સોશિયલ મીડિયા માધ્યમ જે પહેલાં ટ્વિટર હતું એ અમેરિકન અબજોપતિ ઈલોન મસ્કે ખરીદ્યા બાદ એક્સ (X) થઈ ગયું. ખરીદ્યા પછી મસ્ક એપ્લિકેશનમાં નીતનવા ફેરફારો કરતા રહે છે. અત્યાર સુધીમાં એક્સનું સ્વરૂપ ટ્વિટર હતું તેના કરતાં ઘણુંખરું બદલાયું છે. અનેક ફીચરો ઉમેરાયાં, અનેક બાદ થયાં. આવું જ એક ફીચર તાજેતરમાં ઉમેરવામાં આવ્યું છે, જેના થકી હવે સોશિયલ મીડિયા યુઝરોની પ્રોફાઇલમાં તેઓ કયા દેશમાંથી ઓપરેટ કરે છે તે પણ દર્શાવવામાં આવશે. જેને કન્ટ્રી લેબલ ફીચર કહેવાયું છે.
આ કન્ટ્રી લેબલ કોઈના પણ અકાઉન્ટ પર જઈને પ્રોફાઇલમાં ‘ડેટ જોઇન્ડ’ પર જઈને જોતાં ખૂલે છે. તેમાં ક્યારે એક્સ જોઇન કર્યું હતું, અકાઉન્ટ કયા દેશમાંથી ચાલે છે, વેરિફાઈડ હોય તો ક્યારથી વેરિફાઈડ છે અને કયા એપ સ્ટોરથી કનેક્ટેડ છે તે દર્શાવે છે. જોકે આમાં એક વિકલ્પ છે, જેના દ્વારા યુઝરો મૂળ દેશ છુપાવીને વિસ્તાર દર્શાવી શકે છે. ઉદાહરણ તરીકે સાઉથ ઈસ્ટ એશિયા લખી શકાય ભારતને સ્થાને. આ વિકલ્પ ખાસ કરીને એવા વિસ્તાર માટે આપવામાં આવ્યો છે, જ્યાં સોશિયલ મીડિયા પર નિયંત્રણો છે. જેથી આ વિસ્તારમાં રહેતા લોકોની ગોપનીયતાનો પ્રશ્ન ન આવે.

રાજનીતિક દૃષ્ટિએ જોઈએ આ લેબલ ઘણું કામનું છે. અત્યાર સુધી કોઈ પણ અકાઉન્ટ પોતે કોઈ પણ વિસ્તાર, ભૂગોળ કે પૃષ્ઠભૂમિમાંથી હોવાનો દાવો કરીને રાજકીય ચર્ચામાં કૂદી પડતું. જેમકે, કોઈ અકાઉન્ટ ભારતના કોઈ મુદ્દા પર કોઈ પોસ્ટ કરતું હોય, એ ક્યાંથી, કયા દેશમાં બેસીને લખે છે એ કોઈ જાણી શકતું ન હતું. હવે આ લેબલથી કોઈ અકાઉન્ટ કયા દેશમાંથી ઓપરેટ થાય છે, જે-તે માણસ જે ભારત વિશે અભિપ્રાયો આપે છે, અહીંના સ્થાનિક રાજકારણ પર જ્ઞાન આપે છે કે તે સૌથી પહેલાં તો ભારતીય છે કે કેમ તે જાણ થઈ જશે.
અનેક વખત એવું બન્યું છે કે ભારતીય રાજકારણ પર સોશિયલ મીડિયા પર એક પછી એક પોસ્ટનો મારો ચલાવતા, નરેટિવ સેટ કરતાં ઘણાંખરાં અકાઉન્ટ ક્યારેય ભારતીય હોતાં જ નથી. આવું બીજા દેશોના કિસ્સામાં પણ બનવાનું. અત્યાર સુધી આ અકાઉન્ટનાં મૂળ ક્યાં છે, ક્યાં તેની ડિજિટલ ફૂટપ્રિન્ટ છે એ જાણી શકાતું નહીં, પરંતુ હવે એ કામ આ લેબલના કારણે સરળ થઈ પડશે.
કંપનીએ આ લેબલ શરૂ કરવા પાછળ પણ આ જ કારણ આપ્યું છે. કંપનીનું કહેવું છે કે જ્યારે કોઈ એક્સ પર કોઈ કન્ટેન્ટ જુએ તો તેને ઓછામાં ઓછી એ વાતની જાણ હોવી જોઈએ કે જે-તે પોસ્ટ કરનાર અકાઉન્ટનાં મૂળ ક્યાં છે, તે જે-તે વિસ્તાર કે દેશ વિશે અભિપ્રાય આપી રહ્યો છે કે રહી છે તેનું ઔચિત્ય કેટલું છે.
આવાં ઘણાં અકાઉન્ટના સ્ક્રીનશૉટ હવે સોશિયલ મીડિયા પર ફરતા થઈ ગયા છે. ફેક્ટચેકિંગ કરવાનો દાવો કરતું પોર્ટલ ‘ઑલ્ટ ન્યૂઝ’નું લેબલ યુનાઇટેડ સ્ટેટ્સનું બતાવે છે.

બીજાં ઘણાં ખાતાં જે ભારતના પોલિટિકલ ડિસ્કોર્સમાં, નરેટિવ બિલ્ડિંગમાં ભૂમિકા ભજવતાં હોય એ ભારતની બહારથી ચાલતાં હોવાનું જાણવા મળ્યું છે.

ઘણાં અકાઉન્ટ એવાં છે, જે કાયમ ભારતથી ચાલતાં હોવાનો દાવો કરતાં રહે છે, પણ વાસ્તવમાં દેશની બહારથી ચાલતાં હોય. તેમનાં લેબલના સ્ક્રીનશૉટ હવે ફરતા થઈ રહ્યા છે.
આવો જ એક કેસ દિયા શર્મા અને યશિતા નાગપાલ નામની બે યુઝરોનો નીકળ્યો, જે બંને પાકિસ્તાની હોવાનું ખૂલ્યું. બંને અકાઉન્ટ ભારતીય બનીને અહીંના વાતાવરણ પર, રાજકારણ પર પોસ્ટ કરતાં હતાં.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં જ્યારે દેશમાં અમુક સુવ્યવસ્થિત રીતે આંદોલનો કરાવવામાં આવ્યાં ત્યારે સરકારે આવી જ ચિંતા વ્યક્ત કરીને ઘણાંખરાં સોશિયલ મીડિયા અકાઉન્ટ રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આપીને બંધ કરી દીધાં હતાં. કારણ કે વિદેશમાં બેસીને વેલ કૉઓર્ડિનેટેડ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું હતું અને ભારતના રાજકીય મુદ્દાઓ પર નરેટિવ સેટ કરવાના પ્રયાસ થતા હતા. જે-તે સમયે ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’નું કારણ આપીને સરકારની ટીકા કરવામાં આવી હતી, પણ હવે આ એક્સના અગત્યના અપડેટ પછી ઘણુંખરું સ્પષ્ટ થયું છે.
ટૂંકમાં કહીએ તો આ અપડેટથી સામાન્ય યુઝરોને કોઈ નુકસાન નથી, પણ જેઓ વિદેશમાં બેસીને સુવ્યવસ્થિત રીતે ભારતીય રાજકારણ પર ટીકા-ટિપ્પણીઓ કરીને જાણીજોઈને અહીંનું વાતાવરણ ડહોળવાના પ્રયાસોમાં લાગેલા રહે છે, તેઓ હવે ખુલ્લા પડતા જશે.


