશી વિદ્યાર્થીઓ નમાજ પઢી રહ્યા હતા. જોકે, આ ઘટના બનવા પાછળના મૂળ કારણ સુધી કોઈપણ મીડિયા પહોંચ્યું નહોતું. સ્થાનિક તો ઠીક, પરંતુ દેશભરના મીડિયા આઉટલેટ્સે સ્થાનિક વિદ્યાર્થીઓ પર ઠીકરા ફોડવાના શરૂ કરી દીધા હતા. કથિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરે પણ આ ઘટનાને લઈને સ્થાનિક વિદ્યાર્થીઓને ટાર્ગેટ કર્યા હતા. ચોતરફ માત્ર સ્થાનિક વિદ્યાર્થીઓ પર જ દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો હતો. તેવામાં એકમાત્ર ઑપઇન્ડિયા એક્સક્લુઝિવ વિડીયો શોધી કાઢીને ઘટનાના મૂળ સુધી જવાના પ્રયાસ કર્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીમાં 2 હોસ્ટેલ ગ્રૂપમાં ધમાલ થવાના સમાચાર સામે આવતા ઈસ્લામવાદીઓએ લોકશાહીની હત્યાના નામની પોક મૂકી
— ઑપઇન્ડિયા (@OpIndia_G) March 17, 2024
પરંતુ ઑપઇન્ડિયાને મળેલ એક્સક્લુઝિવ વિડીયો અનુસાર વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીએ વાતચીત કરવા આવેલ હિંદુ યુવાન પર પહેલો હાથ ઉપાડ્યો હતો, જે બાદ મામલો બિચક્યો…… pic.twitter.com/H6lErozkzq
તે વિડીયોમાં જોઈ શકાયું હતું કે, ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં આવેલ એક બ્લોકમાં અમુક વિદેશી વિદ્યાર્થીઓ જાહેરમાં નમાજ પઢી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં કેટલાક અન્ય યુવાનો કારણ જાણવા માટે જાય છે કે, કેમ આ રીતે જાહેરમાં નમાજ પઢાઈ રહી છે. યુવાનો ત્યાંના સિક્યોરિટી ગાર્ડને પૂછે છે કે, કેમ આ રીતે જાહેરમાં નમાજ પઢાય છે. તો ગાર્ડ કહે છે કે, આ લોકો તો હંમેશા અહીંયા જ પઢે છે. યુવાનો કહે છે કે નમાજ માટે મદરેસા મસ્જિદ વગેરે હોય જ છેને. એવામાં નમાજ પઢી રહેલ એક વિદેશી મુસ્લિમ વિદ્યાર્થી ઉભો થઈને આવે છે અને હિંદુ યુવાનને કેટલાય લાફા મારી દે છે અને અપશબ્દો કહે છે. અને આ રીતે શરૂ થાય છે હોસ્ટેલમાં બે જૂથો વચ્ચે ધમાલ. ઈસ્લામવાદીઓએ અનેક વિડીયો શેર કર્યા હતા. પરંતુ એક પણ વ્યક્તિએ આ ધમાલ કઈ રીતે શરૂ થઈ હતી તેનો વિડીયો શેર નહોતો કર્યો. જે કામ એકમાત્ર ઑપઇન્ડિયાએ કર્યું હતું.
આમ વર્ષ, 2024 દરમિયાન ઑપઇન્ડિયાએ અનેક ગ્રાઉન્ડ રિપોર્ટ્સ કર્યા હતા. જેમાંથી મુખ્ય અને મહત્વપૂર્ણ અહેવાલોની આપણે ઉપર મુજબ ચર્ચા કરી છે. અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ્સમાં મોટાભાગના અહેવાલ એકસલુઝિવ રહ્યા હતા. કારણ કે, મેઈનસ્ટ્રીમ મીડિયાએ આવી એક પણ ઘટના પર પ્રકાશ નહોતો પાડ્યો. માત્ર ઑપઇન્ડિયાએ જ જમીની સ્તર સુધી પહોંચીને સત્ય શોધ્યું હતું અને સમાજ સામે રજૂ કર્યું હતું. અમારા અહેવાલો ઘણી જગ્યાએ આગળની કાયદેસરની કાર્યવાહી અને સરકારના સંજ્ઞાન માટે પણ મદદરૂપ રહ્યા હતા. હવે 2025ની શરૂઆતમાં પણ ઑપઇન્ડિયા પોતાના કમિટમેન્ટ પર અડગ અને અટલ રહેશે તથા આ જ રીતે ખૂણામાં ભરાઈને પડેલા સત્યને મજબૂતાઈથી સમાજ સામે લાવવાના પ્રયાસો કરશે.