Monday, September 16, 2024
More
    હોમપેજગુજરાતભાવનગરમાં કન્હૈયાલાલ જેવી ઘટના બનતાં-બનતાં રહી ગઈ: સાહિલ-શૌકતનો હિંદુ દરજી પર જીવલેણ...

    ભાવનગરમાં કન્હૈયાલાલ જેવી ઘટના બનતાં-બનતાં રહી ગઈ: સાહિલ-શૌકતનો હિંદુ દરજી પર જીવલેણ હુમલો, હનુમાન ચાલીસા વગાડવા બદલ માર મરાયો હોવાનો પીડિતનો આરોપ

    દુકાને આવીને બંને મનફાવે તેમ ગાળો બોલવા માંડ્યા હતા અને સાહિલે ‘મારા દાદા બિલાલભાઈ વિરુદ્ધ અરજી કેમ કરેલ છે’ તેમ કહીને લોખંડનો પાઈપ મારી દીધો હતો, જેમાંથી એક ઘા રાજેન્દ્રભાઈને જમણા કાન ઉપર માથામાં વાગી જતાં લોહી નીકળવા માંડ્યું હતું.

    - Advertisement -

    ભાવનગરમાં એક હિંદુ વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. પીડિત વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનો સાથે સંકળાયેલા છે, જ્યારે આરોપીઓની ઓળખ સાહિલ, શૌકત અને મુન્ના તરીકે થઈ છે. પીડિતનો આરોપ છે કે અગાઉ હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે થતી રહેતી માથાકૂટને લઈને તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે. 

    આ મામલે ભાવનગરના કુંભારવાડામાં રહીને દરજીકામ કરતા રાજેન્દ્રભાઈ ચૌહાણે બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે FIR દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ગત 1 ફેબ્રુઆરીના રોજ સાંજે સાતેક વાગ્યાના અરસામાં તેઓ પોતાની દુકાને કામ કરતા હતા ત્યારે ત્યાં બાજુમાં રહેતા સાહિલ પાદરશી અને શૌકત માંકડ ત્યાં આવી પહોંચ્યા હતા, જેમાં સાહિલના હાથમાં લોખંડનો પાઇપ હતો. 

    દુકાને આવીને બંને મનફાવે તેમ ગાળો બોલવા માંડ્યા હતા અને સાહિલે ‘મારા દાદા બિલાલભાઈ વિરુદ્ધ અરજી કેમ કરેલ છે’ તેમ કહીને લોખંડનો પાઈપ મારી દીધો હતો, જેમાંથી એક ઘા રાજેન્દ્રભાઈને જમણા કાન ઉપર માથામાં વાગી જતાં લોહી નીકળવા માંડ્યું હતું. ત્યારબાદ તેમણે બૂમાબૂમ કરી દેતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા, જેથી બંને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. 

    - Advertisement -

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, થોડીવારમાં સાહિલનો બાપ મુન્ના બિલાલ પાદરશી આવ્યો હતો અને ‘તું મારા દીકરાને ગાળો કેમ આપે છે’ કહીને ‘ફરી માથાકૂટ કરી તો જીવતો નહીં રહેવા દઉં’ કહીને ધમકી આપીને જતો રહ્યો હતો. ત્યારબાદ પીડિત વ્યક્તિને ઈજા પહોંચેલી હોઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. 

    તેમણે જણાવ્યું કે, બે દિવસ પહેલાં તેમની બાજુમાં રહેતા શૌકતભાઈ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેમણે તેની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, જેમાં બિલાલનું પણ નામ લખવામાં આવ્યું હતું. જેની દાઝ રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનું FIRમાં જણાવવામાં આવ્યું છે. 

    હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે અવારનવાર ધમકીઓ આપતા રહેતા: ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં પીડિત વ્યક્તિ 

    આ મામલે વધુ જાણકારી મેળવવા માટે ઑપઇન્ડિયાએ પીડિત વ્યક્તિ રાજેન્દ્રભાઈનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે, હુમલો હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે થતી માથાકૂટની દાઝ રાખીને કરવામાં આવ્યો છે. તેમણે અમને કહ્યું, “હું મારી દુકાનમાં હનુમાન ચાલીસા વગાડતો રહું છું, જેને લઈને 6-7 મહિના પહેલાં અમારી આરોપીઓ સાથે માથાકૂટ થઈ હતી. એક વખત તો હનુમાન ચાલીસા ચાલી રહી હતી ત્યારે તેમણે આવીને જાતે જ ટેપ બંધ કરી દીધી હતી.” તેમણે કહ્યું હતું કે આસપાસ હિંદુ-મુસ્લિમ બંને સમુદાયનાં ઘરો છે, જેમાંથી આ પરિવાર કાયમ વિરોધ કરતો આવ્યો છે, બીજા કોઈને વાંધો નથી.

    તાજેતરની ઘટનાને લઈને તેમણે જણાવ્યું કે, બુધવારે બંને પક્ષે ફરી નજીવી બાબતે બંને પક્ષે બોલાચાલી થતાં બંનેએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. જે અરજી આપીને તેઓ પરત ફરી રહ્યા હતા અને CCTV કેમેરા લગાવડાવી રહ્યા હતા ત્યારે તેમની સાથે આ મારપીટની ઘટના બની હતી. તેમનું કહેવું છે કે હનુમાન ચાલીસા મુદ્દે ચાલતી માથાકૂટની દાઝ રાખીને જ આ મારપીટ કરવામાં આવી છે.

    ભારત-પાક મેચ દરમિયાન પણ ધમાલ થઈ હતી

    તેમણે વધુમાં જાણકારી આપતાં કહ્યું કે, ઓક્ટોબરમાં ક્રિકેટ વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ચોકમાં છોકરાં જ્યારે ફટાકડા ફોડતાં હતાં ત્યારે આ જ પરિવારના જમાઈએ મારી સાથે માથાકૂટ કરીને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ મેં ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ પણ તેમણે મારી સાથે ફરી માથાકૂટ કરી હતી.

    FIRમાં હનુમાન ચાલીસાની બાબતનો ઉલ્લેખ ન હોવાનું પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, “મેં પોલીસને તમામ વિગતો આપી હતી, પરંતુ તેમણે FIRમાં ઉલ્લેખ ન કર્યો એમાં હું શું કરી શકું? બાકી, આ તમામ વિગતો મેં પોલીસને પણ આપી હતી.” જોકે, તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ પોલીસ અધિકારીઓ તેમના ઘરે આવ્યા અને નિવેદન નોંધ્યું હતું. 

    તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પોતે હિંદુ સંગઠનો સાથે જોડાયેલા છે અને વિશ્વ હિંદુ પરિષદના સક્રિય કાર્યકર્તા છે. છેલ્લાં 2 વર્ષથી દર હનુમાન જયંતીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરે છે તેમજ કાવડ યાત્રા પણ લઇ જાય છે. તે સિવાય પણ અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. 

    તપાસ કરી રહ્યા છીએ: ભાવનગર પોલીસ 

    આ મામલે ઑપઇન્ડિયાએ પોલીસનો પણ સંપર્ક કર્યો. સમગ્ર મામલાની તપાસ જેમના હાથમાં છે એવા તપાસ અધિકારી અને બોરતળાવ પોલીસ મથકના PSI કેસી રેહવરે અમને જણાવ્યું કે, “FIR હાલના બનાવને અનુસંધાને નોંધવામાં આવી છે, જેથી હનુમાન ચાલીસાનો કોઈ ઉલ્લેખ નથી. બંને પક્ષે માથાકૂટ થઈ હતી, જે મામલે અરજી થતાં અટકાયતી પગલાં લીધાં હતાં. જેનું ખોટું લાગતાં હુમલો કર્યો હતો. તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ, વધુ જાણકારી તપાસ બાદ સામે આવી શકશે.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં