સોશિયલ મીડિયા પર રાજ ગોસ્વામી નામના એક ઇસમની પોસ્ટ ચર્ચામાં છે. ગુજરાતી અખબારોમાં પત્રકાર તરીકે કામ કરી ચૂકેલા આ ભાઈ લેખક પણ છે અને ઘણાં પુસ્તકોના અનુવાદ કર્યા છે. તાજેતરમાં એક પોસ્ટ મૂકીને તેમણે પોરબંદરમાં યોજાઈ રહેલા એક પુસ્તક મેળાનો પ્રચાર કર્યો હતો. પણ તેની સાથે લખાણ એવું લખ્યું જેનાથી હવે લોકો સવાલ કરી રહ્યા છે.
રાજ ગોસ્વામીએ પોરબંદરમાં યોજાઈ રહેલા પુસ્તક મેળાની જાહેરાત પોસ્ટ કરીને લખ્યું, ‘પુસ્તકો વાંચો તો પાપ ધોવા માટે ગંગામાં જવું ના પડે….પુસ્તકો વાંચો તો ગેરકાયદે અમેરિકા જવાનું ના થાય…’

અહીં સીધો અર્થ મહાકુંભ સાથે છે. અત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ લાખો લોકો મહાકુંભમાં આવે છે અને ત્રિવેણી સંગમ પર જઈને આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવે છે. જેમાં એક સામાન્ય માનવીથી લઈને છેક દેશના વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ સુધીની વ્યક્તિઓ આવી ગઈ.
લેખકે આ રીતે ‘ગંગામાં પાપ ધોવા જવું ન પડે’નું જ્ઞાન વહેંચ્યા બાદ હવે સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે આખરે પુસ્તકોના પ્રચાર માટે આ બાબતને વચ્ચે લાવવાની જરૂર શું હતી. શું લોકો જાય છે એ પાપ ધોવાના ઈરાદે જ જાય છે? આસ્થા જેવું કશું હોતું નથી? આ રીતે આસ્થાને વચ્ચે લાવવા બદલ લોકોમાં હવે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ખુશાલી ઠક્કરે ફેસબુક પર લખ્યું છે, ‘અહીં પુસ્તક અને સનાતન ધર્મની આસ્થાને શા માટે જોડ્યાં હશે? આ ભાઈનું કહેવું એમ છે કે પુસ્તકો વાંચો તો ગંગામાં જવું ન પડે.’
હાર્દિક ભારતીય લખે છે, શું આ લોકો એમ સમજતા હશે કે કુંભ જનાર અને ગેરકાયદેસર અમેરિકા જતા પણ બધા અભણ હશે? પુસ્તક ન વેચાય તો આવાં ગતકડાં કરવાનાં? તેમણે આગળ કહ્યું, “લોકો પ્રશ્ન કરશે તો કહેશે કે ટ્રોલિંગ થાય છે, પણ પોતે લોકોની આસ્થાની મજાક બનાવે છે એ નહીં જુએ.”
ગોસ્વામીની પોસ્ટ પર પણ અમુક લોકોએ સારી સલાહ આપી છે. જેમાં કહ્યું કે, ચોપડીઓ વાંચવી સારી બાબત છે, પણ તેના માટે ગંગા અને અમેરિકાને વચ્ચે ન લાવવું જોઈએ.

અપડેટ: ઑપઇન્ડિયાના આ રિપોર્ટ બાદ લેખક રાજ ગોસ્વામીએ પોતાનાં તમામ સોશિયલ મીડિયા હેન્ડલો પરથી વિવાદિત પોસ્ટ હટાવી દીધી હતી. હવે પોસ્ટ જોવા મળી રહી નથી.